મારુ સ્વપ્ન -વર્ગીસ કુરિયન

કીમત: 175 રૂ.
પાન : 234

book1

શું આપણે આપણાં દિવસની કલ્પના દૂધ વગર કરી શકીએ? એવી એક સિસ્ટમ કે જેનાથી ખેડૂત ડેરીમાં દૂધ જમા કરાવે અને એ નુટ્રિશન દૂધ ડેરીમા પ્રોસેસ થઈને ફ્રેશ પેકેટમાં રોજ આપણા દરવાજે અમુલની કોથળીમાં આવે. એ સિસ્ટમ જ ન હોત એની કલ્પના થઇ શકે ?
આ આખી સિસ્ટમ કોઈ એક વ્યક્તિ નહિ પણ ભારતના જ લાખો ખેડૂતો દ્વારા ચલાવવામાં આવે અને એ પણ ખુબ ઊંચી ગુણવત્તા અને નૈતિક મૂલ્યો સાથે એવું જાણવા મળે તો ? કેવું અદભુત !

‘I Too Had A Dream – મારું સ્વપ્ન’. બસ આ પુસ્તકમાં આણંદના એક નાનકડા ગામડાંમાંથી આવેલું ભેંસનું દૂધ અને દૂધની બનાવટો એ આપણા ઘરે કેવી રીતે પહોંચી એની આખી ગાથા છે 🙂 વિશ્વભરમાં ‘મિલ્કમેન’ તરીકે જાણીતા ડૉ. કુરિયનની જીવનની ગાથા પણ ખરીજ. તેમણે ગામડાંના લોકોને સુખી-સમૃદ્ધ બનાવવા જીવનભર મથામણ કરી. આ પુસ્તક મૂળ અંગ્રેજી (I too had a dream) પરથી ગુજરાતીમાં સુધા મહેતા એ અનુવાદ કર્યો છે. પુસ્તક 2006માં પ્રકાશિત થયું છે એટલે જેટલા આંકડા અને વિગતો આપવામાં આવી છે એ 2005 સુધીની છે.

આત્મકથા એ મારો પ્રિય વિષય. મને ખુબ ગમે કે સાવ સામાન્ય માણસ પોતાની મહેનત અને ધગશથી કેટલું કરી શકે છે, એ વાત એમના જ શબ્દોમાં વાંચવાની. નડિયાદમાં જન્મી અને આનંદમાં ભણી એટલે અમુલ વિષે તો ખબર ન હોય એમ બને જ નહિ! પણ આ અમુલ એ સાવ સામાન્ય દૂધ પૂરું પડતી કંપની નથી પણ સૌથી મોટી સહકારી મંડળી છે જે ખેડૂતો દ્વારા ચાલે છે એ જાણ્યું ત્યારે અચંબિત થઇ જવાયું.

કેવી રીતે કેરળનો એક ઈજનેર આકસ્મિત રીતે આણંદમાં નોકરી માટે આવે અને ત્રિભુવનદાસ પટેલ નામનાં સ્વાતંત્ર્યસેનાનીને મળે અને પછી ડેરી ખેડૂતોની સહકારી મંડળીમાં જોડાય. એક એવો શહેરનો વ્યક્તિ કે જેને ગામડા સાથે કાંઈજ લેવા દેવા નહિ એ ચરોતરના ગામડાંના ખેડૂતો સાથે લગભગ 10000 થી વધારે મંડળીઓ રચે જેમાં રોજનું લગભગ 2500 લાખ લીટર દૂધ એકઠી કરતી ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી “અમુલ”ની સ્થાપના કરે ! વાત માત્ર અમુલ સુધીને આવીને અટકી નથી જતી પણ ભારતમાં ઓપરેશન ફ્લડ શરુ કરે અને માત્ર આણંદ નહિ પણ સમગ્ર ભારતમાં અમુલ જેવી ડેરીઓ શરુ કરે ! આ ઉપરાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA), ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, ઇન્ડિયન ડેરી કોર્પોરેશન (IDC) ની પણ શરૂઆત થાય!

મેં અગાઉ પણ આ પુસ્તક વાંચ્યું હતું પણ આજે ફરી વાંચ્યું અને ફરીથી એટલી જ મજા આવી! દરેક ભારતવાસી એ વાંચવા જેવું આ પુસ્તક છે.
આ પુસ્તકમાં વર્ગીસ કુરિયનના રાજકારણીઓ, અમલદારીઓ, નેતાઓ સાથેના ઘણા સારા અને ખરાબ સંઘર્ષો પણ ખુબ પ્રામાણિકતાથી એમણે નોંધ્યા છે. દરેક નવા પડાવ સાથે એમણે કેટલા ખંતથી કામ કર્યું છે એ વાંચીએ ત્યારે સમજી શકાય!
ભેંશના દૂધમાંથી જ દૂધ પાવડર, માખણ, બેબી ફૂડ અને બીજી ડેરી પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવી એની રસપ્રદ વાર્તાઓ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં ડૉ. કુરિયનની પ્રવૃતિમય અને રંગબેરંગી જિંદગીના પડકારો, સિદ્ધિઓ અને નિરાશાજનક અનુભવો છે.
પુસ્તકના આમુખમાં રતન તાતા લખે છે કે “જો આપણી પાસે આ પ્રકારના દીર્ઘદ્રષ્ટા અને એની જ સંનિષ્ટા તથા રાષ્ટ્રીય ભાવના ધરાવતા એક હાજર ડો.કુરિયન હોત તો આજે ભારત ક્યાં જઈને ઉભું હોત!” આ વિધાનનો પ્રત્યેક શબ્દ સાચો છે એની પ્રતીતિ વાચકને દરેક પાને થતી રહેશે.

