મારુ સ્વપ્ન -વર્ગીસ કુરિયન

કીમત: 175 રૂ.
પાન : 234

book1

શું આપણે આપણાં દિવસની કલ્પના દૂધ વગર કરી શકીએ? એવી એક સિસ્ટમ કે જેનાથી ખેડૂત ડેરીમાં દૂધ જમા કરાવે અને એ નુટ્રિશન દૂધ ડેરીમા પ્રોસેસ થઈને ફ્રેશ પેકેટમાં રોજ આપણા દરવાજે અમુલની કોથળીમાં આવે. એ સિસ્ટમ જ ન હોત એની કલ્પના થઇ શકે ?
આ આખી સિસ્ટમ કોઈ એક વ્યક્તિ નહિ પણ ભારતના જ લાખો ખેડૂતો દ્વારા ચલાવવામાં આવે અને એ પણ ખુબ ઊંચી ગુણવત્તા અને નૈતિક મૂલ્યો સાથે એવું જાણવા મળે તો ? કેવું અદભુત !

‘I Too Had A Dream – મારું સ્વપ્ન’. બસ આ પુસ્તકમાં આણંદના એક નાનકડા ગામડાંમાંથી આવેલું ભેંસનું દૂધ અને દૂધની બનાવટો એ આપણા ઘરે કેવી રીતે પહોંચી એની આખી ગાથા છે 🙂 વિશ્વભરમાં ‘મિલ્કમેન’ તરીકે જાણીતા ડૉ. કુરિયનની જીવનની ગાથા પણ ખરીજ. તેમણે ગામડાંના લોકોને સુખી-સમૃદ્ધ બનાવવા જીવનભર મથામણ કરી. આ પુસ્તક મૂળ અંગ્રેજી (I too had a dream) પરથી ગુજરાતીમાં સુધા મહેતા એ અનુવાદ કર્યો છે. પુસ્તક 2006માં પ્રકાશિત થયું છે એટલે જેટલા આંકડા અને વિગતો આપવામાં આવી છે એ 2005 સુધીની છે.

આત્મકથા એ મારો પ્રિય વિષય. મને ખુબ ગમે કે સાવ સામાન્ય માણસ પોતાની મહેનત અને ધગશથી કેટલું કરી શકે છે, એ વાત એમના જ શબ્દોમાં વાંચવાની. નડિયાદમાં જન્મી અને આનંદમાં ભણી એટલે અમુલ વિષે તો ખબર ન હોય એમ બને જ નહિ! પણ આ અમુલ એ સાવ સામાન્ય દૂધ પૂરું પડતી કંપની નથી પણ સૌથી મોટી સહકારી મંડળી છે જે ખેડૂતો દ્વારા ચાલે છે એ જાણ્યું ત્યારે અચંબિત થઇ જવાયું.

કેવી રીતે કેરળનો એક ઈજનેર આકસ્મિત રીતે આણંદમાં નોકરી માટે આવે અને ત્રિભુવનદાસ પટેલ નામનાં સ્વાતંત્ર્યસેનાનીને મળે અને પછી ડેરી ખેડૂતોની સહકારી મંડળીમાં જોડાય. એક એવો શહેરનો વ્યક્તિ કે જેને ગામડા સાથે કાંઈજ લેવા દેવા નહિ એ ચરોતરના ગામડાંના ખેડૂતો સાથે લગભગ 10000 થી વધારે મંડળીઓ રચે જેમાં રોજનું લગભગ 2500 લાખ લીટર દૂધ એકઠી કરતી ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી “અમુલ”ની સ્થાપના કરે ! વાત માત્ર અમુલ સુધીને આવીને અટકી નથી જતી પણ ભારતમાં ઓપરેશન ફ્લડ શરુ કરે અને માત્ર આણંદ નહિ પણ સમગ્ર ભારતમાં અમુલ જેવી ડેરીઓ શરુ કરે ! આ ઉપરાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA), ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, ઇન્ડિયન ડેરી કોર્પોરેશન (IDC) ની પણ શરૂઆત થાય!

