મારુ સ્વપ્ન -વર્ગીસ કુરિયન

કીમત: 175 રૂ.
પાન : 234

book1

શું આપણે આપણાં દિવસની કલ્પના દૂધ વગર કરી શકીએ? એવી એક સિસ્ટમ કે જેનાથી ખેડૂત ડેરીમાં દૂધ જમા કરાવે અને એ નુટ્રિશન દૂધ ડેરીમા પ્રોસેસ થઈને ફ્રેશ પેકેટમાં રોજ આપણા દરવાજે અમુલની કોથળીમાં આવે. એ સિસ્ટમ જ ન હોત એની કલ્પના થઇ શકે ?
આ આખી સિસ્ટમ કોઈ એક વ્યક્તિ નહિ પણ ભારતના જ લાખો ખેડૂતો દ્વારા ચલાવવામાં આવે અને એ પણ ખુબ ઊંચી ગુણવત્તા અને નૈતિક મૂલ્યો સાથે એવું જાણવા મળે તો ? કેવું અદભુત !

‘I Too Had A Dream – મારું સ્વપ્ન’. બસ આ પુસ્તકમાં આણંદના એક નાનકડા ગામડાંમાંથી આવેલું ભેંસનું દૂધ અને દૂધની બનાવટો એ આપણા ઘરે કેવી રીતે પહોંચી એની આખી ગાથા છે 🙂 વિશ્વભરમાં ‘મિલ્કમેન’ તરીકે જાણીતા ડૉ. કુરિયનની જીવનની ગાથા પણ ખરીજ. તેમણે ગામડાંના લોકોને સુખી-સમૃદ્ધ બનાવવા જીવનભર મથામણ કરી. આ પુસ્તક મૂળ અંગ્રેજી (I too had a dream) પરથી ગુજરાતીમાં સુધા મહેતા એ અનુવાદ કર્યો છે. પુસ્તક 2006માં પ્રકાશિત થયું છે એટલે જેટલા આંકડા અને વિગતો આપવામાં આવી છે એ 2005 સુધીની છે.

આત્મકથા એ મારો પ્રિય વિષય. મને ખુબ ગમે કે સાવ સામાન્ય માણસ પોતાની મહેનત અને ધગશથી કેટલું કરી શકે છે, એ વાત એમના જ શબ્દોમાં વાંચવાની. નડિયાદમાં જન્મી અને આનંદમાં ભણી એટલે અમુલ વિષે તો ખબર ન હોય એમ બને જ નહિ! પણ આ અમુલ એ સાવ સામાન્ય દૂધ પૂરું પડતી કંપની નથી પણ સૌથી મોટી સહકારી મંડળી છે જે ખેડૂતો દ્વારા ચાલે છે એ જાણ્યું ત્યારે અચંબિત થઇ જવાયું.

કેવી રીતે કેરળનો એક ઈજનેર આકસ્મિત રીતે આણંદમાં નોકરી માટે આવે અને ત્રિભુવનદાસ પટેલ નામનાં સ્વાતંત્ર્યસેનાનીને મળે અને પછી ડેરી ખેડૂતોની સહકારી મંડળીમાં જોડાય. એક એવો શહેરનો વ્યક્તિ કે જેને ગામડા સાથે કાંઈજ લેવા દેવા નહિ એ ચરોતરના ગામડાંના ખેડૂતો સાથે લગભગ 10000 થી વધારે મંડળીઓ રચે જેમાં રોજનું લગભગ 2500 લાખ લીટર દૂધ એકઠી કરતી ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી “અમુલ”ની સ્થાપના કરે ! વાત માત્ર અમુલ સુધીને આવીને અટકી નથી જતી પણ ભારતમાં ઓપરેશન ફ્લડ શરુ કરે અને માત્ર આણંદ નહિ પણ સમગ્ર ભારતમાં અમુલ જેવી ડેરીઓ શરુ કરે ! આ ઉપરાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA), ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, ઇન્ડિયન ડેરી કોર્પોરેશન (IDC) ની પણ શરૂઆત થાય!

મેં અગાઉ પણ આ પુસ્તક વાંચ્યું હતું પણ આજે ફરી વાંચ્યું અને ફરીથી એટલી જ મજા આવી! દરેક ભારતવાસી એ વાંચવા જેવું આ પુસ્તક છે.
આ પુસ્તકમાં વર્ગીસ કુરિયનના રાજકારણીઓ, અમલદારીઓ, નેતાઓ સાથેના ઘણા સારા અને ખરાબ સંઘર્ષો પણ ખુબ પ્રામાણિકતાથી એમણે નોંધ્યા છે. દરેક નવા પડાવ સાથે એમણે કેટલા ખંતથી કામ કર્યું છે એ વાંચીએ ત્યારે સમજી શકાય!
ભેંશના દૂધમાંથી જ દૂધ પાવડર, માખણ, બેબી ફૂડ અને બીજી ડેરી પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવી એની રસપ્રદ વાર્તાઓ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં ડૉ. કુરિયનની પ્રવૃતિમય અને રંગબેરંગી જિંદગીના પડકારો, સિદ્ધિઓ અને નિરાશાજનક અનુભવો છે.
પુસ્તકના આમુખમાં રતન તાતા લખે છે કે “જો આપણી પાસે આ પ્રકારના દીર્ઘદ્રષ્ટા અને એની જ સંનિષ્ટા તથા રાષ્ટ્રીય ભાવના ધરાવતા એક હાજર ડો.કુરિયન હોત તો આજે ભારત ક્યાં જઈને ઉભું હોત!” આ વિધાનનો પ્રત્યેક શબ્દ સાચો છે એની પ્રતીતિ વાચકને દરેક પાને થતી રહેશે.

પુસ્તકના ઘણા પ્રસંગો મને ખુબ ગમ્યા છે જેમાના અમુક અહીં મુકું છું.

સરદાર પટેલના દીકરી – મણિબહેન વિષે
“અત્યંત પ્રમાણિકતા અને વફાદારીના ગુણો મણિબહેન ધરાવતાં. પોતાની સમગ્ર જિંદગી તેમણે પિતાને સમર્પિત કરી દીધી. તેમણે મને કહ્યું કે જ્યારે સરદાર પટેલનું નિધન થયું , ત્યારે તેઓ તેમની એક ચોપડી અને થેલો લઈને દિલ્હીમાં જવાહરલાલ નેહરુને મળવા ગયાં અને તે ચીજો સોંપી. ત્યારે તેમણે ત્યારે નેહરુને કહ્યું કે તેઓના પિતાએ આમ કરવાની સૂચના આપી હતી અને સાથે સિંધી તાકીદ કરી હતી કે તે બીજા કોઈને ન આપવી. આ થેલીમાં કોંગ્રેસ પક્ષની માત્ર માલિકીના રૂ. ૩૫ લાખ હતા અને તે ચોપડી એ પક્ષના હિસાબનો ચોપડો તેઓ હતો. નેહરુએ આ ચીજો સ્વીકારી અને મણિબહેનનો આભાર માન્યો.” 

વર્ગીસ કુરિયન ટાંકે છે ,
“એ દિવસોમાં મારી આદત હતી કે આખી ડેરીની આસપાસ હું ચાલતો જાઉં અને બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહિ તે નોંધું. આવા જ એક જાહેર ન થતા ચક્કર વખતે મેં એક જૂના કર્મચારીને જોયો. તેને મોટી મૂછો હતી અને જ દાઢી પણ હતી. તેણે દૂધનું એક કેન ખોલ્યું હતું અને તેના પરથી મલાઈ ચાટી રહ્યો હતો. અચાનક તેણે ઊંચે જોયું તો હું દેખાયો. અમે બંને એકમેકને તાકી રહ્યા. મલાઈ તેના મોંમાંથી દાઢી પર સરકી રહી હતી. તે થોથવાઈને બોલ્યો: ‘ના, ના, સાહેબ, હું પીતો નથી, હું પીતો નથી.’ હું આડો થયો અને પાછો ફરી ગયો. પણ બીજે જ દિવસે મેં મૅનેજરને બોલાવીને સૂચના આપી કે દરેક કર્મચારીને અડધો લીટર દૂધ પીવા આપવું. આખો દિવસ આ લોકો દુધના વિશાળ જથ્થાની સાથે કામ કરતા હોય છે અને ભૂખ્યો પણ થાય છે. એમને એ દૂધમાં ભાગ ન મળે તે ન્યાય નથી”

લીડરશીપ 🙂
“મેં હંમેશા એ માન્યતા રાખી છે કે એક વાર તમે કોઈ વિશિષ્ટ મુદ્દે કામ કરનાર સૌથી વધુ ઉત્તમ માણસને ઓળખો અને તેને એક વાર તમારી અપેક્ષાની સ્પષ્ટતા કરી દો, પછી તેના પર તમારે સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની હોય અને કોઈ પણ જાતની દખલગીરી વિના તેને તેનું કામ કરવા દેવાનું હોય. એ તમે આમ કરો તો તે પ્રોજેક્ટ ચોક્કસ સફળ થાય. આ વાત મારી કારકિર્દીની શરૂઆતમાં જ ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરતાં હું શીખી ગયો હતો. જેમણે મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને મને જે યોગ્ય લાગ્યું તે મુજબ કામ કરવાની સ્વતંત્રતા આપી. મારા કામના વિવિધ વર્તુળોમાં પણ મેં આ જ તર્કથી ઘણું કામ સોંપ્યું હતું ”

ડૉ. કુરિયનની ઑફિસમાં પ્રદર્શિત “અમૂલ’ વિધાનોછતાં પણ કરે જ જાઓ

“તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક જ રાતમાં થાય,
છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,
છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,
છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,
છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે!
છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,
છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.
છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો..

