પહેલો વિશ્વપ્રવાસ

વિશ્વપ્રવાસ! વર્લ્ડ ટુર! આ સાંભળીને જ કેટલી ખુશી મળે નહિ ? કદાચ બધાનું એવું સપનું તો હોય જ કે આખી દુનિયા ફરું.. અમેં પણ ક્યારેક એ સપનું જોયેલું પણ એ આટલું જલ્દી પૂરું થશે એ ન હતી ખબર 🙂 આ સપનાને પૂર્ણ કરવાના બીજ રોપાયા અમારા સાન ફ્રાન્સિસ્કોના સફળ 4 મહિનાના રહેવાસ પછી! અમે સાન ફ્રાન્સિસ્કો 4 મહિના રહ્યા એમાં ખુબ મજા કરી તો થયું આમ જ આપણે 2020માં વિશ્વપ્રવાસ કરીએ તો?
બીજું મોટું કારણ વિશ્વપ્રવાસ પાછળનું એ કે અમેરિકા છોડીને ભારત હંમેશા માટે પાછા ફરવું અને એ પહેલા પ્રવાસ કરવો એ પણ માત્ર એક બેગપેક સાથે, માત્ર 5 જોડી કપડામાં, 3-4 મહિના સુધી 🙂
પછી ચર્ચા થઇ કે ક્યાં ક્યાં જવું? સાઉથ અમેરિકામાં અમને થોડો રસ પહેલેથી હતો કેમ કે એ દેશમાં એકલા બેગપૅકીંગ કરવાની મજા આવે એમ છે, જ્યાં હાઇકીંગ, ટ્રેકિંગ સાથે ફરી શકાય, અને સાઉથ અમેરિકા વિષે ઓછા લોકો પાસેથી સાંભળ્યું છે! પછી આવ્યું મિડલ ઇસ્ટ – એમાં ઇઝરાયેલ એ અમારે બંનેને જોવું હતું એટલે એ નક્કી થયું અને ટર્કી અને ઇજિપ્ત! જાપાન પણ હતું લિસ્ટમાં પણ એ કાઢી નાખવું પડ્યું, સમયના અભાવના કારણે!
ધીમે ધીમે તારીખ વિષે નક્કી કરવાની વાત થઇ અને 1 માર્ચ નક્કી કરી! અને શરુ થઇ એક પછી એક વિઝા લેવાની રામાયણ!
પહેલા કયા દેશમાં કેટલા દિવસ ફરવા જવું ? શું ખાસ જોવું? કેટલા દિવસ જોઈશે? ઢગલાબંધ બ્લોગ્સ વાંચ્યા, પુસ્તકો વાંચ્યા, વિડીયો જોઈ અને ખાસ ફરવાના અમુક સ્થળો નક્કી કર્યા. એક ડાયરી બનાવી જેમાં દેશના નકશા દોર્યા અને કયો વિસ્તાર ક્યાં છે અને ક્યારે જોવો એ નકશામાં ચીતરતા ગયા.

વિઝા: જો તમે ભારતના નાગરિક હોવ તો તમારે મોટા ભાગે બધા દેશના વિઝા લેવા પડે અને દરેક દેશના વિઝીટર વિઝા 3 મહિનાના જ મળે એટલે એ કામ અમારે જાન્યુઆરીથી શરુ કરવાનું હતું. અમારા બંને પાસે અમેરિકાના વિઝા હતા એટલે થોડું કામ સરળ રહ્યું. મૉટે ભાગે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સમાં બધા દેશની વિઝાની એમ્બસી છે. તમારે ઓનલાઇન એપ્લિકેશન કરીને પછી તમારા પાસપોર્ટ, ડોક્યુમેન્ટ બધું મોકલી દેવાનું અને 4-10 દિવસમાં વિઝા થઈને પાસપોર્ટ ઘરે આવી જાય. અમે પહેલા બ્રાઝીલના વિઝા લીધા, જેમાં રૂબરૂમાં એમ્બસી જવાનું હતું અને ઇન્ટરવ્યૂ આપવાનું હતું. ચીલે અને પેરુ માટે જો તમારી પાસે અમેરિકા કે કેનેડા ના વિઝા હોય તો લેવાની જરૂર નહિ. આર્જન્ટિનાના વિઝા માટે અમારા ડોક્યુમેન્ટ લોસ એન્જલ્સ ગયા હતા અને ઇન્ટરવ્યૂ અમે વોટ્સએપ ઉપર આપેલું! તુર્કીના ઈ-વિઝા 5 મિનિટમાં મળી જાય છે ઓનલાઈન! ઇઝરાયેલ અને ઇજિપ્તના વિઝા અમે એમ્બસીમાં ડોક્યુમેન્ટ મોકલીને મેળવેલા. મોટા ભાગે એક વિઝા માટે પાસપોર્ટ જાય એટલે બીજા દેશના વિઝાની એપ્પ્લીકેશન તૈયાર રાખવાની, જેવો પાસપોર્ટ પાછો આવે એટલે એન્વેલોપમાં મૂકીને બીજા દેશ માટે મોકલી દેવાનો! દરેક દેશ ત્યાંની ફ્લાઇટનું બુકીંગ, હોટલનું બુકીંગ પણ માંગે એટલે અમે બુકીંગ કરાવીને, પ્રિન્ટ કરીને પછી કેન્સલ કરતા હતા કારણ કે અમારી તારીખો નક્કી ન હતી.