મેં અગાઉ પણ આ પુસ્તક વાંચ્યું હતું પણ આજે ફરી વાંચ્યું અને ફરીથી એટલી જ મજા આવી! દરેક ભારતવાસી એ વાંચવા જેવું આ પુસ્તક છે.
આ પુસ્તકમાં વર્ગીસ કુરિયનના રાજકારણીઓ, અમલદારીઓ, નેતાઓ સાથેના ઘણા સારા અને ખરાબ સંઘર્ષો પણ ખુબ પ્રામાણિકતાથી એમણે નોંધ્યા છે. દરેક નવા પડાવ સાથે એમણે કેટલા ખંતથી કામ કર્યું છે એ વાંચીએ ત્યારે સમજી શકાય!
ભેંશના દૂધમાંથી જ દૂધ પાવડર, માખણ, બેબી ફૂડ અને બીજી ડેરી પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવી એની રસપ્રદ વાર્તાઓ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં ડૉ. કુરિયનની પ્રવૃતિમય અને રંગબેરંગી જિંદગીના પડકારો, સિદ્ધિઓ અને નિરાશાજનક અનુભવો છે.
પુસ્તકના આમુખમાં રતન તાતા લખે છે કે “જો આપણી પાસે આ પ્રકારના દીર્ઘદ્રષ્ટા અને એની જ સંનિષ્ટા તથા રાષ્ટ્રીય ભાવના ધરાવતા એક હાજર ડો.કુરિયન હોત તો આજે ભારત ક્યાં જઈને ઉભું હોત!” આ વિધાનનો પ્રત્યેક શબ્દ સાચો છે એની પ્રતીતિ વાચકને દરેક પાને થતી રહેશે.

પુસ્તકના ઘણા પ્રસંગો મને ખુબ ગમ્યા છે જેમાના અમુક અહીં મુકું છું.

સરદાર પટેલના દીકરી – મણિબહેન વિષે
“અત્યંત પ્રમાણિકતા અને વફાદારીના ગુણો મણિબહેન ધરાવતાં. પોતાની સમગ્ર જિંદગી તેમણે પિતાને સમર્પિત કરી દીધી. તેમણે મને કહ્યું કે જ્યારે સરદાર પટેલનું નિધન થયું , ત્યારે તેઓ તેમની એક ચોપડી અને થેલો લઈને દિલ્હીમાં જવાહરલાલ નેહરુને મળવા ગયાં અને તે ચીજો સોંપી. ત્યારે તેમણે ત્યારે નેહરુને કહ્યું કે તેઓના પિતાએ આમ કરવાની સૂચના આપી હતી અને સાથે સિંધી તાકીદ કરી હતી કે તે બીજા કોઈને ન આપવી. આ થેલીમાં કોંગ્રેસ પક્ષની માત્ર માલિકીના રૂ. ૩૫ લાખ હતા અને તે ચોપડી એ પક્ષના હિસાબનો ચોપડો તેઓ હતો. નેહરુએ આ ચીજો સ્વીકારી અને મણિબહેનનો આભાર માન્યો.” 

વર્ગીસ કુરિયન ટાંકે છે ,
“એ દિવસોમાં મારી આદત હતી કે આખી ડેરીની આસપાસ હું ચાલતો જાઉં અને બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહિ તે નોંધું. આવા જ એક જાહેર ન થતા ચક્કર વખતે મેં એક જૂના કર્મચારીને જોયો. તેને મોટી મૂછો હતી અને જ દાઢી પણ હતી. તેણે દૂધનું એક કેન ખોલ્યું હતું અને તેના પરથી મલાઈ ચાટી રહ્યો હતો. અચાનક તેણે ઊંચે જોયું તો હું દેખાયો. અમે બંને એકમેકને તાકી રહ્યા. મલાઈ તેના મોંમાંથી દાઢી પર સરકી રહી હતી. તે થોથવાઈને બોલ્યો: ‘ના, ના, સાહેબ, હું પીતો નથી, હું પીતો નથી.’ હું આડો થયો અને પાછો ફરી ગયો. પણ બીજે જ દિવસે મેં મૅનેજરને બોલાવીને સૂચના આપી કે દરેક કર્મચારીને અડધો લીટર દૂધ પીવા આપવું. આખો દિવસ આ લોકો દુધના વિશાળ જથ્થાની સાથે કામ કરતા હોય છે અને ભૂખ્યો પણ થાય છે. એમને એ દૂધમાં ભાગ ન મળે તે ન્યાય નથી”