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,
છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,
છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,
છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,
છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો “

અકૂપાર

akupar.jpg
લેખક: ધ્રુવ ભટ્ટ
પુસ્તક : અકૂપાર
કિંમત : ₹ 200.00
પાનાં : 296

અકૂપાર પુસ્તક પરથી જ ધ્રુવ ભટ્ટ લિખિત અને અદિતિ દેસાઇ દિગ્દર્શિત તે જ નામનું નાટક “અકૂપાર” માં સાંસાઈ નો રોલ આર. જે. દેવકી ભજવે છે અને આ પુસ્તક વિષે એમના મંતવ્યો જણાવે છે. નડિયાદ ડાહ્યીલક્ષ્મી લાયબ્રેરીમાં મહિનાના પહેલા રવિવારે “ગ્રંથનો પંથ” કાર્યક્રમ થાય છે જેમાં દેવકી આ પુસ્તક વિષે વાત કરે છે. એની વિડિઓ.(સાંભળીને પુસ્તક વાંચવાની કદાચ વધારે મજા આવશે અથવા પુસ્તક વાંચીને સાંભળવાની)
https://youtu.be/q2nLdoFVrW8

મોટાભાગની નવલકથામાં મુખ્ય પાત્ર તરીકે માણસો હોય છે પરંતુ આ નવલકથામાં મુખ્ય પાત્ર “ગીર” છે. એવી જગ્યા કે જ્યાં જંગલનાં રાજાના ડેરાઓ અને ગર્જનાઓ સિવાય બીજું ઘણું બધું છે. પ્રકૃતિનું દરેક તત્વ, દરેક ભાગ અહીં ધબકે છે, જીવે છે. “ઈના ડુંગરા રૂપાળા અને સ્હિંણ તે સખી જણી..” – આ છે ગીર !! આ સફર છે એક અનામ ચિત્રકારની ! જે “પૃથ્વી” તત્વનાં ચિત્રો બનાવા ગીર પહોંચે છે. શરૂઆતમાં તે અસમંજસમાં હોય છે કે તે ગીર શું કામ આવ્યો છે પરંતુ ધીરે ધીરે ગીરમાં ઘૂમતાં, તેની વનરાજીઓ, કંદરાઓ ખૂંદતા તે પોતાની જાતને ખૂંદી વળે છે. ગીરનાં સાવજો, ડુંગરાં, માલધારીઓ, નેસ, સિંહ પર રીસર્ચ કરતી આફ્રિકન ડોરોથી, માછીઓ, કેમ્પમાં આવતાં બાળકો, સિંહણો સાથે ઉછરેલી, રમતી અને સિંહણોને સખી ગણી હક કરતી સાંસાઈ અને આ સૌની સાથે સોરઠી ભાષાઓની મીઠાસ..! એક એવો અનુભવ કે જે વાંચતાં જ એક અજાણી ભોમકા માટે લાગણી થઈ જાય. ખમ્માં ગ્યર ને !
હજુ પણ  આઈમા, સાંસાઈ, ધાનુ, મુસ્તફા, વિક્રમ, રવિભા, ગોપાલ… રાણીમાં, સુલતાન, ઘેડ… ગીર, સાવજ… મનમાં ઘૂમરાય છે

અમુક વાતો જે મને ખુબ સ્પર્શી ગઈ એ એ છે કે ગીરના એ લોકો સિંહ(સહાવજ)ને પ્રાણી ગણતા જ નથી, એમને નામથી કે માણસને જેમ સંબોધીએ એમ સંબોધે છે. એમનો સિંહો પરનો અપાર વિશ્વાશ, તો આખો ભીની કરી દે છે.

મારા ગમતા પ્રકરણો: 14(ધાનુ અને સિંહ વિષે ), 18(સોનલ અને સિંહણ વિષે ), 20(રાણીની માછીમારોને સમજાવાની રીત)

અમુક વાક્યો:

ગ્યરમાં ગર મા, ને ગર તો ડર મા.”- મુસ્તુફા

“જનાવર આપડી હાયરે રે’તા સીખી ગ્યા. આપડે ઈનીં હાયરે રે’તા નો સીખ્યા.” – સાંસાંઈ

“આ સ્થળ જનહીન છે; પરંતુ નિર્જીવ નથી.”- દિવાકરન (સ્ટેશન માસ્ટર)

“મદદ પૂછવાની ન હોય, કરવાની હોય.”-લક્ષમી

“જોવું સે તો આંખ્યું સે”-આઈમા

અકૂપાર પુસ્તક વિષે  સુંદર બ્લોગ મળ્યો હતો વાંચવા એની લિંક : https://manaapoorva.wordpress.com/2016/04/07/%E0%AA%85%E0%AA%95%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/

તત્વમસિ

Tatvamasi (Gujarati Edition) by [Dhruv Bhatt]
ગુર્જર પ્રકાશક
લેખક: ધ્રુવ ભટ્ટ
કીમત : 200
પાનાં : 230
આ પુસ્તકમેં પ્રતિલિપિ ઉપર વાંચ્યું, જેની લિંક

આ માત્ર પુસ્તક નથી, પ્રવાસ વર્ણન પણ નથી, આ એક અનુભવ છે અને રેવાના પ્રેમમાં પડવાની યાત્રા છે. નર્મદા પરિક્રમાવાસીઓની શ્રદ્ધાના પ્રેમમાં પડવાની યાત્રા છે. હું વારંવાર રેવાના પ્રેમમાં પડવા તૈયાર છું અને પડતી રહીશ!!
‘નર્મદે હર..”
ધ્રુવભટ્ટનો આભાર માનુ એટલો ઓછો છે! 
ખાસ ખાસ વાંચવા જેવું પુસ્તક 

આ પુસ્તક પરથી “રેવા” મુવી બન્યું એની લિંક : https://www.youtube.com/watch?v=sZq02Faeev0

 

 

હિમાલયનો પ્રવાસ

અગાઉ કહેલું એમ, મને અને અનુજને ગુજરાતી પુસ્તકોમાં કોઈ એક શ્રેણીમાં અમને બંનેને રસ પડતો હોય તો એ છે પ્રવાસ નિબંધ. અમને રાત્રે સુતા સમયે સાથે પ્રવાસ નિબંધો વાંચવાની ખુબ મજા પડે, રાત્રે સપના સરસ આવે! આ પુસ્તકે એક બેઠકે કે તરત નથી પત્યું, ૩ મહિના થયા હશે કદાચ. અને આ પુસ્તકમાં ૪૫ પ્રકરણ છે જેમાં અમે ૨ દિવસે એક એમ વાંચતા.
લેખક વિષે: આ પુસ્તકના લેખક છે કાકાસાહેબ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૮૮૫માં થયો અને ૯૬ વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું. ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસલેખકોમાંના એક. મૂળ મરાઠી પછી એલ.એલ.બી. ભણી, ગુજરાત આવ્યા અને ૧૯૧૫થી શાંતિનિકેતનમાં, ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક રહ્યા. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. અને ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવેલું. ગાંધીજીના અંતેવાસીઓમાંના એક એવા કાકાસાહેબને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું છે.