ઘર ખાલી કરવું : અમેરિકામાં 6 વર્ષ રહ્યા એમાં 1 BHK, 2 BHK, સ્ટુડિયો (HK), 3 BHK હોઉસ એમ 7 ઘર બદલ્યા અમે! પણ એનો ફાયદો એ થયો કે અમે જરૂર વગરના સમાનનો નિકાલ કરી દેતા એટલે ખાસ એટલો સમાન હતો નહિ પણ નાની નાની વસ્તુઓ વિચારવા જઈએ તો શું ના હોય એક ઘરમાં? ધીમે ધીમે બધું વેચવાનું, દાનમાં આપવાનું શરુ કર્યું. વેચવા માટે અમે ફેસબુક માર્કેટપ્લેસ, ઈબે ખુબ કામ લાગ્યા. ઘરની મોટા ભાગની વસ્તુઓ એના પર જ વેચાઈ ગઈ. ગાડી અમે લોકલ ઓનલાઇન માર્કેટ(craiglist) પર વેચી. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ, વાસણો મિત્રોને આપ્યા અથવા દાન કર્યા. થોડો સમાન મમ્મી સાથે મોકલ્યો, થોડો મિત્ર પાસે અને છેલ્લે 4 બોક્સ અમે ભારત મોકલ્યા. આ બધું 2 મહિનામાં કર્યું ! એ સાથે અનુજની નોકરીનું બેંગલોરમાં ટ્રાન્સફર, રોજની મિટિંગો, ટિમ નક્કી કરવી, બધાને મળવું, એ બધું તો ખરુજ 🙂

ટ્રીપ પ્લાનિંગ : અમે ડોક્યુમેન્ટ શેર કરી રાખ્યા હતા જેમાં જે કઈ વાંચે એમાં લખતા જાય. અમારે પેરુમાં માચુ પિચુની હાઈક કરવી હતી એટલે એનું બુકીંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે એપ્રિલ ની શરૂઆત સિવાય એકપણ દિવસ બુકીંગ મળે એમ નથી એટલે અમે એનું પહેલા બુકીંગ કરાવ્યું અને પછી અમારો પ્લાન બન્યો કે પહેલા ચિલે જવું પછી આર્જેન્ટિના અને પછી પેરુ. એટલે પછી ચીલેની ટિકિટ કરાવી 1 માર્ચની અને ત્યાંની હોસ્ટેલનું બુકીંગ. એમ કરીને પહેલા 25 દિવસનો તૂટક પ્લાન જેવું બન્યું અને બાકીનું તો જેમ ફરીએ છીએ એમ કરતા જઈશું.