લીડરશીપ 🙂
“મેં હંમેશા એ માન્યતા રાખી છે કે એક વાર તમે કોઈ વિશિષ્ટ મુદ્દે કામ કરનાર સૌથી વધુ ઉત્તમ માણસને ઓળખો અને તેને એક વાર તમારી અપેક્ષાની સ્પષ્ટતા કરી દો, પછી તેના પર તમારે સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની હોય અને કોઈ પણ જાતની દખલગીરી વિના તેને તેનું કામ કરવા દેવાનું હોય. એ તમે આમ કરો તો તે પ્રોજેક્ટ ચોક્કસ સફળ થાય. આ વાત મારી કારકિર્દીની શરૂઆતમાં જ ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરતાં હું શીખી ગયો હતો. જેમણે મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને મને જે યોગ્ય લાગ્યું તે મુજબ કામ કરવાની સ્વતંત્રતા આપી. મારા કામના વિવિધ વર્તુળોમાં પણ મેં આ જ તર્કથી ઘણું કામ સોંપ્યું હતું ”

ડૉ. કુરિયનની ઑફિસમાં પ્રદર્શિત “અમૂલ’ વિધાનોછતાં પણ કરે જ જાઓ

“તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક જ રાતમાં થાય,
છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,
છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,
છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,
છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે!
છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,
છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.
છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો..

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,
છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,
છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,
છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,
છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો “

પહેલો વિશ્વપ્રવાસ

વિશ્વપ્રવાસ! વર્લ્ડ ટુર! આ સાંભળીને જ કેટલી ખુશી મળે નહિ ? કદાચ બધાનું એવું સપનું તો હોય જ કે આખી દુનિયા ફરું.. અમેં પણ ક્યારેક એ સપનું જોયેલું પણ એ આટલું જલ્દી પૂરું થશે એ ન હતી ખબર 🙂 આ સપનાને પૂર્ણ કરવાના બીજ રોપાયા અમારા સાન ફ્રાન્સિસ્કોના સફળ 4 મહિનાના રહેવાસ પછી! અમે સાન ફ્રાન્સિસ્કો 4 મહિના રહ્યા એમાં ખુબ મજા કરી તો થયું આમ જ આપણે 2020માં વિશ્વપ્રવાસ કરીએ તો?
બીજું મોટું કારણ વિશ્વપ્રવાસ પાછળનું એ કે અમેરિકા છોડીને ભારત હંમેશા માટે પાછા ફરવું અને એ પહેલા પ્રવાસ કરવો એ પણ માત્ર એક બેગપેક સાથે, માત્ર 5 જોડી કપડામાં, 3-4 મહિના સુધી 🙂
પછી ચર્ચા થઇ કે ક્યાં ક્યાં જવું? સાઉથ અમેરિકામાં અમને થોડો રસ પહેલેથી હતો કેમ કે એ દેશમાં એકલા બેગપૅકીંગ કરવાની મજા આવે એમ છે, જ્યાં હાઇકીંગ, ટ્રેકિંગ સાથે ફરી શકાય, અને સાઉથ અમેરિકા વિષે ઓછા લોકો પાસેથી સાંભળ્યું છે! પછી આવ્યું મિડલ ઇસ્ટ – એમાં ઇઝરાયેલ એ અમારે બંનેને જોવું હતું એટલે એ નક્કી થયું અને ટર્કી અને ઇજિપ્ત! જાપાન પણ હતું લિસ્ટમાં પણ એ કાઢી નાખવું પડ્યું, સમયના અભાવના કારણે!
ધીમે ધીમે તારીખ વિષે નક્કી કરવાની વાત થઇ અને 1 માર્ચ નક્કી કરી! અને શરુ થઇ એક પછી એક વિઝા લેવાની રામાયણ!
પહેલા કયા દેશમાં કેટલા દિવસ ફરવા જવું ? શું ખાસ જોવું? કેટલા દિવસ જોઈશે? ઢગલાબંધ બ્લોગ્સ વાંચ્યા, પુસ્તકો વાંચ્યા, વિડીયો જોઈ અને ખાસ ફરવાના અમુક સ્થળો નક્કી કર્યા. એક ડાયરી બનાવી જેમાં દેશના નકશા દોર્યા અને કયો વિસ્તાર ક્યાં છે અને ક્યારે જોવો એ નકશામાં ચીતરતા ગયા.