પ્રવાસ વિષે: એમણે હિમાલયનો પ્રવાસ ૧૯૧૨ની સાલમાં ખેડેલો અને તેઓ રોજના વીસ – ત્રીસ માઈલ પગપાળા ચાલીને કુલ પચીસસો માઈલનો પ્રવાસ ચાળીસ દિવસમાં કર્યો હતો. હિમાલયની યાત્રામાં તેમની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદ હતા. કાકાસાહેબે ૭ વર્ષ બાદ આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. અને ૧૯૨૪માં પુસ્તક સ્વરૂપે આ પ્રવાસનિબંધ પ્રગટ થયા.

himalaynopravas.jpg

લેખક: કાકાસાહેબ કાલેલકર
કીમત: ૬૦ રૂ.
પાન : ૨૩૩
પુસ્તક વિષે: એમની સ્મૃતિપટલ પરની યાદો કેટલી તાજી હશે અને એનાથીય ઉત્તમ એમની લખવાની શૈલી એટલી અદ્ભુત છે કે મારા જેવા જેને હિમાલય જોયો નથી એને પણ ત્યાં પહોચ્યાનું પ્રતીત થાય 🙂 સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ અદ્ભુત રીતે આલેખે છે.
પ્રવાસનોંધના પીસ્તાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી એમ દરેક વિશે અલાયદાં પ્રકરણો છે. કાકાસાહેબે અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અંગે સ્વતંત્ર પ્રકરણો આલેખ્યાં છે. લેખકે ગંગાદ્વાર અને હૃષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ નોખાં પ્રકરણો પાડ્યાં છે. પર્યટનમાં – મોટું ધામ હોય કે નાનું ગામ, પહાડની તળેટી હોય કે નદીનો તટ – વાતાવરણ, વ્યક્તિદર્શન અને વસ્તુસ્થિતિનું વર્ણન જીવંત હોય છે. આપણને પણ કાકાની આંગળી પકડીને તેમના સહવાસમાં પ્રવાસ કરતાં હોઈએ એવી અનુભૂતિ થતી રહે છે.

દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પોતાના શૈશવની સ્મરણયાત્રામાં સચવાયેલી હિમાલયની ઊંચાઈ અંગે કહે છે કે, “છેક નાનપણમાં જયારે હિમાલય વિષે સાંભળતો કે તે એટલો ઊંચો છે કે એનું શિખર જોવા જતાં માથાની પાઘડી નીચે પડી જાય છે…” (પૃ. 19) આ જ કાકાસાહેબે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર સામે આપણે નતમસ્તક થઈ જઈએ છીએ.
તેઓ આવું આગવું વર્ણન કરે છે : “હિમાલય – આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, – પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્દભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.” (પૃ. ૪૪-૪૫)
સહજવૃત્તિ અને સમજવૃત્તિના સાધક કાકાસાહેબ રમૂજવૃત્તિના સ્વામી છે. આ પુસ્તકમાં ઘણાં બનાવો અને બયાનો એવાં છે કે આપણાં હોઠ અને હૈયાને મલકવાની મજા પડે છે. લ્યો, આ એક પ્રસંગનો પ્રસાદ ચાખીએ અને ધન્ય થઈએ : “… નાહવાનો શરીરશુદ્ધિ સાથે અથવા મલાપહરણ સાથે કશો સંબંધ નથી, આખું શરીર પલળ્યું એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા માટે મારે ઉતાવળે પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે! અમારાં બંનેનાં માથાં પ્રેમથી સખત ભેટ્યાં. અવાજ તો થયો, પણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધિર શરીરે હું પાછો દોડતો નીકળ્યો ને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલાં કપડાં નિચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાનીશી પ્રતિકૃતિ ઊપસેલી દેખાઈ ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું.” (પૃ. ૧૪૯-૧૫૦)

ધર્મદર્શનના સઘન અભ્યાસી કાલેલકર સમાજજીવનના સચોટ અવલોકનકાર સાબિત થાય છે. તેઓ માત્ર પર્યટનમાંથી નિજાનંદ નથી લેતા, પર્યાવરણ અંગે નિસબત પણ વ્યક્ત કરે છે. તેઓ ઘટનાક્રમને બોધપાઠમાં ફેરવી આપે છે. એમણે આપેલા આ ઉદાહરણથી આપણી સમજણ પણ સ્પષ્ટ થશે : “ હિમાલયના ખેડૂતની રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાકરોટલી ધરાઈને ખાય અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષિ કરી લે, અને એ જ તાંસળી માથા પર રાખી એના પર ફેંટા જેવું બાંધી દે, એટલે કેરીના ગોટલા જેવડા કરા આકાશમાંથી પડે તોયે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે છે કે પહાડના લોકો જંગલી. જંગલી ખરા જ તો ! જંગલમાં રહે તે અપંગ હોય નહીં અને અપંગપણું એ તો સુધારાનો પાયો અને શિખર છે. અસંખ્ય સાધનો વગર જે ચલાવી ન શકે તે સુધરેલો, અને ઓછામાં ઓછાં સાધનથી ચલાવવાની બાહોશી જેનામાં છે તે જંગલી, એ વ્યાખ્યા શું સાચી નથી?” (પૃ. ૧૦૭-૧૦૮)

આ પુસ્તકમાં પદયાત્રી અને કલમયાત્રી કાકાસાહેબ કાલેલકરે પર્યટન-સ્થળોથી માંડીને પ્રકૃતિ-સૌંદર્યનું આબેહૂબ અને આહ્લાદક વર્ણન કર્યું છે. તેમણે મઠથી માંડીને મંદિર અને પાઠશાળાથી માંડીને ધર્મશાળાની મુલાકાતો લીધી છે. કાકાસાહેબે વૃક્ષો અને વાદળો, પુષ્પો અને પહાડો, ઝરણાં અને તારલા, સરોવર અને આકાશ, પથ્થર અને બરફ વિશે રસપ્રદ વાત માંડી છે. તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે સંવાદ કર્યો છે. કાકાસાહેબનાં બીજાં લખાણોની જેમ આ પુસ્તકમાં પણ સંસ્કૃત અને મરાઠી સાહિત્યમાંથી અવતરણો ઘણી જગ્યાએ જોવા મળે છે.

12. હિમાલયની પહેલી શિખામણ – પ્રકરણ મને readgujarati પરથી મળી ગયું જેની લીંક અહી મુકું છું
http://archive.readgujarati.in/sahitya/?p=3266

રેફેરંસ: http://ashwinningstroke.blogspot.com/2013/12/blog-post_31.html

હિમાલયની આ સફર કાકાસાહેબ સાથે કરવી જ રહયી 🙂

સંભારણાની સફર

આજે જે પુસ્તક વિષે લખી રહી છું એ પુસ્તક મારા દિલથી બહુજ નજીક છે એના ઘણા કારણો છે. એક કે આ પહેલું પુસ્તક કે જ્યાંથી મે ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અથવા તો એમ કહું કે આ પુસ્તકે મને અન્ય ગુજરાતી પુસ્તકો વાંચતી કરી તો સહેજ પણ અતિશયોક્તિ ન ગણાય. હું જયારે આઠમાં ધોરણમાં આવી ત્યારે મારી વર્ષગાંઠ પર મારા પાડોશી આંટીએ મને સુધા મૂર્તિ લિખિત અને સોનમ મોદી દ્વારા ભાવાનુવાદ થયેલું આ પુસ્તક ‘સંભારણાની સફર’ ભેટમાં આપ્યું. ત્યાં સુધી મે ઘણા નાના-મોટા પુસ્તકો વાંચ્યાય હશે પણ મને આ પુસ્તકે જે ઘેલું લગાવ્યું એવું કોઈએ નહિ! ભેટમાં સવારે આપ્યું. જન્મદિવસ હતો અને કોઈ કારણસર રજા પણ હતી બપોરે જમીને હું આ પુસ્તક વાંચવા બેઠી અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલી બધી ખુશ થઇ કે ન પૂછો ને વાત! ત્યારે મને સમજાયું કે વાહ! અભ્યાસ પૂરતા પુસ્તકો વાંચવા અને શોખ માટે પુસ્તકો વાંચવામાં કેટલો તફાવત હોય છે! 🙂