ટ્રીપનો સામાન : નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારે એક બેગ પેકમાં જ 3-4 મહિના ફરવું હતું એટલે સૌથી પહેલા સારામાં સારી બેગપેક લીધી, જેમાં એન્ટી ગ્રેવિટી સિસ્ટમ હોય કે બધો ભાર કમર ઉપર આવે અને ખભા ઉપર નહિ. REI, Decathlon એ સરસ દુકાન છે આ બધી વસ્તુ ખરીદવા માટે. પછી કપડાં કેવા લેવા એ નક્કી થયું. અમે પેટાગોનિઆ જવાના હતા જ્યાં ઠંડી અને વરસાદ હોય અને એમાં પણ હાઇકીંગ કરવાના હતા અને પછી ગરમીમાં મૉટે ભાગે શહેરો ફરવાના હતા એટલે એ પ્રમાણે એન્ટી-સ્વેટ, ગરમ રાખે એવી ટીશર્ટ, એક જેકેટ, એક રેનકોટ, ટ્રેકિંગ પેન્ટ, ટોપી, હાથમોજા લીધા અને આ બધું વજનમાં એકદમ હલકું હોવું જોઈએ અને જલ્દી સુકાઈ જાય એવું અને પરસેવો ચૂસી લે એવું હોવું જોઈએ!
packing3
આ મારા કપડાં: 3 આખી બાયની ટ્રેકિંગ ટીશર્ટ, 2 કોટન ટીશર્ટ, 2 કોટન ટોપ, 1 હાઇકીંગ પેન્ટ, 1 જીન્સ, 4 લેગિન્સ, ટ્રાવેલ ટુવાલ, નાઈટ ડ્રેસ (આખી બાય નો લેવો સારો), 1 હાઇકીંગ વોટરપ્રુફ શૂઝ, 1 સ્પોર્ટ્સ શૂઝ, 1 સેન્ડલ, 1 ઠંડીનું જેકેટ, 1 રેનકોટ, ઠંડીની ટોપી, ગરમીની ટોપી, હાથમોજા, પગના મોજા (5 જોડી), અંદરના કપડાં (6 જોડી), 4 કોટન દુપટ્ટા (ટુવાલ તરીકે, પાથરવા માટે, સ્કાર્ફની જેમ વાપરવા).
packing2
બીજો અગત્યનો સામાન : વોલ્ટેજ કન્વર્ટર, મોબાઈલ ચાર્જર, લેપટોપ, ચાર્જર, કેમેરો, ચાર્જર, કેમેરા બેટરી, બેટરી પેક, USB કેબલ, ઈયર પ્લગ, વાઈપ્સ, સેનિટાઇઝર, વૉટર ફિલ્ટર (જે કામ લાગ્યું નથી કારણકે અમે બધી જગ્યાના, ઝરણાંના પાણી પિયે છીએ), ક્રીમ, સનસ્ક્રીન લોશન, મોસ્કીટો રેપેલન્ટ, ટુથબ્રશ, ટ્યુબ, પાણીની રીયુઝેબલ બોટલ, સ્ટીલની ગરમ અને ઠંડુ રાખી શકે એવી ખાસ, મસાલા ( ખુબ કામની વસ્તુ- હોસ્ટેલમાં જમવાનું જાતે બનાવવામાં આ ખુબ કામ લાગશે ), દવાની કીટ, સનગ્લાસ, પૈસા કેશમાં, લિપબામ, હેડ લાઈટ(હાઇકીંગમાં કે રાત્રે ચાલવામાં ખાસ કામ લાગે એ ઉપરાંત તમે હોસ્ટેલમાં રૂમમાં 4 જણ રહેતા હોય અને બીજાને ખલેલ ન પહોંચે એટલે આ લાઈટ લગાવીને કામ કરી શકાય), કપડાંના પાઉચ (જેમાં અલગ અલગ કપડાં મૂકી શકાય અને ગંદા કપડાં પણ), થોડીક ઝીપલોક બેગ્સ, અને વરસાદમાં ના પલળે એવી બેગ્સ, 4 તાળા (2 બેગને મારવા અને 2 હોસ્ટેલમાં કબાટ ઉપર મારવા માટે ) , બોડીવૉશ, શેમ્પુ, લોનડ્રિ લિક્વિડ (હોસ્ટેલમાં આ 3 વસ્તુ નહિ હોય એટલે ખાસ લેવી ), ડિઓડરન્ટ

