Lake Louise

રવિવારે સવારે (31 ડીસેમ્બર,૨૦૧૭) અમે હોટલ પરથી નીકળ્યા. સવા કલાકમાં બેન્ફ પહોચી ગયા.

IMG_5775.jpg
સવારે બેન્ફ જતા રસ્તો – અમારી પાછળ સૂર્યોદય થયેલો એટલે સામે પહાડો પર કેસરી રંગ પથરાયો હતો 🙂
IMG_20171231_092720.jpg
રસ્તામાં એટલો પવન હતો કે રોડ ઉપર ધૂળની માફક સ્નો ઉડતો હતો !

વિડીયો માટે અહી ક્લિક કરો –> Way to banff 

અમે સૌથી પહેલા સ્નોટીપ્સ (snowtips) કરીને જગ્યા છે જ્યાંથી અમે ક્લીત્સ (cleats) અને અનુજના સ્નોબુટ લીધા. આ cleatsના કારણે બરફમાં લપસ્યા વગર ચાલી શકાય. અહી બુટ અને ક્લીટસ નું ભાડું $૫ હતું. આમ જોવા જઈએ તો ઘણું સસ્તું કહેવાય. શનિવારે અમારા હાથ બહુજ ઠર્યા હતા એટલે અમે હાથ ગરમ રહે એવું કૈક લેવાનું નક્કી કર્યું. દુકાનમાં પૂછ્યું તો ખબર પડી કે હાથને ગરમ રાખે એવી નાની થેલી મળે જેમાં કેમિકલ હોય જે ૮ કલાક સુધી એ થેલી ને ગરમ રાખે જે હાથમોજામાં નાખી રાખવાની જેથી હાથ ગરમ રહ્યા કરે. અમે એ ખરીદી અને ૨ દિવસ વાપરી. જેનાથી ખુબ જ સારું રહ્યું હતું.
અમે બેન્ફ ટાઉનથી ૧૦ મિનીટ દુર Johnston Canyon (જોનસ્ટન કેન્યન) ગયા જ્યાંથી ૧.૫ કિમીની હાઈક કરીને અપર અને લોવર વોટરફોલ (Upper and Lower Waterfall)ની હાઈક કરી.

પગમાં બાંધેલા સ્નો ક્લીટસ

MVIMG_20171231_133647.jpg
જોનસ્ટન કેન્યનનું પ્રવેશ સ્થાન

હાઈક દરમિયાન પાડેલ ફોટા – અનુજની પાછળ થીજેલી નદી અને બીજા દ્રશ્યમાં હું – શ્વાસના ભેજને કારણે ૧ જ મિનીટમાં સ્કાર્ફ, ટોપી અને પાંપણ પર બરફ જામી જાય.!

ડાબી બાજુ લોવર ફોલ અને જમણી બાજુ અપર – જીવનમાં પહેલી વાર જામેલા વોટરફોલ જોયા !
લોવરફોલની હાઈક પતી પછી મારા પગ એટલા જામી ગયા હતા અને મને એટલું દુખતું હતું કે હું આગળ કલાક ચાલીને અપર ફોલ સુધી જવાનું હતું ત્યાં જઈ ન શકી. અનુજ એકલો જ ત્યાં ગયો હતો. હું પાછી ફરી અને અહી બાથરૂમમાં હાથ સુક્વવાનું મશીન હોય ત્યાં પગ અને હાથ બરાબર ગરમ કરતી રહી!

MVIMG_20171231_103833.jpg
રસ્તામાં વ્યુપોઈન્ટ પાસે

હાઈક પતાવીને અમે પીઝા ખાધા અને ત્યાંથી અમે ૨ સરોવર જોવા માટે ગયા.
પહેલા જોનસન (Johnson lake) સરોવર જોયું જે ૩.૫ કિમી પરિઘ ધરાવતું નાનકડું સરોવર છે. અને ત્યાંથી મીનેવાંકા(Minnewanka lake) સરોવર ગયા જે ૨૧ કિમી લાંબુ અને ૧૪૨ મી ઊંડું સરોવર છે. બંને સરોવર એકદમ થીજી ગયેલા અને બંને સરોવર ઉપર ચાલી શકાય! અમે ત્યાં ચાલ્યા – પહેલી વાર જીવનમાં સરોવર ઉપર ચાલ્યા! હાહા
અને ત્યાં ઘણા બધા લોકો હોકી રમતા હતા અને સ્કેટિંગ કરતા હતા!

MVIMG_20171231_163607.jpg
Johnsan lake
IMG_5816.jpg
Minnewanka lake ઉપર

અમે આ સરોવર ઉપર એકબાજુ સુર્યાસ્ત થતો જોયો અને બીજી તરફ ચૌદસનો ચાંદો ઉગતા 🙂
MVIMG_20171231_163921.jpg

IMG_5794.jpg
રસ્તામાં જોવા મળેલા એલ્ક (elk)
IMG_20171231_162532.jpg
થીજી ગયેલા અમે 😀

ત્યાંથી પછી અમે canadian rocky hot springs(હોટ સ્પ્રિંગ) માં ગયા. આમાં પણ મજાની વાત એ છે કે જમીનમાંથી 36°C તાપમાન ધરાવતું ગરમ પાણી કુદરતી રીતે નીકળ્યા જ કરે છે પણ એમાં બેક્ટેરિયા અને અન્ય કેમિકલ નીકળે એટલે અહીના લોકો એ પાણીને ચોખ્ખું કરે એમાં ક્લોરીન ઉમેરે અને પછી એ પાણીને કુત્રિમ સ્વીમીંગ પુલમાં ભરે જેમાં તમે નાહી શકો! અમને આ વાત સાંભળીને જ મજા આવી ગઈ! અમે ત્યાં ગયા. લાંબી લાઈન હતી અને ભાવ $૭. ત્યાં જ ટુવાલ અને નાહવાના કપડા પણ ભાડે મળી જાય $૨ માં જ! ત્યાં લોકરમાં સામાન મૂકી અને -36°C ના તાપમાનમાં કુદરતી 36°C તાપમાન વાળા પાણીમાં નહાયા. ગળા સુધીનું શરીર પાણીમાં હોય અને મોઢું બહાર એટલે વાળ ઠરીને બરફ થઇ જાય! ચારેબાજુ સ્નો અને પહાડો અને વચ્ચે આ ગરમ પાણીનું પુલ!