બીજું કારણ કે મને આ પુસ્તક વાંચ્યા પછી સુધા મૂર્તિને જાણવાનો મોકો મળ્યો પછી તો હું એમની ફેન બની અને બધા જ પુસ્તકો વાંચી ગઈ (એ બધા વિષે ફરી ક્યારેય વાત 😉 ). આ પુસ્તક સાથે મારી બહુ યાદો જોડાયેલી છે. એ દિવસે વાંચ્યા પછી મને યાદ પણ નથી કે મે કેટલી વખત આ પુસ્તક વાચ્યું હશે. પણ વર્ષો પછી જયારે હું આણંદ પ્રોફેસરની નોકરી કરતી ત્યારે રોજ સવારે નડિયાદથી છકડામાં કોલેજ જતા આ પુસ્તકની એક વાર્તા વાંચું અને મારા વિદ્યાર્થીઓને રોજ એક વાર્તા કહું. (આવી રીતે મે મારા વિદ્યાર્થીઓને ઢગલાબંધ પુસ્તકો વાંચી સંભળાવ્યા છે અને એ લોકોને વાંચતા કર્યા છે 🙂 ).
સુધા મૂર્તિ મને કેમ આકર્ષે? એકદમ ક્રાંતિકારી સ્વભાવ! એમની એક વાત તો કહેવી જ પડશે. સુધા મૂર્તિ TATA કંપનીમાં જોડાવનાર પહેલી મહિલા ઈજનેર હતી. એમની કોલેજના બોર્ડ ઉપર  TATA ની TELCO કંપનીની નોકરીની જાહેરાત હતી જેમાં લખ્યું હતું “women don’t apply”. અને સુધા મૂર્તિએ રતન ટાટાને પત્ર લખીને વિદ્રોહ નોધાવ્યો હતો અને ઈન્ટરવ્યું આપીને નોકરી મેળવી હતી!. બીજી વાત એ શિક્ષક અને એ પણ ઉત્તમ 🙂 ત્રીજી વાત સમાજસેવક. પોતાના લેખન કાર્ય અને કમાણીના પૈસાથી ઇન્ફોસિસ ફાઉનડેશનની શરૂઆત કરી. અને ઉત્તમ લેખિકા 🙂 મને કાયમથી પ્રસંગો વાચવા ખુબ ગમે અને સુધા મૂર્તિએ ખુબ સરસ રીતે એમના જીવનના પ્રસંગો એમના પુસ્તકોમાં આલેખ્યા. એમને મૂળ અંગ્રેજીમાં જ પુસ્તકો લખ્યા છે અને પછી હિન્દી, કન્નડ, તમિલ, ગુજરાતી, મરાઠી, વગેરે ભાષામાં અનુવાદિત થયા છે.
સુધા મૂર્તિના દરેક પુસ્તક જેમ જેમ વંચાય એમ એમની વધારે નિકટ હોય એવો અહેસાસ થાય 🙂 મૂળે ઉત્તમ શિક્ષક એટલે વાર્તા કથન ચોક્કસથી જક્કાસ જ હોય અને ખુબ સુંદર લખવાની શૈલી. અત્યારે પણ કોઈ નવા વ્યક્તિને ગુજરાતી પુસ્તકની દુનિયાનો પરિચય કરાવવો હોય અને ચાહક બનાવવા હોય તો ચોક્કસથી હું આ પુસ્તક આપું જ 🙂
પુસ્તક વિષે થોડી વાત લખું,
આ પુસ્તક મૂળ અંગ્રેજી “how I taught my grand mother to read and other stories” માંથી ભાવાનુવાદ કરવામાં આવેલું છે. પુસ્તક ૨૦૦૪માં પકાશિત થયેલું છે.
કીમત: ૧૨૫ રૂ.
પાન : ૧૮૪
Image result for સંભારણાની સફર
પુસ્તકમાં ૨ થી ૫ પાનાંમાં લખેલી અલગ અલગ ૩૫ વાર્તાઓ આમાં સમાવેશ થાય છે. ૧૦૦% સુધા મૂર્તિના જીવનની સત્ય ઘટના અને અનુભવો આધારિત! એક એક વાર્તા વાંચો અને મન ખુશ થતું જાય એવી વાર્તાઓ. ચોક્કસથી રાત્રે સુતા બેડ પાસે રખાય એવી. ૫-૧૦ મિનીટ સુતા પહેલા વાંચીને ચોક્કસથી અનુભવ મેળવવાં જેવો ખરો!

થેંક યુ પપ્પા

હમણાં પ્રતાપકાકાને મળવા એમના ઘરે ગઈ હતી. ખુબ વાતો કરી અને મજા કરી. મને ઘરે જતા એમની કાયમની ટેવ મુજબ થેલી ભરીને પુસ્તકો આપી 🙂 મનીષાબહેને મને ભાર દઈને કીધું કે સૌથી પહેલા થેંકયુ પપ્પા પુસ્તક વાંચજે તને ખુબ જ ગમશે. ઘરે આવી અને સાંજે પહેલા ૨ પ્રકરણ વાંચ્યા. એકદમ દિલ ખોલીને રડી છું 🙂
પુસ્તક વિષે પહેલા વાત કરું.

Image result for થેંક્યું પપ્પા
સંપાદન : અમીષા શાહ, સંજય વૈદ્ય
કીમત: ૩00 રૂ
પાન : ૨૪૬
પ્રસ્તુત પુસ્તકમાં નદી જેવી દીકરીઓએ પોતાના પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબા વિષે પોતાની લાગણીઓ શબ્દરૂપે વ્યક્ત કરી છે. આ પુસ્તકમાં ભારત અને વિદેશમાં નામના મેળવી ચુકેલી અનેક સ્ત્રીઓએ એમના પિતા ઉપર લખેલા લેખો છે. અમુક ગુજરાતી ભાષામાં ન હોવાથી એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. અમુક અત્યારે હયાત ન હોય એવા બાપ-દીકરીની વાતો એમના જુના પત્રો, પુસ્તકો અને ઘણા લાંબા સંશોધન પછી લખવામાં આવ્યા છે. એક એક લેખ એટલી અદ્ભુત રીતે લખાયો છે કે વાત ના પૂછો. કઈ વાત અહી લખું અને કઈ નહિ એમાં મૂંઝવણ થાય છે.
આ પુસ્તકમાં ગુજરાતી અને ભારતભરની, જે શ્રેષ્ઠતર 46 દીકરીઓએ પોતાના પિતા વિશે કલમ ચલાવી છે, એમાં વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાલા, અદિતિ દેસાઈ, વંદના પાઠક, પુરબી જોશી, રિવા બક્ષી, રીના મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, અમીષા શાહ, મનીષા મનીષ, રાજુલ મહેતા, મેઘના ગુલઝાર, નંદીતા દાસ, દિપ્તી નવલ, શબાના આઝમી, નિશા દકુણીયા સહિત ઈન્દિરા ગાંધી, બેનઝીર ભુટ્ટો અને મણીબહેન પટેલના લેખો અહીં સંગ્રહાયેલા છે.
દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. હું દીકરી છું એટલે કદાચ આ પુસ્તકની તમામ વાતો મને વધારે સ્પર્શી હોય એમ ચોક્કસ બની શકે પણ તમે વાંચશો પછી અનુભવશો કે મે આમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કરી.
કેવા સંજોગોમાં અને કેટલી વ્યસ્તતા વચ્ચે આ પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબાઓએ એમની દીકરીઓને જીવતા શીખવ્યું છે મને તો એ વાચીનેજ આશ્ચર્ય થયું! કેળવણીની કેટલી નાની વસ્તુઓને પપ્પાઓએ જીવીને શીખવાડી. દરેક ઘરના અલગ નિયમો, બાળ ઉછેરના દરેકના અલગ અલગ કાયદાઓ, પ્રેમ કરવાની અલગ રીતો, અલગ આર્થિક સ્થિતિ, વ્યસ્તતા સાથે પણ અદ્ભુત સિચન કર્યું છે દીકરીઓનું.
આમતો દરેક લેખની પોતાની આગવી વિશેષતા છે એટલે પહેલેથી જ માફી માંગું છું કે મે અહી અમુક લેખની મને ખાસ સ્પર્શી ગઈ હોય એ બાબતો અહી ટાંકી છે. પણ આ પુસ્તકમાંથી પસાર થવું જ રહ્યું!

MVIMG_20171209_001303.jpg
અમીષા શાહ (પિતા: ગુણવંત શાહ)
MVIMG_20171209_001748.jpg
મનીષા પંડ્યા (પિતા: પ્રતાપ પંડ્યા)
MVIMG_20171209_001835.jpg
મેઘના ગુલઝાર (પિતા: ગુલઝારસા’બ)
MVIMG_20171209_002737.jpg
મિતાલી દલાલ (પિતા: સુરેશ દલાલ)
MVIMG_20171209_002826.jpg
નંદીની ત્રિવેદી (પિતા: જયંત પંડ્યા)
MVIMG_20171209_002856.jpg
નંદિતા દાસ (પિતા: જતીન દાસ)
MVIMG_20171209_004322.jpg
રીવા બક્ષી (પિતા: ચંદ્રકાંત બક્ષી)

 

ભાગ્યેશ જહા પર એમની દીકરી પ્રાર્થના જહાએ લખેલો લેખ મને ઓનલાઈન મળ્યો જેની લીંક અહી ટપકાઉ છું – http://archive.readgujarati.in/sahitya/?p=769

ગમે ત્યાંથી મેળવીને પણ આ પુસ્તક વાંચી જાઓ. પ્રસ્તાવનામાં સંપાદકોએ ખુબ સુંદર વાત નોંધી છે કે “આ પુસ્તક વાંચીને, તમે જો દીકરી હશો તો આ પુસ્તકમાં ક્યાંકને ક્યાંક પોતાની જાતને વ્યક્ત થતી જરૂર ભાળશો. તમે દીકરીના પિતા હશો તો વાંચતા વાંચતા ક્યાંક તમારી આંખનો ખૂણો જરૂર ભીંજાશે, તમને તમારી શકુંતલા જરૂર યાદ આવશે અને તમે માત્ર દીકરાના બાપ હશો તો તમને મનમાં ચોક્કસ થશે , ‘કાશ, મારે પણ એક દીકરી હોત..'”
ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.