રસી અને દવા : દક્ષિણ અમેરિકાના અમુક વિસ્તારમાં ફરવા જવું હોય (જેમ કે એમેઝોનના જંગલો) તો અમુક રસી જરૂરી છે નહિ તો એના વગર તમને જવા ના દે. એટલે અમે ટ્રાવેલ ડોકટોરને મળ્યા અને ત્યાંથી ટાઇફોઇડ, હેલેટાઇટિસ, રૅબીઝ, યલો ફીવર ની રસી લીધી અને મેલેરિયા, જાડા, તાવ ની દવાઓ પણ. રસી મુકાવો એની સાથે એક પીળું કાગળ આપે જેમાં રસી મૂકી છે એની માહિતી લખી હોય એ સાથે રાખવું ખુબ જરૂરી છે. આ ઉપરાંત બેન્ડએડ, વિક્સ, શરદીની દવા, એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક ક્રીમ, કાન સાફ કરવાના ક્યૂટિસ, થર્મોમીટર, ત્રિફળા ચૂર્ણ, લવિંગ, કુશલ કંઠીલ, આયોકેક્સ પણ સાથે લીધા.medicine
અમુક ખાવાની વસ્તુઓ:  આમ તો ખાવાનું 15 દિવસથી વધારે રહેશે નહિ પણ શરૂઆતમાં જયારે નવી જગ્યાએ ગોઠવાતા હોઈએ ત્યારે કામ લાગે છે. સૂકા મેવા, એનર્જીબાર, ખજૂર  લાડુ, સુખડી, ચીક્કી
packing1
બેગ : મારી બેગ ઓસ્પ્રે કંપનીની ફેરવ્યુ ટ્રેક 50 છે (50 લીટર – https://www.youtube.com/watch?v=4AT95yYId_I) જેમાં રેન કવર અને એર કવર પણ હોય જેથી ફ્લાઇટમાં બેગને કવરમાં મુકવાની નહિ તો એના પટ્ટા તૂટી જાય. બીજી નાની ડેપેક કે એક દિવસ ફરવા લઇ જવા માટે કામ લાગે અને ત્રીજું નાનું મનીપેક જેમાં પાસપોર્ટ, પૈસા, કાર્ડ મૂકીને એને પેટ ઉપર પહેરી શકાય.
packing4
અને અમે તૈયાર ! (મોટી બેગપેકની પાછળ નાની બેગપેક પણ લગાવી શકાય)

Alaska Trip (અલાસ્કાનો પ્રવાસ)

ઉનાળામાં અમારી અલાસ્કા જવાની ઈચ્છા હતી. મૉટે ભાગે અમે જાતે જ અમારી ટ્રીપ હંમેશા નક્કી કરીએ જેમાં ફરવાના સ્થળ, વિમાનની ટીકીટ, ગાડી ભાડે કરવાની, હોટેલ બુક કરવાની, વગેરે. પણ આ વખતે અમે કંઈક નવું કરવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે ક્રુઝમાં અલાસ્કા જઈએ!

અમેરિકામાં અલગ અલગ જગ્યાએ થી ક્રુઝ આજુબાજુના ટાપુ માટે ઉપડે અને લોકોમાં એનો ઉત્સાહ પણ ખુબ હોય છે. ક્રુઝની અલગ અલગ કંપનીઓ હોય જેમાં અલગ અલગ પેકેજ હોય. અમે કોસ્ટકો ટ્રાવેલ્સ કંપનીમાંથી 11 દિવસની અલાસ્કાની ક્રુઝનું બુકીંગ કરાવ્યું.

આ બુકીંગમાં ઘરેથી વિમાનમાં કેનેડા જવાનું અને ત્યાંથી ક્રુઝમાં બેસવાનું અને પાછા અલાસ્કાથી વિમાનમાં ઘરે આવવાનું ત્યાં સુધીનું બધું જ બુકીંગ એમાં આવી જાય. 11 દિવસનું રહેવાનું, જમવાનું પણ એમાં જ આવી જાય! એટલે વધારે મહેનત આપણે કરવાની ના રહે! હા, અલગ અલગ પેકેજ હોય એટલે અલાસ્કામાં ક્યાં જવું અને શું જોવું છે એ મુજબ પેકેજ નક્કી કરવાનું. અમારા પેકેજમાં 7 દિવસ ક્રુઝમાં રહેવાનું હતું અને 4 દિવસ અલાસ્કામાં. એટલે ક્રુઝ ઉપડે પછી રોજ સવારે અલાસ્કાના અલગ અલગ શહેરે ઉભી રાખે અને અમારે સવારથી સાંજ ત્યાં ફરવાનું અને સાંજે પાછી ક્રુઝ ઉપડે બીજા ગામે જવા!