Image result for canadian rockies hot springs
આ ફોટો ઈન્ટરનેટથી લીધો છે કે ખ્યાલ આવે કેવું હોય!

પાછા નાહીને  -36°C માં હોટલ તરફ પાછા ફર્યા.
સોમવારે (૧/૧/૨૦૧૮) અમે સવારે Lake Louise(લુઇઝ સરોવર) જવા નીકળ્યા. Lake Louise કેલગરીથી 180 કિમી દુર આવેલો છે એટલે ૨ કલાક થાય અને બેન્ફ નેશનલ પાર્ક થઈને ત્યાં જવું પડે.

canadad3 (10).jpg
Lake Louise ની શરૂઆત

અમે ૧૧ વાગ્યાની આસપાસ ત્યાં પહોચ્યા અને વિઝીટર સેન્ટર પરથી બધી માહિતી લઈને ત્યાં બાજુની દુકાનથી સ્નોબુટ અને સ્નોશુઈંગનો સામાન લઈને નીકળી પડ્યા. સ્નોશુઈંગ(snow shoeing) એટલે મોટી પ્લેટ હોય જેને પગમાં પહેરીને ચાલીએ તો ગમે તેટલો સ્નો પડ્યો હોય તો પણ સરળતાથી પગ ઉપડી શકે અને ચાલી શકાય. બુટની ઉપર એને બાંધવાના હોય.
Lake Louise વિષે: રાણી વિક્ટોરિયાની ચોથી પુત્રી પ્રિન્સેસ લુઇસ કેરોલિન આલ્બર્ટા કે જે જ્હોન કેમ્પબેલની પત્ની હતી, જે 1878 થી 1883 સુધી કેનેડાની ગવર્નર જનરલ હતી- તેના નામ પરથી આ સરોવરનું નામ Lake Louise રાખવામાં આવ્યું છે. આ સરોવર ૨ કિમી લાંબુ, 0.૫ કિમી પહોળું અને ૭૦ મીટર ઊંડું છે. જે ઉનાળામાં ભૂરા રંગના પાણીથી અને શિયાળામાં બરફથી છવાયેલું હોય છે. આ સરોવરની સામે બીજી ફેરમોન્ટ હોટલ આવેલી છે. અમે આ સરોવર માં લગભગ ૩ કલાક એક છેડેથી બીજા છેડા સુધી ચાલ્યા.

canadad3 (14).jpg
ત્યાં ધોડાગાડીમાં બેસીને તમે સરોવરના કિનારે કિનારે ફરી શકાય એવી વ્યવસ્થા છે. રુંવાટી વાળા ઘોડા!
canadad3 (5).jpg
આ સરોવરની આગળ શરૂઆતમાં બરફથી બનાવેલું મોડેલ

અહી 18 થી 28 જાન્યુઆરી- સ્નો ફેસ્ટીવલ થાય છે જેમાં દુર દુર થી કલાકારો આવી અને બરફના અલગ અલગ પુતળા બનાવે છે.

canadad3 (1).jpg
આ રહ્યો lake 🙂 બધા સ્કેટિંગ, સ્નોશુઈંગ, ક્રોસ કન્ટ્રી સકીઈંગ કરી રહ્યા છે.

થીજેલા અમે અને સ્નોશુઈંગના શુઝ
વિડીયો માટે અહી ક્લિક કરો —> Snowshoeing Lake Louise

lake માં અડધે

બીજા છેડે પહોચીને

canadad3 (18).jpg
છેલ્લે પાછા નીકળતા

ત્યાં અમને કોઈને ફોટો પાડી આપશો? એ કહેવું બહુ અઘરું લાગતું કેમ કે એ વ્યક્તિએ હાથ મોજામાંથી હાથ કાઢીને ફોટો પાડવો પડે અને એ પછીની વેદના અમને ખબર હતી 😀 એટલે અમારા બંનેના સાથે હોય એવા એક -બે જ ફોટા હશે 🙂
ત્યાંથી અમે ગરમ ચોકલેટ પીધી અને બેન્ફ પહોચ્યા અને ત્યાં બધી દુકાનોમાં ફર્યા. ભારતીય હોટલમાં જમ્યા. અને પાછા હોટલ પર આવવા નીકળ્યા.

canadad3 (19).jpg
આ એકદમ અલગ અને નવો અનુભવ હતો 🙂 ઉનાળામાં આ પાર્કની સુંદરતા કૈક અલગ જ હોય છે પણ શિયાળા જેવી વિશેષ તો નહિ જ હોય!

 

 

 

 

 

 

Advertisements

Banff National Park

અનુજ આવ્યો ગુરુવારે(2017-12-28) રાત્રે અને અમે ૨૯મીએ કલગરીમાં ફર્યા. સવારે તૈયાર થઇ નાસ્તો કરીને આખા દિવસનો બસ પાસ લઈને નીકળી પડ્યા ફરવા. બો રીવર પરનો બીજો એક બ્રીજ જોવા માટે ગયા જેનું નામ છે પીસ બ્રીજ(peace bridge). ખુબ જ ઠંડી હતી અને એક મિનીટમાં હાથ ઠરી જાય એવી! (-26°C).

પીસ બ્રીજ અને થીજેલી નદી
ત્યાંથી ડાઉનટાઉન ફર્યા અને પછી ચીનુક મોલ ફરવા ગયા. દુકાનો જોઈ, ફર્યા અને મારા બરફમાં ઠંડા ના થાય એવા બુટ લીધા અને ટોપી.

ચીનુક મોલમાં ક્રિસમસનો શણગાર
Canadad3   (1).jpg
હા, કેનેડામાં દરેક ૫ કિમીના અંતરમાં ટીમ હોરટનની દુકાન જોવા મળેજ. અહી કોફી, હોટ ચોકોલેટ, ડોનટ, મફીન, કુકી અને બેગલ મળે. ૧૦-૧૨ પ્રકારના ડોનટ હોય, કુકી હોય અને ભાવમાં પણ બહુ મોંઘુ નહિ. $૧.૫ની કોફી કે ચોકલેટ અને $૧.૫ ની અંદર ડોનટ. અમે પણ ટીમ હોરટનમાં જઈએ અને અલગ અલગ ડોનટ ચાખીએ. ડોનટમાં ઈંડા ન હોય એટલે ખાઈ શકાય.
રાત્રે રૂમ ઉપર પાછા ફર્યા અને બીજા દિવસે ફરવા જવાનો પ્લાન બનાવ્યો.