 

 

 

 

 

મોતીચારો

મે જ્યારથી ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી ત્યારે મે વાંચેલા શરૂઆતના ૫ પુસ્તકોમાનું એક પુસ્તક એટલે ડો.આઈ.કે.વીજળીવાળાનું પુસ્તક ‘મોતીચારો’! હું આજે પણ એમના પુસ્તકો મારી પાસે રાખું અને મારા ઘરે આવનારાં વ્યક્તિઓ જયારે મારી લાયબ્રેરી જોઈ પ્રભાવિત થાય અને વાચવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે હું ડો.આઈ.કે.વીજળીવાળાના પુસ્તકો અવશ્ય આપું. એકદમ સરળ ભાષા, અદ્ભુત પ્રસંગો, એક-બે પાનની વાર્તા અને રસ પડે એવી તો ખરીજ!
ડો.આઈ.કે.વીજળીવાળા વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે. એમના જીવનકાળ દરમિયાન થયેલા અનુભવોને સુંદર રૂપે પુસ્તકમાં લખ્યા છે એ પુસ્તકનો સંગ્રહ એટલે ‘સાયલન્સ પ્લીઝ’. અને ઈન્ટરનેટ પરથી મળેલી અનેક સુંદર વાર્તાઓનો સંગ્રહ એટલે ‘મોતીચારો’. આ પહેલું પુસ્તક એટલે મોતીચારો અને એ પછી એની જ શ્રેણીમાં બીજા ૬ પુસ્તકો છે (એના વિષે ફરી ક્યારેક).
કિંમત: ૬૦ રૂ.
પાન : ૮૦
u0aaeu0acbu0aa4u0ac0u0a9au0abeu0ab0u0acb.jpg
ટુકમાં ‘મોતીચારો’માં લેખકે ઈન્ટરનેટ પરથી અંગ્રેજી ભાષામાં પ્રાપ્ત થયેલી સુંદર રચનાઓનો પોતાના શબ્દોમાં ભાવાનુવાદ કરીને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. આમાંની ઘણી વાર્તાઓ તમે વાંચી પણ હોઈ શકે પણ લેખકની ભાવાનુવાદ કરવાની શૈલી ખુબ સુંદર છે. હું એમ માનું છું કે એવો કોઈ વ્યક્તિ નહિ હોય જે વાંચતા વાંચતા રડ્યો ન હોય અને રડતાં રડતાં વાંચ્યું ન હોય ! એક વાર આ પુસ્તક લઈને બેસો એટલે એક જ બેઠકે વાંચી જવાનું મન થાય એવું છે અને આરામથી ૨ કલાકમાં વાંચી શકો છે, પણ એ વાંચીને પ્રગટતા વિચારો કેટલાય દિવસો સુધી ચાલશે, એ નક્કી 🙂
બધી જ વાર્તાઓ બહુ સુંદર છે પણ મને જે સૌથી વધારે ગમી એ મુકું છું.

 

મળેલા જીવ

પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા વિષે ઘણું સાંભળ્યું હતું પણ મારી પાસે અહી હતી નહિ કે વાંચું. મિત્ર પૃથા પાસેથી એ પુસ્તક મળ્યું અને ત્યારનું મારી લાયબ્રેરીમાં ગોઠવાઈ ગયું હતું પણ વાંચવાનો લાગ મળતો ન હતો. રોજ રાત્રે સુતા પહેલા એક પ્રકરણ વાંચવાનું શરુ કર્યું. અને અડધી નવલકથા વાંચીને પછી બાજુમાં મૂકાઇ ગઈ , આજે અચાનક ‘મળેલા જીવ’ ની જીવી યાદ આવી અને પાછી બેઠી વાંચવા અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલો બધો આનંદ મળ્યો છે કે વર્ણવી શકું એમ નથી પણ મારા અનુભવો કરતા પુસ્તક વિષે વાત માંડું.
આ પુસ્તક ૧૯૪૧માં લખાયું અને એ પછી ૨૯ આવૃત્તિઓ બહાર પડી અને મે સૌથી છેલ્લી ૨૦૧૪ની આવૃત્તિ વાંચી.
કુલ પાનાં: ૨૯૨
કીમત: ૨૦૦ રૂ.
મળેલા જીવ

ગુજરાતી સાહિત્યના પંડિત યુગ (આઝાદી પહેલાનો ગાળો) દરમિયાન જેટલી વાર્તાઓ લખાઈ એમાં ગ્રામ્ય જીવન વિષે ખુબ જ ઓછુ અથવા નહીવત લખાયું. ત્યારબાદ ગાંધી યુગની શરૂઆત થઇ અને ગાંધીજીએ લેખકોને કહ્યું કે એવું સાહિત્ય લખો કે ગામડાનો કોસીયો પણ સમજી શકે. ટુકમાં ગાંધીયુગનું સાહિત્ય એટલે સાહિત્યમાં ગામડું હોવું અને ગામડામાં સાહિત્ય હોવું. અને પન્નાલાલ પટેલે ૧૯૪૧માં આ કામ કરી બતાવ્યું અને ઉત્તમ ‘મળેલા જીવ’ નવલકથા આપી. પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં ગ્રામ્ય જીવન( ‘Local Colors’) આવ્યા.
હવે વાત કરીએ લેખક વિષે – કેમ કે એ અત્યંત મહત્વની છે. પન્નાલાલ પટેલના ગુજરાતી સાહિત્યજગતમાં વિશેષ યોગદાન માટે ઉચ્ચતમ સાહિત્ય પુરસ્કાર- જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. અને સૌથી મજાની વાત એ છે કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામમાં રહેતા આ લેખક માત્ર ૪ ચોપડી જ ભણેલા! અને પછીથી ઉમાશંકર જોશી અને સુન્દરમ એ એમેને ગુજરાતી લખતા-વાંચતા શીખવ્યું. સવારે મજુરી કામ કરી રાત્રે લખતા. એવા દિવસોમાં એમની કલ્પના શક્તિથી આટલી અદ્ભુત નવલકથા આપી.

IMG_20171115_222252.jpg
ઝવેરચંદ મેઘાણી – પન્નાલાલ પટેલ વિષે 

આ પુસ્તક વિષે મને લખવાનું કહેવામાં આવે તો કઈ વાત લખવી અને કઈ નહિ એ નક્કી કરવું અઘરું છે એટલે જો હું આખું પુસ્તક લખી શક્તિ હોત તો ચોક્કસથી આખે આખું લખત!
આ નવલકથા ગ્ર્રામ્યપુષ્ઠ ભૂમિ પર લખાયેલી છે અને ભાષા પણ એ સમયને અનુરુપ છે એટલે ગામઠી સંવાદો. એટલે એવું પણ બને અડધું તો ઉપરથી જ જાય. ગામઠી સંવાદોમાં જે તળપદી ભાષા વાપરવામાં આવી છે એ મહેસાણાની ભાષા છે એટલે મને વાંચવામાં વિશેષ આનંદ આવેલો. 😉
પુસ્તકની વાર્તા વિષે થોડું સંક્ષિપ્તમાં લખું,
“ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું 
કોક દન કરી ‘તી પ્રીત”

જન્માષ્ટમીના મેળાથી શરુ થતી વાર્તા કારતક પૂનમના દિવસે સમાપ્ત થાય છે. ઈડરિયા પ્રદેશના ઉધડિયા ગામનો પટેલ કાનજી અને જોગીપુરા ગામની ઘાંયજી જીવીની મુલાકાત એક મેળામાં થાય છે અને બંનેને મળતા જ પ્રેમ થઇ જાય છે. પારિવારિક જવાબદારીઓમાં ઘેરાયેલો અને ન્યાતની ચિંતામાં કાનજી, ઘાયજી જીવી સાથે પરણી નથી શકતો પણ જીવીને રોજ જોઈ શકાશે એ આશાથી કાનજીના પાડોશી ધૂળા વાણંદ સાથે જીવીના લગ્ન ગોઠવે છે. લગ્ન પછી ધુળો જીવીને ખુબ મારે છે. કાનજીને પસ્તાવો થાય છે અને દુખી થઇ ગામ છોડી શહેર જાય છે, બીજી તરફ જીવી, આત્મહત્યા કરવા માટે રોટલામાં ઝેર નાખી પોતાનો રોટલો બનાવે છે અને ભૂલથી એ રોટલો ધુળો ખાઈ અને મરી જાય છે. જીવી હવે સાવ ગાંડી થઇ ગામમાં ફરે છે અને ભગત નામનો કાનજીનો મિત્ર જીવીને લઈને દેવ બાવજી ને ત્યાં સંઘમાં લઇ જાય છે અને ત્યાં કાનજી આવી જીવીને તેની સાથે શહેર લઇ જાય છે અને વાર્તા પૂર્ણ થાય છે.
આ પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે’.
શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કુપમંડુક બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે.
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધી, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયાજેવું તેમનું દિલ, તેમનો કપટરહિત પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી માણસો. આ બધાનું વર્ણન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે. આ નવલકથા મારી આંખ ભીની થતા હું ના રોકી શકી. વાંચતા એમ થતું કે આ જઈને હાલ કાનજીને સમજાઈ આવું.
આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણીએ લખી છે જેની અમુક વાતો શબ્દસહ અહી મુકું છું.

