અમૃતા

પાન : ૩૨૦
કીમત: ૨૦૦ રૂ.
Capture.PNG
ઇ.સ.૧૯૬૬માં પ્રગટ થયેલી અમૃતા નવલકથા એ રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કૃતિ છે. ‘અમૃતા’ નવલકથા લેખકે માત્ર ૨૭ વર્ષની ઉંમરે લખી હતી. ‘અમૃતા’ નવલકથા એકબીજાનાં પ્રણયસંબંધથી જોડાયેલા ત્રણ પ્રેમીઓની – એક સ્ત્રીની અને બે પુરુષની પ્રણયકથા છે. અમૃતા, અનિકેત અને ઉદયન – આ ત્રણ પાત્રોની આજુબાજુ જ અમૃતા નવલકથાનું કથાવસ્તુ ઘડાયેલું છે. ત્રણેય પાત્રો શિક્ષિત, યુવાન અને બુદ્ધિમાન છે.
અમૃતા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે ઉદયન અને અનિકેત એને અભિનંદન આપવા આવે છે, ત્યાંથી આ કથાનો આરંભ થાય છે. આ ત્રણેય પાત્રોમાં સ્વભાવગત ભિન્નતા રહેલી છે.

અમૃતા શિક્ષિત તેમજ સમજુ સ્ત્રી છે. એના હ્રદયમાં અનિકેત પ્રત્યે પ્રેમભાવ છે, પરંતું ઉદયનને છોડવો એ એની કસોટીરૂપ છે. બન્નેમાંથી કોની પસંદગી કરવી એના માટે એને સ્વતંત્ર પસંદગીનો અધિકાર જોઇએ છે. અમૃતાને મતે માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી તો અન્યને તો કેવી રીતે ઓળખી શકે? એથી બીજાને ઓળખવા કરતા જાતે જ અનુભવ લેવામાં માને છે.
ઉદયન અઠંગ અસ્તિત્વવાદી છે. ઇશ્વરમાં માનતો નથી. પોતાની જાત પર ખૂબ અભિમાન છે. ઉદયને અમૃતાનાં વિકાસમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હોવાથી અમૃતા પ્રત્યે એને પ્રેમની લાગણી જન્મે છે. એ એવું ઇચ્છે છે કે, અમૃતા સ્વયં સમજશક્તિથી એના પ્રેમનો સ્વીકાર કરે.

પરંતું બને છે એવું કે ઉદયનનો મિત્ર અનિકેત – જેનો પરિચય ખુદ ઉદયને અમૃતા સાથે કરાવ્યો હતો તે – સમય જતાં અમૃતાનાં હ્રદયમા વસી જાય છે. અહી અમૃતા પુરુષ પસંદગીની બાબતમાં દ્વિધા અનુભવે છે. કથાનાં પૂર્વાર્ધમાં એ અનિકેત પ્રત્યે વિશેષ હ્રદય-રાગ ધરાવે છે. અમૃતા અને અનિકેતમા નિતાંત મુગ્ધતા છે, જ્યારે ઉદયનમા મુગ્ધતાનો અભાવ વર્તાય છે. એટલે જ અનિકેતને અમૃતા ચાહે છે એ વાતની ખબર પડતા ઉદયન અકળાઇ ઊઠે છે. એનાથી એ બાબત સહન થતી નથી. એટલું જ નહીં આવેશમાં આવી ઉત્તેજિત થઇ અમૃતા પર હાથ ઉપાડવાની  અને એના કપડાં ફાડી નાખવા સુધીની ક્રિયા કરી નાખે છે. એનામા પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓ એટલી હદે વ્યાપેલી છે કે તે સત્યને જીવનનાં અંત સુધી સ્વીકારી શકતો નથી. કથાનાં અંતમાં અમૃતાનો સમર્પણભાવ જ ઉદયનના ખોટા ખ્યાલોનો અને પૂર્વગ્રહોનો છેદ ઉડાડે છે.