કલગરીથી એક કલાક દૂર બેન્ફ નેશનલ પાર્ક આવેલો છે જે કેનેડાનો પહેલો નેશનલ પાર્ક ગણાય છે. અને ખુબ જ પ્રખ્યાત પણ છે એટલે અમે બરફમાં ચાલી શકે એવી 4X4 મોટી ગાડી ભાડે કરી અને રોજ સવારે તૈયાર થઈને પાર્ક જઈએ અને રાત્રે પાછા ફરીએ – એમ ૩ દિવસ ફર્યા.

બેન્ફ નેશનલ પાર્ક વિષે: ૧૮૮૫ની સાલમાં સ્થપાયેલો સૌથી જુનો અને 6,641 ચો. કિમીમાં ફેલાયેલો છે. કેનેડાની રેલ્વેના ડાયરેક્ટરના નામ બેન્ફશાયર (banffshire) પરથી આ પાર્કનું નામ પાડવામાં આવ્યું છે. આ પાર્કમાં ૨૫૬૪ ચો.કિમીની પર્વતની હારમાળા આવેલી છે જેને રોકી માઉન્ટેનસ (rocky mountains) કહે છે. આ પાર્કમાં ઘણા નાના-મોટા સરોવરો, હિમનદીઓ, ગીચ શંકુ જંગલો આવેલા છે. પાર્કમાં રીંછ, વરુ, શિયાળ, એલ્ક, જંગલી ઘેટા, મુઝ પ્રાણીઓ વસે છે જે શિયાળામાં ખુબ ઓછા જોવા મળે છે. મોટે ભાગે રીંછ હાયબરનેટ (નિષ્ક્રિય) થઇ જાય છે. શિયાળામાં લોકો  cross-country skiing, ski jumping, curling, snowshoe, and skijoring કરવા માટે ખાસ આ પાર્કમાં આવે છે.

પાર્કમાં દાખલ થવા માટે વ્યક્તિ દીઠ $૯ ભાવ છે. પણ ૨૦૧૭માં કેનેડાને આઝાદી મળ્યાના ૧૫૦ વર્ષ પુરા થયા હતા એટલે આખા કેનેડાના કોઈ પણ પાર્કમાં મફત પ્રવેશ આપવામાં આવતો હતો. એટલે અમે ૩૦-૩૧ ડીસેમ્બર મફતમાં ફર્યા અને ૧ જાન્યુઆરીએ ટીકીટ લીધી હતી. ત્યાં ટીકીટ લઈએ ત્યારે જ પાર્કનો નકશો આપ્યો હતો. અમે સૌથી પહેલા વિઝીટર સેન્ટર પર ગયા અને ત્યાં જઈને ૩ દિવસમાં અને આ વાતાવરણમાં ક્યાં ફરી શકાય એ વિષે માહિતી મેળવી. અમે ૩ દિવસ ફર્યા ત્યારે તાપમાન -42°C હતું. જીવનમાં પહેલી  વાર આટલી બધી ઠંડી અનુભવી હતી. અમે ૩ ટીશર્ટ, ૨ સ્વેટર અને જેકેટ, થર્મલ, પેન્ટ, ૩ મોજા, સ્નોના બુટ, ૨ હાથ મોજા,ટોપી અને સ્કાર્ફ પહેરતા હતા તો પણ ૧૦ સેકંડ માટે પણ હાથ ખિસ્સામાંથી બહાર કાઢીએ અને મોજા પહેરેલા હોય તો પણ ઠરી જાય અને સખ્ખત દુખે. અમે કોઈ જગ્યાએ પહોચીએ, મોબાઈલ બહાર કાઢીએ, તરત જ ફોટા પાડીએ અને પછી ૧૦ જ સેકંડમાં મોબાઈલ બંધ કરીને મૂકી દઈએ, એ પણ ના જોઈએ કે ફોટો આવ્યો કે નહિ! હાહાહા. નાક ઉપર સ્કાર્ફ બાંધેલો હોય એટલે શ્વાસમાં જે ભેજ હોય એને કારણે પાંપણ પર અને સ્કાર્ફ અને ટોપી ઉપર બફર જામી જાય! કલ્પનામાં ન આવે એટલી ઠંડી!

કેનેડાને ૧૫૦ વર્ષ પુરા થયા હતા એનો ૧ વર્ષનો મફત પાસ અને પાર્કનું પ્રવેશસ્થાન

પાર્ક તરફ જવાનો રસ્તો – હાયવે (ટ્રાન્સ-કેનેડા હાયવે – ૧ ) અને બેન્ફમાં પહોચીને વિઝીટર સેન્ટર
મોટે ભાગે અમે જ્યાં ફર્યા છે બધા નેશનલ પાર્કમાં વિઝીટર સેન્ટર અને એક બે ખાવાની જગ્યાઓ સિવાય કઈ ના મળે પણ અહી બેન્ફમાં તો એક નાનકડું ગામ જેવું છે જ્યાં બધીજ દુકાનો, હોટલો આવેલી છે અને જે સવારના ૮ થી રાતના ૧૧ સુધી ખુલ્લું રહે. અહી સવારે ૯ વાગે સૂર્યોદય થાય અને ૫ વાગે સુર્યાસ્ત.
અમે સૌથી પહેલા કેવ અને બેઝીન(cave and basin-National historic Site) જોવા ગયા.
આટલી ઠંડી અને બરફની વચ્ચે એક નાનકડી ગુફા આવેલી છે જેમાં ગરમ પાણીના કુંડ છે. ૧૮૮૩માં ૩ રેલવેના કર્મચારીઓ આ તરફ આવ્યા અને ગુફા શોધીને આ પાણીના કુંડ વિષે બધાને માહિતગાર કર્યા. કહેવાય છે કે આદિવાસી લોકો અહી રહેતા હતા. આ કુંડમાં પાણીનું તાપમાન 37°C રહે છે અને ઘણા બેક્ટેરિયા વસે છે અને તોય એમાં ગોકળગાય(Snail) રહે છે.