IMG_20171115_222651.jpg

IMG_20171115_222952.jpg
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે ” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા ! “

સાગરપંખી

મારા શહેર નડિયાદમાં મહિનાના પહેલા રવિવારે ડાહ્યીલક્ષ્મી લાયબ્રેરીમાં સવારે ૯ થી ૧૨ એક ઉત્તમ કાર્યક્રમ થાય છે જેનું નામ છે ‘ગ્રંથ નો પંથ’ – જેમાં ગુજરાતી ભાષાના અલગ અલગ સાહિત્યકારો આવે અને પોતાના મનગમતા પુસ્તક વિષે ૨ કલાક બોલે. મને કાયમ અફસોસ રહે કે મારા શહેરમાં આટલો સરસ કાર્યક્રમ થઇ રહ્યો છે અને હું જઈ નથી શકતી પણ Google નો અમારા જીવનમાં બહુ મોટો ભાગ રહ્યો છે અને એમાય youtube નો ખાસ. youtubeની અસીમ કૃપાથી આ બધા વ્ય્ખ્યાનનું રેકોર્ડીંગ મને મળી રહે છે અને હું ‘ઘેર બેઠા ગંગા’ કરું છું. (મને રસોઈ બનાવતા કે ગાડી ચલાવતા આવા વ્ય્ખ્યાન સાંભળવાની ટેવ છે, ખરેખર આ પ્રયોગ કરવા જેવો છે.) હા તો એક દિવસ મે ‘ગ્રંથ નો પંથ’ માં R.J. ધ્વનિત ને સાંભળ્યા. અને એ જે પુસ્તક વિષે બોલ્યા એ હતું ‘સાગરપંખી’
પાન સખ્યા : ૫૦
કિમંત : ૧૫ રૂ.

આ પુસ્તકના મૂળ લેખક રીચાર્ડ બેક છે પણ એનું ગુજરાતી અનુવાદ મીરાં ભટ્ટએ કર્યો છે. મે અંગ્રેજી પુસ્તક જ વાંચ્યું. વાંચતા મને કલાક જ થયો પણ પછી એના પર વિચારો હજુ ચાલુ જ છે 🙂 આ પુસ્તક amazon પર ૨$ માં છે તમે મેળવીને વાંચી શકો. આ પુસ્તક વિષે વાંચતા પહેલા આ વિડીયો જોઈ લેશો તો પુસ્તક વાંચવાની વધારે મજા આવશે.

હવે વાત કરીએ પુસ્તકના મૂળ વિષય પર,
જોનાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી કાંઇક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊચાંઈઓ આંબવા, આ સાગર પંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પર, દૂર- ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર ! બસ આ નાનકડા પંખીના જીવનરસની વાર્તા આ પુસ્તકમાં છે.
આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે ફફડ્યા જ કરે છે. આ એવા લોકો માટે એક વાર્તા છે કે જેઓ તેમના હૃદયના પગલે ચાલે છે અને પોતાના નિયમો બનાવે છે. જે લોકો કંઈક સારી રીતે કરવાથી વિશેષ આનંદ મેળવે છે, ભલે તે પોતાના માટે જ હોય !
વધુ આનંદ તો પુસ્તકને વાંચીને જ આવશે પણ હા..
મીરાબેનના અનુવાદિત આ પુસ્તકની પ્રસ્તાવના શબ્દસહ અહી ટપકાઉ છું. એ વાંચવામાં વધારે આનંદ આવશે.
“વર્ષો વીતી ગયાં એ વાતને. રેલગાડીમાં બેસી કયાંક બિહાર-આસામનો પ્રવાસ ખેડી રહી હતી. કોઈક સ્ટેશને બારીમાંથી અચાનક પુસ્તકોની લારીમાં ‘Jonathan Livigstone Seagull’ પુસ્તક જોયું. એની ખ્યાતિ મારી પાસે પહોંચી ગઈ હતી. પછી તો કેડો મૂકે એવું એ પુસ્તક ક્યાં હતું ? મિત્રોમાં એને મમળાવતી રહી. ત્યાં ‘નવનીત’ નાં સંપાદિકા કુન્દનિકાબહેનનું નિમંત્રણ મળ્યું કે પુસ્તકનો સંક્ષેપ કરી આપો. અને ‘સાગરપંખી’ ગુજરાતી પરિવેશ ધારણ કરી જમીન પર જેવું ઊતર્યું તેવું ગુજરાતના સુજ્ઞ વાચકોએ એને વહાલપૂર્વક વધાવી લીધું. પછી તો ‘વિચાર વલોણું’ નાં સંપાદક શ્રી સુરેશ પરીખે એને પુસ્તકાકારે ત્રણ-ચાર આવૃત્તિમાં પ્રગટ કર્યા કર્યું. અને પાઠકો એને ઉમળકારભેર આવકારતા રહ્યા. પરંતુ છેલ્લાં ઘણાંયે વર્ષોથી ‘સાગરપંખી’ અપ્રાપ્ય બની ગયું હતું અને જાણ્યા-અજાણ્યા અનેક મિત્રો સતત એની માગણી કરતા રહેતા હતા. એટલે એ સૌની લાગણીનો પડઘો પાડવા માટેની આ નવી આવૃત્તિ સૌ પાઠકો સમક્ષ પ્રસ્તુત છે.

આવું ઉમળકાભેર વધાવવા જેવું આખરે છે શું આ નાનકડી પુસ્તિકામાં ? મેં એક ગ્રંથપાલને આ પુસ્તક વસાવવા સૂચવ્યું તો મને સાંભળવા મળેલું કે, ‘હું વાંચી ગયો છું એ ચોપડી. ખાસ કશું છે નહિ એમાં. એક પંખી આમતેમ ઊડ્યા કરે છે.’ હું આ જવાબ સાંભળી થીજી ગયેલી. જે પુસ્તક મને આટલું બધું હલાવી ગયું એમાં એમને કશું ના જડ્યું ? ઉપર ઉપરથી પાનાં ફેરવી જઈએ તો આવું જ લાગે. ન કોઈ વિશેષ ઘટના, ન નાયક-નાયિકા, ન કોઈ ખલનાયક. વાત માત્ર એક પંખીની અને એની પાંખોના ફફડાટની.

‘જોનાથન’ એક નાનકડું સાગરપંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કંઈક જુદું પડે છે. જ્યારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊંચાઈઓ આંબવા. આ સાગરપંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર !

આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે જ ફફડ્યા કરે છે. એને જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે છે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમ પ્રાણ છે. આપણું આ સાગર પંખી પણ એવું જ છે. એને દૂર દૂર ગગનમાં ઊંચે ઊડવું છે, પરંતુ આગળ વધવા ઈચ્છનાર ક્યા સાધકની યાત્રા નિર્વિધ્ન રહી છે કે એની રહે ? જમાતમાં પાછળથી ટાંટિયા ખેંચનારા હાજર જ હોય છે. જોનાથનને પણ માબાપ વ્યવહારડાહી વાતો સમજાવે છે, ‘બેટા, શા માટે આમ અમથો ઊડાઊડમાં સમય વેડફી મારે છે ? એના કરતાં માછલાં પકડવાની જુદી જુદી રીતો શીખી લેતો હો તો ?’ સામાન્ય સાગરપંખીને હજાર ફૂટ ઊંચે ઊડવા મથતો જોઈ જ્ઞાતિના લોકો આડા ફરી વળે છે, ‘હવેથી તું ન્યાત બહાર ! કારણ, તેં બેજવાબદારી દાખવી છે. ત્યારે નાનકડું પંખી આક્રોશ કરી જિંદગીનો પાયાનો પ્રશ્ન પૂછી બેસે છે, ‘અરે ! જીવનમાં પ્રયોજન શોધવું, પ્રયોજનને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય ?’ પણ લોકોને તો એક જ વાત કહેવી છે કે ‘આપણો સંબંધ પૂરો થાય છે.’ હરિનો મારગ પસંદ કરનારને હંમેશા આમ જ એકલા, અટૂતા ચાલવું પડ્યું છે. સાંપ્રત સમાજે એના રસ્તા પર કાંટા જ કાંટા વેર્યા છે. પૃથ્વી પરની ધર્મસભાઓ ધર્માત્મા માટે કેદખાનાં જ સિદ્ધ થતી આવી છે. પણ પંખી અટકતું નથી. એનું ઉડ્યન ચાલુ જ છે. મથામણો પણ. એને છેવટે સિદ્ધિનો પહેલો મુકામ આવે છે, જ્યાં પ્રકાશ છે, વ્યાપક વિસ્તાર છે અને તારોજ્જવળ પાંખોવાળા શાંત, સૌમ્ય હમસફર છે.