વિઝા: જો તમે ભારતના નાગરિક હોવ તો તમારે મોટા ભાગે બધા દેશના વિઝા લેવા પડે અને દરેક દેશના વિઝીટર વિઝા 3 મહિનાના જ મળે એટલે એ કામ અમારે જાન્યુઆરીથી શરુ કરવાનું હતું. અમારા બંને પાસે અમેરિકાના વિઝા હતા એટલે થોડું કામ સરળ રહ્યું. મૉટે ભાગે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સમાં બધા દેશની વિઝાની એમ્બસી છે. તમારે ઓનલાઇન એપ્લિકેશન કરીને પછી તમારા પાસપોર્ટ, ડોક્યુમેન્ટ બધું મોકલી દેવાનું અને 4-10 દિવસમાં વિઝા થઈને પાસપોર્ટ ઘરે આવી જાય. અમે પહેલા બ્રાઝીલના વિઝા લીધા, જેમાં રૂબરૂમાં એમ્બસી જવાનું હતું અને ઇન્ટરવ્યૂ આપવાનું હતું. ચીલે અને પેરુ માટે જો તમારી પાસે અમેરિકા કે કેનેડા ના વિઝા હોય તો લેવાની જરૂર નહિ. આર્જન્ટિનાના વિઝા માટે અમારા ડોક્યુમેન્ટ લોસ એન્જલ્સ ગયા હતા અને ઇન્ટરવ્યૂ અમે વોટ્સએપ ઉપર આપેલું! તુર્કીના ઈ-વિઝા 5 મિનિટમાં મળી જાય છે ઓનલાઈન! ઇઝરાયેલ અને ઇજિપ્તના વિઝા અમે એમ્બસીમાં ડોક્યુમેન્ટ મોકલીને મેળવેલા. મોટા ભાગે એક વિઝા માટે પાસપોર્ટ જાય એટલે બીજા દેશના વિઝાની એપ્પ્લીકેશન તૈયાર રાખવાની, જેવો પાસપોર્ટ પાછો આવે એટલે એન્વેલોપમાં મૂકીને બીજા દેશ માટે મોકલી દેવાનો! દરેક દેશ ત્યાંની ફ્લાઇટનું બુકીંગ, હોટલનું બુકીંગ પણ માંગે એટલે અમે બુકીંગ કરાવીને, પ્રિન્ટ કરીને પછી કેન્સલ કરતા હતા કારણ કે અમારી તારીખો નક્કી ન હતી.

ઘર ખાલી કરવું : અમેરિકામાં 6 વર્ષ રહ્યા એમાં 1 BHK, 2 BHK, સ્ટુડિયો (HK), 3 BHK હોઉસ એમ 7 ઘર બદલ્યા અમે! પણ એનો ફાયદો એ થયો કે અમે જરૂર વગરના સમાનનો નિકાલ કરી દેતા એટલે ખાસ એટલો સમાન હતો નહિ પણ નાની નાની વસ્તુઓ વિચારવા જઈએ તો શું ના હોય એક ઘરમાં? ધીમે ધીમે બધું વેચવાનું, દાનમાં આપવાનું શરુ કર્યું. વેચવા માટે અમે ફેસબુક માર્કેટપ્લેસ, ઈબે ખુબ કામ લાગ્યા. ઘરની મોટા ભાગની વસ્તુઓ એના પર જ વેચાઈ ગઈ. ગાડી અમે લોકલ ઓનલાઇન માર્કેટ(craiglist) પર વેચી. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ, વાસણો મિત્રોને આપ્યા અથવા દાન કર્યા. થોડો સમાન મમ્મી સાથે મોકલ્યો, થોડો મિત્ર પાસે અને છેલ્લે 4 બોક્સ અમે ભારત મોકલ્યા. આ બધું 2 મહિનામાં કર્યું ! એ સાથે અનુજની નોકરીનું બેંગલોરમાં ટ્રાન્સફર, રોજની મિટિંગો, ટિમ નક્કી કરવી, બધાને મળવું, એ બધું તો ખરુજ 🙂