અનિકેત વનસ્પતિશાસ્ત્રી હોવાની સાથે સાથે અનેક શાખાનો જ્ઞાતા છે. એ ઇશ્વરમાં આસ્થાવાળો તેમજ ઐન્દ્રિય અને તર્કગત બાબતોનો સ્વીકાર કરનારો છે. અન્યને અનુકૂળ થવા એ હમેશાં તૈયાર રહે છે. એ ઉદાર અને પ્રેમાળ છે. જ્યારે અમૃતા એની પ્રત્યે આકર્ષાય છે તેની પોતાને જાણ થતાં અમૃતા અને ઉદયન વચ્ચે અવરોધરૂપ ન બને એથી એ બન્નેથી દૂર જતા રહેવા વિચારે છે. પરંતું અમૃતાથી દૂર થવાના વિચાર માત્રથી વિવશ-બેચેન બની જાય છે. એનું સમગ્ર અસ્તિત્વ હચમચી જાય છે. અનિકેત વૈજ્ઞાનિક હોવાની સાથે સુસંસ્કૃત પુરુષ છે. જ્યારે અમૃતા અનિકેતના ઘરે આવે છે ત્યારે અનિકેત જે રીતે એનો આદર-સત્કાર કરે છે, તેમાં અનિકેતની એક સભ્ય અને સંસ્કારી પુરુષ તરીકેની છાપ ઊભી થયા વિના રહેતી નથી.

ઉદયન અધ્યાપક, પત્રકાર અને વાર્તાકાર છે. તે ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતા વર્તમાનને વધારે સ્વીકારે છે. ઉદયન કોઇ પર આધાર રાખવામા માનતો નથી. સ્વબળે જ પોતાનો વિકાસ સાધવાની ઇચ્છાવાળો છે. પરંતું જ્યારે તે ભિલોડામાં ખૂબ બિમાર પડે છે અને અમૃતા એની સાચા હ્રદયથી સેવા કરે છે ત્યારે એને પોતાનાથી ભિન્ન એવા અન્યની સેવાનો સ્વીકાર કરવો પડે છે. હિરોશિમાથી લ્યુકેમિયાની અસાધ્ય બિમારી લઇને આવેલા ઉદયનનુ અમૃતાની સેવાચાકરીથી અને વિશુદ્ધ સમર્પણયુકત પ્રેમથી હ્રદય પરિવર્તન થાય છે. અને તે મૃત્યુ પામતા પહેલા ઇશ્વરનાં અસ્તિત્વમાં માનતો થઇ જાય છે.
અમૃતા, ઉદયન અને અનિકેત વચ્ચે સ્ત્રી-પુરુષોનાં સંબંધોને લઇ મુક્ત ચર્ચાઓ થાય છે. ત્રણેય પાત્રો એકબીજાનો સહવાસ ઇચ્છે છે. ત્રણેય પાત્રો એકબીજાને બળજબરીથી મેળવવામાં નહીં પણ સમજણપૂર્વક સ્વીકાર કરવામાં માને છે. ત્રણેય પાત્રો જુદાજુદા સમય, સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિમાથી પસાર થઇ કથા વિકાસમાં વેગ લાવે છે. એ રીતે જોઇએ તો આ અમૃતા, ઉદયન અને અનિકેતની વ્યક્તિકથા બની રહે છે.  

લેખકને અહીં ત્રણેય પાત્રોનાં ચિત્રણમાં પાત્રનિરૂપણરીતિ દ્વારા માત્ર પાત્રોનાં પ્રણયભાવને રજૂ કરવાને બદલે પાત્રોના અસ્તિત્વને ઉજાગર કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. કથામાં ઘટના બહુ ઓછી છે.પાત્રોના માનસમાં ચાલતું મંથન એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને તેટલી સુક્ષ્મતાથી થઇ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયોગ કરેલો છે. કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોચ્યા વગર જંપવા દેતી નથી, એ લેખક ની સફળતા દર્શાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s