એ ગામ કે શહેરમાં ઉતરીને પછી ત્યાં વિવિધ ટુર હોય એનું બુકીંગ તમારે કરાવવું પડે એના પૈસા આપણે આપવાના પણ બુકીંગની બધી જવાબદારી ટ્રાવેલ્સ કંપની જ હોય! તમે જાત્તે ઓનલાઇન સ્વત્રંત રીતે ટુરનું બુકીંગ પણ કરાવી શકો!

અમુક ટીપ્સ:

 • બને તો ફરીથી પહેરી શકાય એમ કપડા લેવા જેથી સમાન ઓછો થાય.
 • ક્રુઝમાં અનલિમિટેડ ખાવાનું મળે છે, ખાવાનું જોઈને થાકી જવાય એટલું ખાવાનું મળે છે, કે નાસ્તા ન લઇ જવાય તો પણ ચાલે. પણ એનેર્જી બાર, લાડુ, ચીક્કી, સૂકા મેવા લઇ જવા સારા.
 • હવામાન જોઈને જવું. અલાસ્કાના અમુક વિસ્તારો રેનફોરેસ્ટ છે એટલે રેનકોટ ખાસ લેવો. ક્રુઝમાં એક-બે સાંજે ફોર્મલ ડિનર હોય એટલે સૂટ ને ડ્રેસ લઇ જવા(એ વગર ત્યાં ડાયનરમાં જવા નહિ મળે 😀 )
 • અલાસ્કાનો ઉનાળો પણ ઠંડો હોય એટલે ગરમ કપડાં પણ લેવા.
 • એ ઉપરાંત લેવાની વસ્તુઓ : સારા ચશ્માં, ટોપી, સનસ્ક્રીન લોશન, રેનકોટ, ગરમ સ્વેટર, હાથ મોજા, ગરમ ટોપી, સારા વૉટરપ્રુફ બુટ, ટોર્ચ, રોકડા પૈસા, ડાયરી, પેન, કેમેરો(સારા લેન્સ સાથે), દૂરબીન, ટ્રાયપોડ, બેગ પેક, પાણીની સ્ટીલની બોટલ, સ્વિમિંગના કપડાં, સ્લીપર.
 • અમુક ગામની ટુર તમે ત્યાં પહોંચીને પણ બુક કરી શકો જે ટ્રાવેલ કંપની કરતા સસ્તી પડે છે.

પ્રવાસની રૂપરેખા: 

તારીખ (Date) સ્થળ આવવાનો સમય નીકળવાનો સમય
21 ઓગસ્ટ વેનકુવર, કેનેડા (Vancouver) 4:30 PM
22 ઓગસ્ટ ક્રુઝમાં (In Cruise)
23 ઓગસ્ટ કેચીકેન (Ketchikan) 6:00 AM  3:00 PM
24 ઓગસ્ટ જૂનો (Juneau) 8:00 AM 9:00 PM
25 ઓગસ્ટ સ્કેગવે (Skagway) 6:30 AM  8:30 PM
26 ઓગસ્ટ ગ્લેસિયર બે (Glacier Bay) 6:00 AM 3:00 PM
27 ઓગસ્ટ કોલેજ ફ્યોર્ડ (College Fjord) 6:00 PM 8:30 PM
28 ઓગસ્ટ વીટીયર, તલકીટના (Whittier, Talkeetna) 6:15 AM
29 ઓગસ્ટ દેનાલી નેશનલ પાર્ક (Denali National Park)
30 ઓગસ્ટ દેનાલી નેશનલ પાર્ક (Denali National Park)
31 ઓગસ્ટ ફેરબેન્કસ (Fairbanks)
1 સપ્ટેમ્બર ફેરબેન્કસ (Fairbanks)

કયા સમયે જવું? : અલાસ્કામાં ઋતુ પ્રમાણે જુદું જુદું સૌંદર્ય જોવા મળે.

 • વસંત (Spring) –  માર્ચ થી જૂન
 • ઉનાળો – જૂનથી સપ્ટેમ્બર
 • પાનખર (Fall) –  ઓગસ્ટ અંત થી મધ્ય ઓક્ટોબર
 • શિયાળો – ઓક્ટોબર થી માર્ચ

શિયાળામાં મોટા ભાગના પ્રાણીઓ સુષુપ્ત (hibernation) અવસ્થામાં હોય છે, બધે બરફ હોય એટલે વિન્ટર એક્ટિવિટી કરી શકાય। લાંબી રાત હોવાથી નોર્ધન લાઇટ્સ (અરોરા) શિયાળામાં વધારે જોવા મળે.