બહારથી

ગુફાની અંદર ગરમ પાણી ના કુંડ

canada d૩ (18)
ગુફાની બહાર પાણીનો કુંડ

ત્યાં નાનકડો પ્રદશન રૂમ બનાવેલો જોયો જેમાં સ્નોમાં રમાતી રમતો વિષે, કેનેડાને ૧૫૦ વર્ષ થયા એનું નાનકડું મુવી જોયું જેમાં કેનેડાની ખાસિયતો દર્શાવી હતી. એક નવી રમત વિષે મને ખબર પડી અને ત્યાં બહાર અમે રમ્યા પણ! જેનું નામ છે કર્લીંગ (curling). જેમાં બરફમાં એક ગોળ બેઠા ઘાટનો દડો લપસાવવાનો અને નક્કી કરેલી જગ્યાએ પહોચાડવાનો.વજનમાં ખુબ જ ભારે.

૧૮૮૫ની સાલ રમાતી ત્યારનો ફોટો અને અનુજ રમી રહ્યો છે એનો

ત્યાં બેન્ફમાં અમને ભારતીય હોટલ મળી. જ્યાં અમે બપોરે જમ્યા. (Indian curry house). પછી ત્યાંથી અમે ફેરમોન્ટ હોટલ (Fairmont) ગયા. એકદમ વૈભવી હોટેલ કે જે 19 મી સદી દરમિયાન બનાવવામાં આવી હતી અને ૧૮૮૮માં સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાઇ. આ હોટલને સ્કોટ્ટીશ વસાહતી શૈલીમાં બનાવવામાં આવી છે. એકદમ પરીકથામાં જોઈ હોય એવી જ! એ હોટલના ૩ માળ સામાન્ય લોકો માટે ખુલ્લા રાખવામાં આવેલા હતા. એ ૩ માળ ઉપર અલગ દુકાનો, પેન્ટિંગના પ્રદશન, ક્રિસમસનું ડેકોરેશન, રમતો રમવાના સાધનો બધું હતું.

canada d૩  (11).jpg
આ ફેરમોન્ટ હોટલ
canada d૩  (7).jpg
હોટલમાં બનાવવામાં આવેલું જીંજર બ્રેડ હાઉસ (હા આ બધું બિસ્કીટ અને ચોકલેટમાંથી બનાવેલું છે )
canada d૩  (6).jpg
હોટલની ત્રીજા માળની ગેલેરીમાંથી વ્યુ

રાત્રે આ સુંદર વ્યુ માણીને અમે હોટલ પર પાછા ફર્યા.

 

 

સંભારણાની સફર

આજે જે પુસ્તક વિષે લખી રહી છું એ પુસ્તક મારા દિલથી બહુજ નજીક છે એના ઘણા કારણો છે. એક કે આ પહેલું પુસ્તક કે જ્યાંથી મે ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અથવા તો એમ કહું કે આ પુસ્તકે મને અન્ય ગુજરાતી પુસ્તકો વાંચતી કરી તો સહેજ પણ અતિશયોક્તિ ન ગણાય. હું જયારે આઠમાં ધોરણમાં આવી ત્યારે મારી વર્ષગાંઠ પર મારા પાડોશી આંટીએ મને સુધા મૂર્તિ લિખિત અને સોનમ મોદી દ્વારા ભાવાનુવાદ થયેલું આ પુસ્તક ‘સંભારણાની સફર’ ભેટમાં આપ્યું. ત્યાં સુધી મે ઘણા નાના-મોટા પુસ્તકો વાંચ્યાય હશે પણ મને આ પુસ્તકે જે ઘેલું લગાવ્યું એવું કોઈએ નહિ! ભેટમાં સવારે આપ્યું. જન્મદિવસ હતો અને કોઈ કારણસર રજા પણ હતી બપોરે જમીને હું આ પુસ્તક વાંચવા બેઠી અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલી બધી ખુશ થઇ કે ન પૂછો ને વાત! ત્યારે મને સમજાયું કે વાહ! અભ્યાસ પૂરતા પુસ્તકો વાંચવા અને શોખ માટે પુસ્તકો વાંચવામાં કેટલો તફાવત હોય છે! 🙂