પુસ્તકના ઘણા પ્રસંગો મને ખુબ ગમ્યા છે જેમાના અમુક અહીં મુકું છું.

સરદાર પટેલના દીકરી – મણિબહેન વિષે
“અત્યંત પ્રમાણિકતા અને વફાદારીના ગુણો મણિબહેન ધરાવતાં. પોતાની સમગ્ર જિંદગી તેમણે પિતાને સમર્પિત કરી દીધી. તેમણે મને કહ્યું કે જ્યારે સરદાર પટેલનું નિધન થયું , ત્યારે તેઓ તેમની એક ચોપડી અને થેલો લઈને દિલ્હીમાં જવાહરલાલ નેહરુને મળવા ગયાં અને તે ચીજો સોંપી. ત્યારે તેમણે ત્યારે નેહરુને કહ્યું કે તેઓના પિતાએ આમ કરવાની સૂચના આપી હતી અને સાથે સિંધી તાકીદ કરી હતી કે તે બીજા કોઈને ન આપવી. આ થેલીમાં કોંગ્રેસ પક્ષની માત્ર માલિકીના રૂ. ૩૫ લાખ હતા અને તે ચોપડી એ પક્ષના હિસાબનો ચોપડો તેઓ હતો. નેહરુએ આ ચીજો સ્વીકારી અને મણિબહેનનો આભાર માન્યો.” 

વર્ગીસ કુરિયન ટાંકે છે ,
“એ દિવસોમાં મારી આદત હતી કે આખી ડેરીની આસપાસ હું ચાલતો જાઉં અને બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહિ તે નોંધું. આવા જ એક જાહેર ન થતા ચક્કર વખતે મેં એક જૂના કર્મચારીને જોયો. તેને મોટી મૂછો હતી અને જ દાઢી પણ હતી. તેણે દૂધનું એક કેન ખોલ્યું હતું અને તેના પરથી મલાઈ ચાટી રહ્યો હતો. અચાનક તેણે ઊંચે જોયું તો હું દેખાયો. અમે બંને એકમેકને તાકી રહ્યા. મલાઈ તેના મોંમાંથી દાઢી પર સરકી રહી હતી. તે થોથવાઈને બોલ્યો: ‘ના, ના, સાહેબ, હું પીતો નથી, હું પીતો નથી.’ હું આડો થયો અને પાછો ફરી ગયો. પણ બીજે જ દિવસે મેં મૅનેજરને બોલાવીને સૂચના આપી કે દરેક કર્મચારીને અડધો લીટર દૂધ પીવા આપવું. આખો દિવસ આ લોકો દુધના વિશાળ જથ્થાની સાથે કામ કરતા હોય છે અને ભૂખ્યો પણ થાય છે. એમને એ દૂધમાં ભાગ ન મળે તે ન્યાય નથી”

લીડરશીપ 🙂
“મેં હંમેશા એ માન્યતા રાખી છે કે એક વાર તમે કોઈ વિશિષ્ટ મુદ્દે કામ કરનાર સૌથી વધુ ઉત્તમ માણસને ઓળખો અને તેને એક વાર તમારી અપેક્ષાની સ્પષ્ટતા કરી દો, પછી તેના પર તમારે સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની હોય અને કોઈ પણ જાતની દખલગીરી વિના તેને તેનું કામ કરવા દેવાનું હોય. એ તમે આમ કરો તો તે પ્રોજેક્ટ ચોક્કસ સફળ થાય. આ વાત મારી કારકિર્દીની શરૂઆતમાં જ ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરતાં હું શીખી ગયો હતો. જેમણે મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને મને જે યોગ્ય લાગ્યું તે મુજબ કામ કરવાની સ્વતંત્રતા આપી. મારા કામના વિવિધ વર્તુળોમાં પણ મેં આ જ તર્કથી ઘણું કામ સોંપ્યું હતું ”

ડૉ. કુરિયનની ઑફિસમાં પ્રદર્શિત “અમૂલ’ વિધાનોછતાં પણ કરે જ જાઓ

“તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક જ રાતમાં થાય,
છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,
છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,
છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,
છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે!
છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,
છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.
છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો..

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,
છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,
છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,
છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,
છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s