ઉનાળો અને પાનખર ઋતુમાં પ્રાણીઓ વધારે જોવા મળે, દિવસ લાંબો હોય, અને ટુરિઝમ માટેનો આ સૌથી પ્રખ્યાત સમય છે.

 

 

 

 

અમેરિકાની ટ્રેનયાત્રા

અમારી અમેરિકાની સૌથી લાંબી- કદાચ અમારા જીવનની અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન યાત્રા પાછળ જવાબદાર છે આ છાપાનો નાનકડો ટુકડો! મારા પપ્પા અમેરિકા, કેલીફોર્નીયાને લગતા જેટલા નાના-મોટા લેખ આવે એનો ફોટો પાડીને મને કાયમ મોકલે. કદાચ ૨ વર્ષ પહેલા છાપામાં આવેલો આ લેખ એમને મને મોકલેલો, અને કહેલું કે” દિપલ ગમે ત્યારે અનુકુળ પડે તો આ પ્રવાસે ખાસ જજો!” ત્યારથી આ પ્રવાસ વિષે માહિતી ભેગી કરી રાખેલી અને મનમાં એવી ઈચ્છા તો હતી જ કે ગમે ત્યારે જઈશું ખરા!
આ લેખમાં જે વાત કરી છે એ છે કેલીફોર્નિયા ઝેફયાર ટ્રેન વિશેની. આ ટ્રેન શિકાગોથી કેલીફોર્નિયા બાવન કલાકમાં પહોચાડે છે અને એની વિશેષતા એ છે કે એ અમેરિકાના ૭ રાજ્યો અને અનેક નેશનલ પાર્કમાંથી પસાર થઈને જાય છે અને અમેરિકાની સૌથી સુંદર રસ્તો ધરાવતી(સિનિક) રેલયાત્રા છે! બાકીનું નીચેના લેખમાં વાચી શકશો.

IMG_20170525_093120
આ ટ્રેન Amtrack – અમેરિકાની passenger railroad service દ્વારા ચલાવવામાં આવે છે. એક દિવસ અચાનક અનુજને જુન મહિનામાં આ ટ્રેનમાં એક પર એક ટીકીટ ફ્રીની કોઈક ઓફર ચાલતી હતી એ વિષે ખબર પડી અને અમે અચાનક જ કઈ વિચાર્યા વગર ઓગસ્ટ મહિનાના શનિવાર, રવિવાર અને સોમવારે પાછા આવી જવાય એમ દિવસો નક્કી કરી અને ટ્રેનનું બુકિંગ શિકાગોથી સાન હોસે સુધીનું કરાવી દીધું.
પછી વિચાર્યું કે અમે શિકાગો પણ જોયું નથી તો અમે ૨ દિવસ અગાઉ નીકળી જઈએ તો ૧-૨ દિવસ શિકાગો ફરી અને પછી ટ્રેનમાં ઘરે પાછા આવી શકાય! અને પછી બીજા ૨ દિવસ ઉમેરાયા અને પ્લાન બન્યો અમારી આ સૌથી સુંદર અને અવિસ્મરણીય યાત્રાનો 🙂

 1. Chicago
 2. California Zyphyr Journey

Chicago

અમે ગુરુવારે(૨૩ ઓગસ્ટ) સાંજે ૬:૩૦ એ પ્લેનમાં અહીંથી શિકાગોની ડાયરેક્ટ ફ્લાઈટ લઈને નીકળ્યા અને રાત્રે ૧ વાગે શિકાગો પહોચ્યા. (આમ સાન ફ્રાન્સિસ્કોથી શિકાગો ૪ કલાકમાં પહોચી જવાય પણ શિકાગો અલગ ટાઈમ ઝોનમાં આવે તેથી એમની ઘડિયાળ ૨ કલાક આગળ ચાલે.)

એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસવાની રાહ જોતા અમે અને પ્લેનમાં જોયેલા કાર્ટૂન મુવીઝ (Ferdinand અને Piper) –  જોવાના રહી ગયા હોય તો ખાસ જોવા 🙂
રાત્રે એર પોર્ટથી અમારી હોટલ ૪૫ મિનીટ દુર હતી એટલે અમે ઉબર(ટેક્સી) ભાડે કરી રૂમ પર પહોચ્યા. અનુજે જોરદાર હોટલ બુક કરાવી હતી. શીકાગોના સૌથી સુંદર જગ્યાએ ૨૯માં માળે અમારો રૂમ હતો જેની બારીમાંથી મિશિગન નદી અને સરોવર દેખાતું હતું!

24chicago
અમારા રૂમની બારીમાંથી મિશિગન સરોવર પર સૂર્યોદય

બીજા દિવસે સવારે ઉઠ્યા, તૈયાર થઈને ફરવા નીકળ્યા. અને ન્યુટેલાનો એક કેફે જોયો અને એમાં કોફી, દૂધ ને નાસ્તો કર્યા.

પછી ફરતા ફરતા અમારી ૧૦ વાગ્યાની બોટ ટુરનું બુકિંગ હતું ત્યાં પહોચી ગયા. (હા, દર વખતથી અલગ, આ વખતે અમે ગાડી ભાડે ન હતી કરી, અમે શીકાગો પગપાળા અને બસમાં ફરવાનું નક્કી કર્યું હતું)
અમે જયારે શિકાગો જવાનું નક્કી કર્યું ત્યારે ખાસ જોવા જેવી જગ્યાઓમાં આર્કિટેક્ચર ટુર વિષે ખુબ સાંભળ્યું હતું એટલે એનું બુકિંગ પણ અમે લગભગ મહિના પહેલા કરાવી દીધું હતું. (ટુર બુક કરવા માટે : અહી)

8chicago
આ હતી અમારી બોટ જેમાં અમે ટુર લીધી હતી

આગળ ટુર વિષે વાત કરીએ એ પહેલા શિકાગો વિષે થોડી માહિતી આપું,
શિકાગો વિષે: શિકાગો સત્તાવાર રીતે શિકાગો સિટી, ઇલિનોઇસ રાજ્યમાં અને મિશિગન તળાવ પર વસેલું યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી મોટા શહેરોમાંનું એક છે. 2,716,450 વસ્તી ધરાવતું આ શહેર ન્યૂ યોર્ક અને લોસ એન્જલસ બાદ સૌથી વધુ વસતી ધરાવે છે. શિકાગો શહેર ગગનચુંબી ઈમારતનું જન્મસ્થળ ગણાય છે, અને 20 મી સદીના સૌથી પ્રભાવશાળી આર્કિટેક્ચરલ શહેર તરીકે ગણવામાં આવે છે.
1871માં આખું શિકાગો શહેર મોટી આગમાં સળગી ગયું હતું જેણે ઘણી ઉમારતોનો નાશ કર્યો અને 1,00,000 કરતાં વધુ લોકો ઘર વગરના થઇ ગયા હતા. ત્યારબાદ શહેરના પુન:નિર્માણનું કામ ખુબ જોરમાં થયું અને બાંધકામને એટલું ઝડપી બનાવ્યું કે ૧૯૦૦ સુધીમાં શિકાગો વિશ્વમાં પાંચ સૌથી મોટા શહેરોમાંથી એક હતું.આ ગાળા દરમિયાન ઘણા નવા બાંધકામો થયા અને સ્ટીલ-ફ્રેમવાળા ગગનચુંબી ઈમારતો બનાવીને શિકાગોએ મોર્ડન આર્કિટેક્ચર અમેરિકાને ભેટ આપ્યું!

3chicago
આ બોટનો નીચેનો ભાગ – તમે નીચે બેસીને પણ ટુર માણી શકો. ગાઈડ માઈકમાં બોલે એટલે નીચે પણ અવાજ સંભળાય

હા, તો જો તમે શિકાગો આવો અને ત્યાની આર્કિટેક્ચર ટુર ના કરો તો કઈ જોયું ન કહેવાય! અમારી ૩૦ જણાની એક મોટી બોટ હતી જેમાં અમારા ગાઈડ હતા જે માઈકમાં બેસીને મિશિગન નદી ઉપરથી અમારી બોટ જેમ જેમ આગળ વધે તેમ બંને બાજુ આવતી અલગ અલગ ઈમારતો વિષે સમજાવતા જાય! કઈ ઈમારત ક્યારે બની? પહેલા એ ઈમારત શેની હતી? કેમ બની? દરેક ઈમારતની વિશેષતા શું છે? એ બધું સમજાવે, એક ઈમારતનું સાંભળો ને બીજીનું ભૂલી જાઓ એટલી સુંદર વાત કરતા જાય અને મિશિગન નદીમાં ફેરવતા જાય!