ટ્રીપ પ્લાનિંગ : અમે ડોક્યુમેન્ટ શેર કરી રાખ્યા હતા જેમાં જે કઈ વાંચે એમાં લખતા જાય. અમારે પેરુમાં માચુ પિચુની હાઈક કરવી હતી એટલે એનું બુકીંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે એપ્રિલ ની શરૂઆત સિવાય એકપણ દિવસ બુકીંગ મળે એમ નથી એટલે અમે એનું પહેલા બુકીંગ કરાવ્યું અને પછી અમારો પ્લાન બન્યો કે પહેલા ચિલે જવું પછી આર્જેન્ટિના અને પછી પેરુ. એટલે પછી ચીલેની ટિકિટ કરાવી 1 માર્ચની અને ત્યાંની હોસ્ટેલનું બુકીંગ. એમ કરીને પહેલા 25 દિવસનો તૂટક પ્લાન જેવું બન્યું અને બાકીનું તો જેમ ફરીએ છીએ એમ કરતા જઈશું.

ટ્રીપનો સામાન : નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારે એક બેગ પેકમાં જ 3-4 મહિના ફરવું હતું એટલે સૌથી પહેલા સારામાં સારી બેગપેક લીધી, જેમાં એન્ટી ગ્રેવિટી સિસ્ટમ હોય કે બધો ભાર કમર ઉપર આવે અને ખભા ઉપર નહિ. REI, Decathlon એ સરસ દુકાન છે આ બધી વસ્તુ ખરીદવા માટે. પછી કપડાં કેવા લેવા એ નક્કી થયું. અમે પેટાગોનિઆ જવાના હતા જ્યાં ઠંડી અને વરસાદ હોય અને એમાં પણ હાઇકીંગ કરવાના હતા અને પછી ગરમીમાં મૉટે ભાગે શહેરો ફરવાના હતા એટલે એ પ્રમાણે એન્ટી-સ્વેટ, ગરમ રાખે એવી ટીશર્ટ, એક જેકેટ, એક રેનકોટ, ટ્રેકિંગ પેન્ટ, ટોપી, હાથમોજા લીધા અને આ બધું વજનમાં એકદમ હલકું હોવું જોઈએ અને જલ્દી સુકાઈ જાય એવું અને પરસેવો ચૂસી લે એવું હોવું જોઈએ!
packing3
આ મારા કપડાં: 3 આખી બાયની ટ્રેકિંગ ટીશર્ટ, 2 કોટન ટીશર્ટ, 2 કોટન ટોપ, 1 હાઇકીંગ પેન્ટ, 1 જીન્સ, 4 લેગિન્સ, ટ્રાવેલ ટુવાલ, નાઈટ ડ્રેસ (આખી બાય નો લેવો સારો), 1 હાઇકીંગ વોટરપ્રુફ શૂઝ, 1 સ્પોર્ટ્સ શૂઝ, 1 સેન્ડલ, 1 ઠંડીનું જેકેટ, 1 રેનકોટ, ઠંડીની ટોપી, ગરમીની ટોપી, હાથમોજા, પગના મોજા (5 જોડી), અંદરના કપડાં (6 જોડી), 4 કોટન દુપટ્ટા (ટુવાલ તરીકે, પાથરવા માટે, સ્કાર્ફની જેમ વાપરવા).
packing2
બીજો અગત્યનો સામાન : વોલ્ટેજ કન્વર્ટર, મોબાઈલ ચાર્જર, લેપટોપ, ચાર્જર, કેમેરો, ચાર્જર, કેમેરા બેટરી, બેટરી પેક, USB કેબલ, ઈયર પ્લગ, વાઈપ્સ, સેનિટાઇઝર, વૉટર ફિલ્ટર (જે કામ લાગ્યું નથી કારણકે અમે બધી જગ્યાના, ઝરણાંના પાણી પિયે છીએ), ક્રીમ, સનસ્ક્રીન લોશન, મોસ્કીટો રેપેલન્ટ, ટુથબ્રશ, ટ્યુબ, પાણીની રીયુઝેબલ બોટલ, સ્ટીલની ગરમ અને ઠંડુ રાખી શકે એવી ખાસ, મસાલા ( ખુબ કામની વસ્તુ- હોસ્ટેલમાં જમવાનું જાતે બનાવવામાં આ ખુબ કામ લાગશે ), દવાની કીટ, સનગ્લાસ, પૈસા કેશમાં, લિપબામ, હેડ લાઈટ(હાઇકીંગમાં કે રાત્રે ચાલવામાં ખાસ કામ લાગે એ ઉપરાંત તમે હોસ્ટેલમાં રૂમમાં 4 જણ રહેતા હોય અને બીજાને ખલેલ ન પહોંચે એટલે આ લાઈટ લગાવીને કામ કરી શકાય), કપડાંના પાઉચ (જેમાં અલગ અલગ કપડાં મૂકી શકાય અને ગંદા કપડાં પણ), થોડીક ઝીપલોક બેગ્સ, અને વરસાદમાં ના પલળે એવી બેગ્સ, 4 તાળા (2 બેગને મારવા અને 2 હોસ્ટેલમાં કબાટ ઉપર મારવા માટે ) , બોડીવૉશ, શેમ્પુ, લોનડ્રિ લિક્વિડ (હોસ્ટેલમાં આ 3 વસ્તુ નહિ હોય એટલે ખાસ લેવી ), ડિઓડરન્ટ