પરંતુ જીવનયાત્રા કોઈ એક મુકામમાં તો પૂરી કેવી રીતે થાય ? નિત્ય-નિરંતર નવીન મંજિલો ખોલી આપે એનું નામ તો છે જીવન. એ નવા મુકામ પર પણ સાગરપંખી એક વયોવૃદ્ધ ગુરુસમા વડીલ પંખીને એક વાર પૂછી બેસે છે, ‘ચ્યાંગ, મને સાચેસાચ કહો, આ સ્વર્ગ નથી ખરું ને ?’ – સ્વર્ગ એટલે અંતિમ મુકામ. ત્યાર ચ્યાંગ મજાકમાં કહે છે, ‘તું હવે શીખવા લાગ્યો છે.’ યાત્રા એ યાત્રા છે, મુકામ નથી – જીવનનું આ તથ્ય જોનાથન પકડે છે ત્યારે ગુરુ કહે છે કે હવે તું મર્મ પકડવા લાગ્યો છે. અને પછી ચ્યાંગ જોનાથન સમક્ષ જીવનનું ગર્ભિત રહસ્ય, જીવનનો મર્મ ખોલી આપતાં કહે છે, ‘જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં વસે છે, ન કોઈ કાળમાં. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો છે સ્વર્ગ.’

બિલકુલ આપણા ઉપનિષદોની વાત. સ્થળાતીત કાળાતીત અસીમ અનંત શાશ્વતીમાં સ્થિર થવાની વાત. માણસે પોતાનાથી બહાર બીજે ક્યાંય પહોંચવાનું નથી. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. પૂર્ણગતિ એટલે અત્યંત વેગમાં ગોળગોળ ફરતા ભમરડાની સ્થિર ગતિ. પરંતુ જુઓ કમબખ્તી ! જ્યાં પહોંચવા માટે જનમ ધરીને સતત તરફડતાં રહી, મથામણો કરતાં રહી અંતે મુકામ સર કર્યો. પણ ત્યાં પહોંચ્યા પછી શું ? ઈશ્વરે માનવમાં એવું હૃદય મૂક્યું છે કે એ સુખ કે દુ:ખ તો એકલો ભોગવી જ શકતો નથી, પણ મુક્તિ પણ એકલો ભોગવી શક્તો નથી. જીવનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા પછી પોતાના માદરે વતનની તળેટીમાં ઊંચાઈ આંબવા મથતાં જીવ એને સાંભરી આવે છે અને એ મજબૂર બને છે નીચે ઊતરવા.

શ્રીરામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધી આમ જ સહુજનહિતાય – સહુજનસુખાય પાછા ધરતી પર આવે છે અને ઊંચે ચઢવા ઈચ્છનાર માટે હાથ લાંબા કરે છે. માણસ જ્યારે સમગ્રતામાં જીવે છે, ત્યારે જ જીવનને સમગ્રપણે જીવી શકે છે. આપણા સાગરપંખીને પણ જીવનની સમગ્રતાની ચાહત છે, એટલે ફરી પાછો હજારો ફૂટ નીચે પાછો ઊડીને પોતાના સાગરકાંઠાના જાતબંધુઓ સમક્ષ આવીને ઊભો રહે છે. જિજ્ઞાસુ અને મથનારા જીવોને એ મમતા અને વાત્સલતાપૂર્વક ઊંચે ઊડતાં જ માત્ર શીખવતો નથી, પોતાને તિરસ્કારતાં જ્ઞાતિબંધુને પણ કરુણાપૂર્વક સમજવાની કળા શીખવે છે, ‘ફ્લેચર, તું એમના પર ગુસ્સે ન થઈશ. તારો બહિષ્કાર કરી એમણે પોતાનું જ નુક્શન કર્યું છે. એમની ઘૃણા કે ઘૃષ્ટતા સામું ન જોઈશ. આપણે તો તેમને મદદ કરવાની છે.’ જોનાથનનું આ અવતાર-કાર્ય ખૂબ સુંદર અને કળાત્મકરૂપે અહીં પ્રગટ થયું છે. એની વાણીમાં ક્યારેક ઈશુ વંચાય, તો ક્યારેક ભગવાન બુદ્ધ !

અને કદી ન કદી તો અવતારે પણ સંકેલો કરવો પડે છે. હવે જોનાથન પણ મહાપ્રયાણ માટે તૈયારી કરે છે, પરંતુ પાછળ બીજો એક જોનાથન મૂકી જાય છે. પોતાના ઉત્તરાધિકારી ફલેચરને જતાં જતાં જીવનનું એક બીજું મહાસત્ય કહેતો જાય છે, ‘ફલેચર, મહેરબાની કરીને પાછળથી મને ભગવાન ન બનાવી દઈશ. પંખી માત્રમાં અસીમ આત્મા પડેલો છે. એને વધુ ને વધુ ઓળખવો, પામવો એ જ જરૂરી છે.’ આમ કહી સાધારણ માનવમાં પણ જે અપ્રગટ સંભાવના પડી છે, તેની સામે અંગુલિનિર્દેશ કરી ફલેચર માટે શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી આપી જોનાથન અંતિમ વિદાય લે છે.

આમ, આ છે એક આતમપંખીનો ફફડાટ, ઉંચાઈઓ અને અનંતતાઓ આંબવાની મથામણ, પોતાનામાં જ સ્થિર થઈ વિશ્વમય અનુભવવાની કળા અને ત્યાર પછી પણ ગાંધીચીંધ્યા ‘સાવ છેવાડે ઊભેલા માણસ’ ને ન ભૂલવાની વાત.

અમારો એક યુવા મિત્ર. સાગરપંખીનો અનહદ પ્રેમી એટલે મારા પણ પણ અપાર પ્રેમ ઢોળે. કહે, ‘પહેલાં ગુજરાતી ‘સાગરપંખી’ વાંચ્યું. ખૂબ ગમ્યું. ત્યાં ખબર પડી કે આ કથા ફિલ્મમાં પણ રૂપાંતરિત થઈ છે. એ પણ એટલી જ ગમી. એને થયું કે મારા સાગરપંખીનાં મીરાંબહેન સાગરપંખીની વાતને ફિલ્મરૂપે ન જુએ તે કેમ ચાલે ? અને એ મુંબઈથી વિડિયો કેસેટ લઈ આવ્યો, પોતે જ ક્યાંક વ્યવસ્થા કરી અમને ફિલ્મ જોવા લઈ ગયો. અને હું શું કહું ? – જીવતા-જાગતા, ઊડતા-પડતા-આખડતા-અથડાતા જોનાથનને જોઈને હું તો પાગલ જ થઈ ગઈ. પુસ્તકની છબીકળા તો સુંદર હતી જ પણ ચિત્રપટની છબીકળા તો અદ્દભુત ! વળી તેમાં સુંદર સંગીત અને અદ્દભુત કથનશૈલી ! પ્રઘોષકનો ઘેરો પહાડી અવાજ ! – સો વાતની એક જ વાત ! સાગરપંખીના પ્રેમીઓ આ ફિલ્મ અચૂક જુએ !

કથામાં આવતું એક લંગડાતું મેનાર્ડ પંખી જ્યારે આકાશમાં ઊંચે ઊડી શકે છે અને આકાશમાં, ‘I can fly, I can fly’ ના ઉલ્લાસોદ્દગાર કાઢે છે, એ તો ઘણી વાર અડધી રાતે મને આજેય ઊંઘમાંથી ઉઠાડી મૂકે છે. ‘સાગરપંખી’ પુસ્તકનું હાર્દ હૃદયમાં એટલું ઘૂંટાતું રહ્યું છે કે આજે જોનાથન લિવિંગ્સ્ટન મને વિનોબા જેટલો જ વહાલો અને આત્મીય થઈ પડ્યો છે. જેમને મન જીવન કેવળ સાગરકાંઠાના પાણીમાં છબછબિયાં કરી પૂરું કરી લેવાની ચીજ નથી અને જેઓ જીવનની ગહનતાના કંઈક ભાગ પામવા ઝંખે છે તેવા સૌ જીવનપ્રેમીઓને આ પુસ્તક વાંચી જવાની મારી પ્રેમાગ્રહભરી વિનંતી છે.