બીજું કારણ કે મને આ પુસ્તક વાંચ્યા પછી સુધા મૂર્તિને જાણવાનો મોકો મળ્યો પછી તો હું એમની ફેન બની અને બધા જ પુસ્તકો વાંચી ગઈ (એ બધા વિષે ફરી ક્યારેય વાત 😉 ). આ પુસ્તક સાથે મારી બહુ યાદો જોડાયેલી છે. એ દિવસે વાંચ્યા પછી મને યાદ પણ નથી કે મે કેટલી વખત આ પુસ્તક વાચ્યું હશે. પણ વર્ષો પછી જયારે હું આણંદ પ્રોફેસરની નોકરી કરતી ત્યારે રોજ સવારે નડિયાદથી છકડામાં કોલેજ જતા આ પુસ્તકની એક વાર્તા વાંચું અને મારા વિદ્યાર્થીઓને રોજ એક વાર્તા કહું. (આવી રીતે મે મારા વિદ્યાર્થીઓને ઢગલાબંધ પુસ્તકો વાંચી સંભળાવ્યા છે અને એ લોકોને વાંચતા કર્યા છે 🙂 ).
સુધા મૂર્તિ મને કેમ આકર્ષે? એકદમ ક્રાંતિકારી સ્વભાવ! એમની એક વાત તો કહેવી જ પડશે. સુધા મૂર્તિ TATA કંપનીમાં જોડાવનાર પહેલી મહિલા ઈજનેર હતી. એમની કોલેજના બોર્ડ ઉપર  TATA ની TELCO કંપનીની નોકરીની જાહેરાત હતી જેમાં લખ્યું હતું “women don’t apply”. અને સુધા મૂર્તિએ રતન ટાટાને પત્ર લખીને વિદ્રોહ નોધાવ્યો હતો અને ઈન્ટરવ્યું આપીને નોકરી મેળવી હતી!. બીજી વાત એ શિક્ષક અને એ પણ ઉત્તમ 🙂 ત્રીજી વાત સમાજસેવક. પોતાના લેખન કાર્ય અને કમાણીના પૈસાથી ઇન્ફોસિસ ફાઉનડેશનની શરૂઆત કરી. અને ઉત્તમ લેખિકા 🙂 મને કાયમથી પ્રસંગો વાચવા ખુબ ગમે અને સુધા મૂર્તિએ ખુબ સરસ રીતે એમના જીવનના પ્રસંગો એમના પુસ્તકોમાં આલેખ્યા. એમને મૂળ અંગ્રેજીમાં જ પુસ્તકો લખ્યા છે અને પછી હિન્દી, કન્નડ, તમિલ, ગુજરાતી, મરાઠી, વગેરે ભાષામાં અનુવાદિત થયા છે.
સુધા મૂર્તિના દરેક પુસ્તક જેમ જેમ વંચાય એમ એમની વધારે નિકટ હોય એવો અહેસાસ થાય 🙂 મૂળે ઉત્તમ શિક્ષક એટલે વાર્તા કથન ચોક્કસથી જક્કાસ જ હોય અને ખુબ સુંદર લખવાની શૈલી. અત્યારે પણ કોઈ નવા વ્યક્તિને ગુજરાતી પુસ્તકની દુનિયાનો પરિચય કરાવવો હોય અને ચાહક બનાવવા હોય તો ચોક્કસથી હું આ પુસ્તક આપું જ 🙂
પુસ્તક વિષે થોડી વાત લખું,
આ પુસ્તક મૂળ અંગ્રેજી “how I taught my grand mother to read and other stories” માંથી ભાવાનુવાદ કરવામાં આવેલું છે. પુસ્તક ૨૦૦૪માં પકાશિત થયેલું છે.
કીમત: ૧૨૫ રૂ.
પાન : ૧૮૪
Image result for સંભારણાની સફર
પુસ્તકમાં ૨ થી ૫ પાનાંમાં લખેલી અલગ અલગ ૩૫ વાર્તાઓ આમાં સમાવેશ થાય છે. ૧૦૦% સુધા મૂર્તિના જીવનની સત્ય ઘટના અને અનુભવો આધારિત! એક એક વાર્તા વાંચો અને મન ખુશ થતું જાય એવી વાર્તાઓ. ચોક્કસથી રાત્રે સુતા બેડ પાસે રખાય એવી. ૫-૧૦ મિનીટ સુતા પહેલા વાંચીને ચોક્કસથી અનુભવ મેળવવાં જેવો ખરો!

Canvas wall art

My friend Miti and I decided to make something for her home. We went to our favorite store ‘Michael’s’ and purchases canvas boards, some acrylic paints and stencils.
We chose 3 colors (blue, yellow and white) and prepared beautiful wall art. and here is the final result! 🙂
MVIMG_20171209_221806.jpg

થેંક યુ પપ્પા

હમણાં પ્રતાપકાકાને મળવા એમના ઘરે ગઈ હતી. ખુબ વાતો કરી અને મજા કરી. મને ઘરે જતા એમની કાયમની ટેવ મુજબ થેલી ભરીને પુસ્તકો આપી 🙂 મનીષાબહેને મને ભાર દઈને કીધું કે સૌથી પહેલા થેંકયુ પપ્પા પુસ્તક વાંચજે તને ખુબ જ ગમશે. ઘરે આવી અને સાંજે પહેલા ૨ પ્રકરણ વાંચ્યા. એકદમ દિલ ખોલીને રડી છું 🙂
પુસ્તક વિષે પહેલા વાત કરું.

Image result for થેંક્યું પપ્પા
સંપાદન : અમીષા શાહ, સંજય વૈદ્ય
કીમત: ૩00 રૂ
પાન : ૨૪૬
પ્રસ્તુત પુસ્તકમાં નદી જેવી દીકરીઓએ પોતાના પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબા વિષે પોતાની લાગણીઓ શબ્દરૂપે વ્યક્ત કરી છે. આ પુસ્તકમાં ભારત અને વિદેશમાં નામના મેળવી ચુકેલી અનેક સ્ત્રીઓએ એમના પિતા ઉપર લખેલા લેખો છે. અમુક ગુજરાતી ભાષામાં ન હોવાથી એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. અમુક અત્યારે હયાત ન હોય એવા બાપ-દીકરીની વાતો એમના જુના પત્રો, પુસ્તકો અને ઘણા લાંબા સંશોધન પછી લખવામાં આવ્યા છે. એક એક લેખ એટલી અદ્ભુત રીતે લખાયો છે કે વાત ના પૂછો. કઈ વાત અહી લખું અને કઈ નહિ એમાં મૂંઝવણ થાય છે.
આ પુસ્તકમાં ગુજરાતી અને ભારતભરની, જે શ્રેષ્ઠતર 46 દીકરીઓએ પોતાના પિતા વિશે કલમ ચલાવી છે, એમાં વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાલા, અદિતિ દેસાઈ, વંદના પાઠક, પુરબી જોશી, રિવા બક્ષી, રીના મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, અમીષા શાહ, મનીષા મનીષ, રાજુલ મહેતા, મેઘના ગુલઝાર, નંદીતા દાસ, દિપ્તી નવલ, શબાના આઝમી, નિશા દકુણીયા સહિત ઈન્દિરા ગાંધી, બેનઝીર ભુટ્ટો અને મણીબહેન પટેલના લેખો અહીં સંગ્રહાયેલા છે.
દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. હું દીકરી છું એટલે કદાચ આ પુસ્તકની તમામ વાતો મને વધારે સ્પર્શી હોય એમ ચોક્કસ બની શકે પણ તમે વાંચશો પછી અનુભવશો કે મે આમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કરી.
કેવા સંજોગોમાં અને કેટલી વ્યસ્તતા વચ્ચે આ પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબાઓએ એમની દીકરીઓને જીવતા શીખવ્યું છે મને તો એ વાચીનેજ આશ્ચર્ય થયું! કેળવણીની કેટલી નાની વસ્તુઓને પપ્પાઓએ જીવીને શીખવાડી. દરેક ઘરના અલગ નિયમો, બાળ ઉછેરના દરેકના અલગ અલગ કાયદાઓ, પ્રેમ કરવાની અલગ રીતો, અલગ આર્થિક સ્થિતિ, વ્યસ્તતા સાથે પણ અદ્ભુત સિચન કર્યું છે દીકરીઓનું.
આમતો દરેક લેખની પોતાની આગવી વિશેષતા છે એટલે પહેલેથી જ માફી માંગું છું કે મે અહી અમુક લેખની મને ખાસ સ્પર્શી ગઈ હોય એ બાબતો અહી ટાંકી છે. પણ આ પુસ્તકમાંથી પસાર થવું જ રહ્યું!