રસી અને દવા : દક્ષિણ અમેરિકાના અમુક વિસ્તારમાં ફરવા જવું હોય (જેમ કે એમેઝોનના જંગલો) તો અમુક રસી જરૂરી છે નહિ તો એના વગર તમને જવા ના દે. એટલે અમે ટ્રાવેલ ડોકટોરને મળ્યા અને ત્યાંથી ટાઇફોઇડ, હેલેટાઇટિસ, રૅબીઝ, યલો ફીવર ની રસી લીધી અને મેલેરિયા, જાડા, તાવ ની દવાઓ પણ. રસી મુકાવો એની સાથે એક પીળું કાગળ આપે જેમાં રસી મૂકી છે એની માહિતી લખી હોય એ સાથે રાખવું ખુબ જરૂરી છે. આ ઉપરાંત બેન્ડએડ, વિક્સ, શરદીની દવા, એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક ક્રીમ, કાન સાફ કરવાના ક્યૂટિસ, થર્મોમીટર, ત્રિફળા ચૂર્ણ, લવિંગ, કુશલ કંઠીલ, આયોકેક્સ પણ સાથે લીધા.medicine
અમુક ખાવાની વસ્તુઓ:  આમ તો ખાવાનું 15 દિવસથી વધારે રહેશે નહિ પણ શરૂઆતમાં જયારે નવી જગ્યાએ ગોઠવાતા હોઈએ ત્યારે કામ લાગે છે. સૂકા મેવા, એનર્જીબાર, ખજૂર  લાડુ, સુખડી, ચીક્કી
packing1
બેગ : મારી બેગ ઓસ્પ્રે કંપનીની ફેરવ્યુ ટ્રેક 50 છે (50 લીટર – https://www.youtube.com/watch?v=4AT95yYId_I) જેમાં રેન કવર અને એર કવર પણ હોય જેથી ફ્લાઇટમાં બેગને કવરમાં મુકવાની નહિ તો એના પટ્ટા તૂટી જાય. બીજી નાની ડેપેક કે એક દિવસ ફરવા લઇ જવા માટે કામ લાગે અને ત્રીજું નાનું મનીપેક જેમાં પાસપોર્ટ, પૈસા, કાર્ડ મૂકીને એને પેટ ઉપર પહેરી શકાય.
packing4
અને અમે તૈયાર ! (મોટી બેગપેકની પાછળ નાની બેગપેક પણ લગાવી શકાય)