આપણા એક કવિએ ગાયું છે – ‘આભ ભરીને ઊડતાં હજુ શીખવું મારે…’ માનવમાત્ર આભ ભરીને ઊડતા શીખવાનું ઝંખે એ જ ઝંખના.” – મીરાં ભટ્ટ

આ ઉપરાંત મને આ પુસ્તકમાં ગમી ગયેલા અમુક વાક્યો:
– “Howmuch more there is now to living! Instead of our drab slogging forth and back to the fishing boats, there’s a reason to life! We can life our selves out of ignorance, we can find ourselves as creatures of excellence and intelligence and skill! We can be free! We can learn to fly”
– “There is no such place like Heaven. Heaven is not a place and it is not a time. Heaven is being perfect”
– “Break the chain of your thoughts and you break the chains of your body,too”‘

આ પુસ્તકને સાંભળવું હોય તો : https://www.youtube.com/watch?time_continue=679&v=8COt1n3jDqA

અમૃતા

પાન : ૩૨૦
કીમત: ૨૦૦ રૂ.
Capture.PNG
ઇ.સ.૧૯૬૬માં પ્રગટ થયેલી અમૃતા નવલકથા એ રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કૃતિ છે. ‘અમૃતા’ નવલકથા લેખકે માત્ર ૨૭ વર્ષની ઉંમરે લખી હતી. ‘અમૃતા’ નવલકથા એકબીજાનાં પ્રણયસંબંધથી જોડાયેલા ત્રણ પ્રેમીઓની – એક સ્ત્રીની અને બે પુરુષની પ્રણયકથા છે. અમૃતા, અનિકેત અને ઉદયન – આ ત્રણ પાત્રોની આજુબાજુ જ અમૃતા નવલકથાનું કથાવસ્તુ ઘડાયેલું છે. ત્રણેય પાત્રો શિક્ષિત, યુવાન અને બુદ્ધિમાન છે.
અમૃતા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે ઉદયન અને અનિકેત એને અભિનંદન આપવા આવે છે, ત્યાંથી આ કથાનો આરંભ થાય છે. આ ત્રણેય પાત્રોમાં સ્વભાવગત ભિન્નતા રહેલી છે.

અમૃતા શિક્ષિત તેમજ સમજુ સ્ત્રી છે. એના હ્રદયમાં અનિકેત પ્રત્યે પ્રેમભાવ છે, પરંતું ઉદયનને છોડવો એ એની કસોટીરૂપ છે. બન્નેમાંથી કોની પસંદગી કરવી એના માટે એને સ્વતંત્ર પસંદગીનો અધિકાર જોઇએ છે. અમૃતાને મતે માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી તો અન્યને તો કેવી રીતે ઓળખી શકે? એથી બીજાને ઓળખવા કરતા જાતે જ અનુભવ લેવામાં માને છે.
ઉદયન અઠંગ અસ્તિત્વવાદી છે. ઇશ્વરમાં માનતો નથી. પોતાની જાત પર ખૂબ અભિમાન છે. ઉદયને અમૃતાનાં વિકાસમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હોવાથી અમૃતા પ્રત્યે એને પ્રેમની લાગણી જન્મે છે. એ એવું ઇચ્છે છે કે, અમૃતા સ્વયં સમજશક્તિથી એના પ્રેમનો સ્વીકાર કરે.

પરંતું બને છે એવું કે ઉદયનનો મિત્ર અનિકેત – જેનો પરિચય ખુદ ઉદયને અમૃતા સાથે કરાવ્યો હતો તે – સમય જતાં અમૃતાનાં હ્રદયમા વસી જાય છે. અહી અમૃતા પુરુષ પસંદગીની બાબતમાં દ્વિધા અનુભવે છે. કથાનાં પૂર્વાર્ધમાં એ અનિકેત પ્રત્યે વિશેષ હ્રદય-રાગ ધરાવે છે. અમૃતા અને અનિકેતમા નિતાંત મુગ્ધતા છે, જ્યારે ઉદયનમા મુગ્ધતાનો અભાવ વર્તાય છે. એટલે જ અનિકેતને અમૃતા ચાહે છે એ વાતની ખબર પડતા ઉદયન અકળાઇ ઊઠે છે. એનાથી એ બાબત સહન થતી નથી. એટલું જ નહીં આવેશમાં આવી ઉત્તેજિત થઇ અમૃતા પર હાથ ઉપાડવાની  અને એના કપડાં ફાડી નાખવા સુધીની ક્રિયા કરી નાખે છે. એનામા પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓ એટલી હદે વ્યાપેલી છે કે તે સત્યને જીવનનાં અંત સુધી સ્વીકારી શકતો નથી. કથાનાં અંતમાં અમૃતાનો સમર્પણભાવ જ ઉદયનના ખોટા ખ્યાલોનો અને પૂર્વગ્રહોનો છેદ ઉડાડે છે.

અનિકેત વનસ્પતિશાસ્ત્રી હોવાની સાથે સાથે અનેક શાખાનો જ્ઞાતા છે. એ ઇશ્વરમાં આસ્થાવાળો તેમજ ઐન્દ્રિય અને તર્કગત બાબતોનો સ્વીકાર કરનારો છે. અન્યને અનુકૂળ થવા એ હમેશાં તૈયાર રહે છે. એ ઉદાર અને પ્રેમાળ છે. જ્યારે અમૃતા એની પ્રત્યે આકર્ષાય છે તેની પોતાને જાણ થતાં અમૃતા અને ઉદયન વચ્ચે અવરોધરૂપ ન બને એથી એ બન્નેથી દૂર જતા રહેવા વિચારે છે. પરંતું અમૃતાથી દૂર થવાના વિચાર માત્રથી વિવશ-બેચેન બની જાય છે. એનું સમગ્ર અસ્તિત્વ હચમચી જાય છે. અનિકેત વૈજ્ઞાનિક હોવાની સાથે સુસંસ્કૃત પુરુષ છે. જ્યારે અમૃતા અનિકેતના ઘરે આવે છે ત્યારે અનિકેત જે રીતે એનો આદર-સત્કાર કરે છે, તેમાં અનિકેતની એક સભ્ય અને સંસ્કારી પુરુષ તરીકેની છાપ ઊભી થયા વિના રહેતી નથી.

ઉદયન અધ્યાપક, પત્રકાર અને વાર્તાકાર છે. તે ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતા વર્તમાનને વધારે સ્વીકારે છે. ઉદયન કોઇ પર આધાર રાખવામા માનતો નથી. સ્વબળે જ પોતાનો વિકાસ સાધવાની ઇચ્છાવાળો છે. પરંતું જ્યારે તે ભિલોડામાં ખૂબ બિમાર પડે છે અને અમૃતા એની સાચા હ્રદયથી સેવા કરે છે ત્યારે એને પોતાનાથી ભિન્ન એવા અન્યની સેવાનો સ્વીકાર કરવો પડે છે. હિરોશિમાથી લ્યુકેમિયાની અસાધ્ય બિમારી લઇને આવેલા ઉદયનનુ અમૃતાની સેવાચાકરીથી અને વિશુદ્ધ સમર્પણયુકત પ્રેમથી હ્રદય પરિવર્તન થાય છે. અને તે મૃત્યુ પામતા પહેલા ઇશ્વરનાં અસ્તિત્વમાં માનતો થઇ જાય છે.
અમૃતા, ઉદયન અને અનિકેત વચ્ચે સ્ત્રી-પુરુષોનાં સંબંધોને લઇ મુક્ત ચર્ચાઓ થાય છે. ત્રણેય પાત્રો એકબીજાનો સહવાસ ઇચ્છે છે. ત્રણેય પાત્રો એકબીજાને બળજબરીથી મેળવવામાં નહીં પણ સમજણપૂર્વક સ્વીકાર કરવામાં માને છે. ત્રણેય પાત્રો જુદાજુદા સમય, સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિમાથી પસાર થઇ કથા વિકાસમાં વેગ લાવે છે. એ રીતે જોઇએ તો આ અમૃતા, ઉદયન અને અનિકેતની વ્યક્તિકથા બની રહે છે.  

લેખકને અહીં ત્રણેય પાત્રોનાં ચિત્રણમાં પાત્રનિરૂપણરીતિ દ્વારા માત્ર પાત્રોનાં પ્રણયભાવને રજૂ કરવાને બદલે પાત્રોના અસ્તિત્વને ઉજાગર કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. કથામાં ઘટના બહુ ઓછી છે.પાત્રોના માનસમાં ચાલતું મંથન એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને તેટલી સુક્ષ્મતાથી થઇ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયોગ કરેલો છે. કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોચ્યા વગર જંપવા દેતી નથી, એ લેખક ની સફળતા દર્શાવે છે.