MVIMG_20171209_001303.jpg
અમીષા શાહ (પિતા: ગુણવંત શાહ)
MVIMG_20171209_001748.jpg
મનીષા પંડ્યા (પિતા: પ્રતાપ પંડ્યા)
MVIMG_20171209_001835.jpg
મેઘના ગુલઝાર (પિતા: ગુલઝારસા’બ)
MVIMG_20171209_002737.jpg
મિતાલી દલાલ (પિતા: સુરેશ દલાલ)
MVIMG_20171209_002826.jpg
નંદીની ત્રિવેદી (પિતા: જયંત પંડ્યા)
MVIMG_20171209_002856.jpg
નંદિતા દાસ (પિતા: જતીન દાસ)
MVIMG_20171209_004322.jpg
રીવા બક્ષી (પિતા: ચંદ્રકાંત બક્ષી)

 

ભાગ્યેશ જહા પર એમની દીકરી પ્રાર્થના જહાએ લખેલો લેખ મને ઓનલાઈન મળ્યો જેની લીંક અહી ટપકાઉ છું – http://archive.readgujarati.in/sahitya/?p=769

ગમે ત્યાંથી મેળવીને પણ આ પુસ્તક વાંચી જાઓ. પ્રસ્તાવનામાં સંપાદકોએ ખુબ સુંદર વાત નોંધી છે કે “આ પુસ્તક વાંચીને, તમે જો દીકરી હશો તો આ પુસ્તકમાં ક્યાંકને ક્યાંક પોતાની જાતને વ્યક્ત થતી જરૂર ભાળશો. તમે દીકરીના પિતા હશો તો વાંચતા વાંચતા ક્યાંક તમારી આંખનો ખૂણો જરૂર ભીંજાશે, તમને તમારી શકુંતલા જરૂર યાદ આવશે અને તમે માત્ર દીકરાના બાપ હશો તો તમને મનમાં ચોક્કસ થશે , ‘કાશ, મારે પણ એક દીકરી હોત..'”
ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.

 

 

 

 

 

Savory Sandwich Cake

Oh yes! You read it correctly! It is a sandwich savory cake. Again, I learned this recipe from Miti! We made this cake together on our friend’s party and then I was waiting to make it again! And I made that on devalben’s birthday. Now this is very quick and simple cake where baking is not required! It will taste awesome and people will love it. Let me walk you through the process.

Ingredients
Breads – 12
Basil Pasto sauce – 1 cup
Tomato ketchup – 1/2 cup
Salt – 1 tsp
Pepper – 1 tsp
Cream cheeze – 1 cup
Whipping cream – 1/2 cup
Cucumber – 1 (grated)
Carrot – 2 (grated)
Cherry tomatoes, olives, parsley(or cilantro) for garnishing.
Salted Butter – 1/2 cup

Method
Cut the sides of breads and make it perfect rectangular shape and place 4 breads side by side making big rectangle. Make sure you start assembling the cake directly on the cake board.
Savory Sandwich cake (1)
Apply butter on bread slices then apply basil pasto sauce(or green chutney), put handful of grated carrots.

Then place another 4 slices of bread on top of it. Apply butter then tomato ketchup and grated cucumber and olives.
Savory Sandwich cake (5)
Now put 4 slices on the top to cover the cake.
Now in the mixing bowl, add cream cheese, whipping cream, salt and pepper. Mix it with hand mixer until it forms thick consistency to apply on cake. Now apply this mixture on the top of the cake and cover it completely.

Use your creation and your choice of vegetables to garnish the cake. I used cherry tomatoes, Parsley, grated carrots and olives to give a shape of a peacock.
Put this cake in refrigerator for 1-2 hours and serve chill 🙂
Savory Sandwich cake (3)
Note: you can use any vegetables or sauce to create your own variation. Good Luck and enjoy 🙂

Hearst Castle

અમે ૨૫ નવેમ્બર,૨૦૧૭ એ હર્ત્સ કેસલ (હર્ત્સનો કિલ્લો) જોવા માટે ગયા હતા. અમારા ઘરથી 200 માઈલ (૩૨૦ કિમી) એટલે ૩ કલાક દુર દક્ષિણ તરફ આવેલો છે.
hc.PNG

Hearst Castle વિષે:  હર્ટસ કેસલ એ રાષ્ટ્રીય ઐતિહાસિક લેન્ડમાર્ક છે જે આર્કિટેક્ટ જુલિયા મોર્ગન દ્વારા 1919 અને 1947 ની વચ્ચે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અખબાર ધનાઢ્ય વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ નામના વ્યક્તિએ પોતાના નિવાસ્થાન માટે બનાવડાવ્યો હતો. હર્સ્ટ 1951 માં મૃત્યુ પામ્યા અને 1954માં તેમનો કિલ્લો કેલીફોર્નિયાનો સ્ટેટ પાર્ક બન્યો.
આ કિલ્લાની વિશેષતા એ છે કે એક વેરાન જંગલની વચ્ચે બનાવવામાં આવ્યો છે જેમાં 56 શયનખંડ, 61 બાથરૂમ, 19 બેઠક રૂમ, 127 એકરમાં બગીચાઓ, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, મુવી થિયેટર, એરફિલ્ડ અને વિશ્વનું એ સમયનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય આવેલું છે.

hc.jpg
બસમાં કિલ્લા પર જતી વખતે

કિલ્લાની ડીઝાઇન અને આર્કીટેકચર સ્પેનીશ શૈલીનું છે. આ કિલ્લામાં અનેક હોલીવુડની હસ્તીઓ અને રાજકીય લોકો વારંવાર મુલાકાત લેતા હતા, સામાન્ય રીતે એસ્ટેટના એરફિલ્ડમાં ઉડતા હતા અથવા લોસ એન્જલસથી ખાનગી હર્સ્ટની માલિકીની ટ્રેન કાર લેતા હતા. હર્સ્ટ્સના મહેમાનોમાં ચાર્લી ચેપ્લિન, કેરી ગ્રાન્ટ, માર્ક્સ બ્રધર્સ, ચાર્લ્સ લિન્ડબર્ગ, ગ્રેટા ગાર્બો, જોન ક્રોફોર્ડ, ક્લાર્ક ગેબલ, જેમ્સ સ્ટુઅર્ટ, બોબ હોપ, કેલ્વિન કૂલીજ, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, ડોલોરેસ ડેલ રીયો અને વિન્સ્ટન ચર્ચિલનો સમાવેશ થાય છે.
આ કિલ્લાની મુલાકાત લેવા માટે ઓનલાઈન એની ટીકીટ અને ટુર બુક કરાવવાની હોય છે અને પછી ત્યાં વિઝીટર સેન્ટર પર પહોચી કિલ્લાની ખાસ ટુરની બસમાં બેસીને ઉપર કિલ્લા ઉપર જવાનું હોય છે.

hc (1)
આ વિઝીટર સેન્ટર

ત્યાં ગાઈડ તમને અલગ અલગ રૂમો, ખાવાની જગ્યા, સ્વીમીંગ પુલ બતાવે અને આર્કીટેકચર વિષે વાતો કરે.
નવો અનુભવ હતો અમારા માટે કે સ્પેનીશ શૈલી નું આર્કીટેકચર જોવા મળ્યું. અને ખાસ વાત એ છે કે જુલિયા મોર્ગન સ્ત્રી હતી જેને 28 વર્ષ સુધી આ કિલ્લાની ડીઝાઇન કરી!

hc (2)
આ કિલ્લો
hc (3)
સ્પેનીશ આર્કિટેકટની ઝલક
hc (4)
આ દિવાન ખંડ
hc (5)
આ દિવાન ખંડના મુખ્ય પ્રવેશદ્વારની બહાર

hc (6)

hc (8)
આ પાછળનો ભાગ
hc (9)
મહેમાનનો બેઠક રૂમ
hc (10)
લાયબ્રેરી
hc (11)
આ સ્વીમીંગ પુલ – જેમાં મોઝેક ડીઝાઇન કરી છે અને સાચું સોનું વાપરવામાં આવ્યું છે !
hc (12)
મોઝેકની ડીઝાઇન
hc (7)
અમે ૪ 🙂

સવારથી સાંજ એક દિવસ માટે જઈ શકાય એવી જગ્યા ખરી.

 

મોતીચારો

મે જ્યારથી ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી ત્યારે મે વાંચેલા શરૂઆતના ૫ પુસ્તકોમાનું એક પુસ્તક એટલે ડો.આઈ.કે.વીજળીવાળાનું પુસ્તક ‘મોતીચારો’! હું આજે પણ એમના પુસ્તકો મારી પાસે રાખું અને મારા ઘરે આવનારાં વ્યક્તિઓ જયારે મારી લાયબ્રેરી જોઈ પ્રભાવિત થાય અને વાચવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે હું ડો.આઈ.કે.વીજળીવાળાના પુસ્તકો અવશ્ય આપું. એકદમ સરળ ભાષા, અદ્ભુત પ્રસંગો, એક-બે પાનની વાર્તા અને રસ પડે એવી તો ખરીજ!
ડો.આઈ.કે.વીજળીવાળા વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે. એમના જીવનકાળ દરમિયાન થયેલા અનુભવોને સુંદર રૂપે પુસ્તકમાં લખ્યા છે એ પુસ્તકનો સંગ્રહ એટલે ‘સાયલન્સ પ્લીઝ’. અને ઈન્ટરનેટ પરથી મળેલી અનેક સુંદર વાર્તાઓનો સંગ્રહ એટલે ‘મોતીચારો’. આ પહેલું પુસ્તક એટલે મોતીચારો અને એ પછી એની જ શ્રેણીમાં બીજા ૬ પુસ્તકો છે (એના વિષે ફરી ક્યારેક).
કિંમત: ૬૦ રૂ.
પાન : ૮૦
u0aaeu0acbu0aa4u0ac0u0a9au0abeu0ab0u0acb.jpg
ટુકમાં ‘મોતીચારો’માં લેખકે ઈન્ટરનેટ પરથી અંગ્રેજી ભાષામાં પ્રાપ્ત થયેલી સુંદર રચનાઓનો પોતાના શબ્દોમાં ભાવાનુવાદ કરીને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. આમાંની ઘણી વાર્તાઓ તમે વાંચી પણ હોઈ શકે પણ લેખકની ભાવાનુવાદ કરવાની શૈલી ખુબ સુંદર છે. હું એમ માનું છું કે એવો કોઈ વ્યક્તિ નહિ હોય જે વાંચતા વાંચતા રડ્યો ન હોય અને રડતાં રડતાં વાંચ્યું ન હોય ! એક વાર આ પુસ્તક લઈને બેસો એટલે એક જ બેઠકે વાંચી જવાનું મન થાય એવું છે અને આરામથી ૨ કલાકમાં વાંચી શકો છે, પણ એ વાંચીને પ્રગટતા વિચારો કેટલાય દિવસો સુધી ચાલશે, એ નક્કી 🙂
બધી જ વાર્તાઓ બહુ સુંદર છે પણ મને જે સૌથી વધારે ગમી એ મુકું છું.

 

મળેલા જીવ

પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા વિષે ઘણું સાંભળ્યું હતું પણ મારી પાસે અહી હતી નહિ કે વાંચું. મિત્ર પૃથા પાસેથી એ પુસ્તક મળ્યું અને ત્યારનું મારી લાયબ્રેરીમાં ગોઠવાઈ ગયું હતું પણ વાંચવાનો લાગ મળતો ન હતો. રોજ રાત્રે સુતા પહેલા એક પ્રકરણ વાંચવાનું શરુ કર્યું. અને અડધી નવલકથા વાંચીને પછી બાજુમાં મૂકાઇ ગઈ , આજે અચાનક ‘મળેલા જીવ’ ની જીવી યાદ આવી અને પાછી બેઠી વાંચવા અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલો બધો આનંદ મળ્યો છે કે વર્ણવી શકું એમ નથી પણ મારા અનુભવો કરતા પુસ્તક વિષે વાત માંડું.
આ પુસ્તક ૧૯૪૧માં લખાયું અને એ પછી ૨૯ આવૃત્તિઓ બહાર પડી અને મે સૌથી છેલ્લી ૨૦૧૪ની આવૃત્તિ વાંચી.
કુલ પાનાં: ૨૯૨
કીમત: ૨૦૦ રૂ.
મળેલા જીવ

ગુજરાતી સાહિત્યના પંડિત યુગ (આઝાદી પહેલાનો ગાળો) દરમિયાન જેટલી વાર્તાઓ લખાઈ એમાં ગ્રામ્ય જીવન વિષે ખુબ જ ઓછુ અથવા નહીવત લખાયું. ત્યારબાદ ગાંધી યુગની શરૂઆત થઇ અને ગાંધીજીએ લેખકોને કહ્યું કે એવું સાહિત્ય લખો કે ગામડાનો કોસીયો પણ સમજી શકે. ટુકમાં ગાંધીયુગનું સાહિત્ય એટલે સાહિત્યમાં ગામડું હોવું અને ગામડામાં સાહિત્ય હોવું. અને પન્નાલાલ પટેલે ૧૯૪૧માં આ કામ કરી બતાવ્યું અને ઉત્તમ ‘મળેલા જીવ’ નવલકથા આપી. પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં ગ્રામ્ય જીવન( ‘Local Colors’) આવ્યા.
હવે વાત કરીએ લેખક વિષે – કેમ કે એ અત્યંત મહત્વની છે. પન્નાલાલ પટેલના ગુજરાતી સાહિત્યજગતમાં વિશેષ યોગદાન માટે ઉચ્ચતમ સાહિત્ય પુરસ્કાર- જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. અને સૌથી મજાની વાત એ છે કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામમાં રહેતા આ લેખક માત્ર ૪ ચોપડી જ ભણેલા! અને પછીથી ઉમાશંકર જોશી અને સુન્દરમ એ એમેને ગુજરાતી લખતા-વાંચતા શીખવ્યું. સવારે મજુરી કામ કરી રાત્રે લખતા. એવા દિવસોમાં એમની કલ્પના શક્તિથી આટલી અદ્ભુત નવલકથા આપી.

IMG_20171115_222252.jpg
ઝવેરચંદ મેઘાણી – પન્નાલાલ પટેલ વિષે 

આ પુસ્તક વિષે મને લખવાનું કહેવામાં આવે તો કઈ વાત લખવી અને કઈ નહિ એ નક્કી કરવું અઘરું છે એટલે જો હું આખું પુસ્તક લખી શક્તિ હોત તો ચોક્કસથી આખે આખું લખત!
આ નવલકથા ગ્ર્રામ્યપુષ્ઠ ભૂમિ પર લખાયેલી છે અને ભાષા પણ એ સમયને અનુરુપ છે એટલે ગામઠી સંવાદો. એટલે એવું પણ બને અડધું તો ઉપરથી જ જાય. ગામઠી સંવાદોમાં જે તળપદી ભાષા વાપરવામાં આવી છે એ મહેસાણાની ભાષા છે એટલે મને વાંચવામાં વિશેષ આનંદ આવેલો. 😉
પુસ્તકની વાર્તા વિષે થોડું સંક્ષિપ્તમાં લખું,
“ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું 
કોક દન કરી ‘તી પ્રીત”

જન્માષ્ટમીના મેળાથી શરુ થતી વાર્તા કારતક પૂનમના દિવસે સમાપ્ત થાય છે. ઈડરિયા પ્રદેશના ઉધડિયા ગામનો પટેલ કાનજી અને જોગીપુરા ગામની ઘાંયજી જીવીની મુલાકાત એક મેળામાં થાય છે અને બંનેને મળતા જ પ્રેમ થઇ જાય છે. પારિવારિક જવાબદારીઓમાં ઘેરાયેલો અને ન્યાતની ચિંતામાં કાનજી, ઘાયજી જીવી સાથે પરણી નથી શકતો પણ જીવીને રોજ જોઈ શકાશે એ આશાથી કાનજીના પાડોશી ધૂળા વાણંદ સાથે જીવીના લગ્ન ગોઠવે છે. લગ્ન પછી ધુળો જીવીને ખુબ મારે છે. કાનજીને પસ્તાવો થાય છે અને દુખી થઇ ગામ છોડી શહેર જાય છે, બીજી તરફ જીવી, આત્મહત્યા કરવા માટે રોટલામાં ઝેર નાખી પોતાનો રોટલો બનાવે છે અને ભૂલથી એ રોટલો ધુળો ખાઈ અને મરી જાય છે. જીવી હવે સાવ ગાંડી થઇ ગામમાં ફરે છે અને ભગત નામનો કાનજીનો મિત્ર જીવીને લઈને દેવ બાવજી ને ત્યાં સંઘમાં લઇ જાય છે અને ત્યાં કાનજી આવી જીવીને તેની સાથે શહેર લઇ જાય છે અને વાર્તા પૂર્ણ થાય છે.
આ પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે’.
શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કુપમંડુક બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે.
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધી, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયાજેવું તેમનું દિલ, તેમનો કપટરહિત પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી માણસો. આ બધાનું વર્ણન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે. આ નવલકથા મારી આંખ ભીની થતા હું ના રોકી શકી. વાંચતા એમ થતું કે આ જઈને હાલ કાનજીને સમજાઈ આવું.
આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણીએ લખી છે જેની અમુક વાતો શબ્દસહ અહી મુકું છું.

IMG_20171115_222651.jpg

IMG_20171115_222952.jpg
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે ” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા ! “