એક વાતથી અમને બહુ કૂતુહલ થયેલું- જયારે શિકાગો વિકસ્યું ન હતું ત્યારે સુવેજનું બધું ગંદુ પાણી મિશિગનનદી માં અને પછી ત્યાંથી મિશિગન સરોવરમાં ઠલવાતું હતું અને એ બધું પાણી જઈને સાગરને મળતું હતું. શિકાગો ફરીથી બનવાની શરૂઆત થઇ ત્યારે મિશિગન નદીના પાણીના પ્રવાહને કુત્રિમ રીતે ઉલટો કરી અને એ પાણીને સરોવરમાં જતું અટકાવ્યું અને ગંદુ પાણી એકઠું કરવા માટે અલગથી કેનાલ બનાવી અને આ રીતે મિશિગન સરોવરનું ચોખ્ખું પાણી નદીમાં વહેવા માંડ્યું. અને પછી લોકો નદીથી નજીક રહેવાનું પસંદ કરતા થયા!
શિકાગોમાં એક વાત ખુબ જ ગમી અહી નદીના કિનારે કિનારે ચાલવાના રેલીંગ વાળા રસ્તા બનાવ્યા છે જેને “રીવરવોક” કહે છે. શિકાગોના સૌથી વસ્તી ધરાવતા ડાઉનટાઉનમાં પણ ચાલવા અને સાયકલ માટે બંને બાજુ પહોળા રસ્તા રાખવામાં આવ્યા છે! શહેર આખું નદી પાસે છે એટલે અલગ અલગ જગ્યાએ ઘણા નાના-મોટા બ્રીજ જોવા મળે અને એ બધા બ્રીજ વચ્ચેથી ખુલી શકે એવા હોય!

ખૂલતો બ્રિજ અને શિકાગોનું પ્રખ્યાત છાપાની ઓફિસ

7chicago
આખી ટુર પતે એટલે શહેરથી છેક દૂર લઇ જાય અને ત્યાંથી શહેરની સ્કાય લાઈન જોઈ શકાય 🙂

આ નદીની પાસે ‘રિવર વૉક’ અને શહેરના મુખ્ય રસ્તાની બાજુમાં સાયકલ માટે/ ચાલવા માટેના અલગ રસ્તા
અમારી ૨ કલાકની ટુર પતાવીને અમે ચાલતા ચાલતા “મીલેનીયમ પાર્ક” માં ગયા. ૨૫ એકરમાં ફેલાયેલો આ પાર્ક, ડાઉનટાઉનની એકદમ વચ્ચે બનાવેલો છે. પાર્ક નાનકડો છે પણ મજાનો છે, ત્યાં સૌથી આકર્ષણનું કેન્દ્ર સ્ટીલની બનાવેલી બિન છે. જેમાં આપણું પ્રતિબિંબ દેખાય! ત્યાં જઈને અરીસા ઘરમાં જોતા હોય એમ અમારા અલગ અલગ આકારો જોયા!

આ પાર્કમાં એક ફુવારો હતો જેમાં માણસ મોંમાંથી પિચકારી મારતો હોય એવો ફોટો આવે તો પાણી નીકળે

આ એ સ્ટીલ બિન 🙂 ઉંચી બિલ્ડીંગોનું પ્રતિબિંબ કેટલું સરસ લાગે છે !
પાર્કમાં ફર્યા અને ત્યાંથી ગયા શિકાગોનું સૌથી પ્રખ્યાત જમવાનું જમવા! ડીપ ડીશ પીઝા! એકદમ જાડું અને બિસ્કીટ જેવું કડક પડ હોય જેમાં ચીઝ, અને સોસ ભરપુર હોય જેને ડીપ ડીશ પીઝા કહેવાય! એક ઇટાલિયન રેસ્ટઓરન્ટમાં ગયા અને જમ્યા. મજા આવી. ત્યાંથી પછી અમે શિકાગોના પ્રખ્યાત આર્ટ મ્યુઝીયમમાં ગયા!

પીઝા અને મ્યુઝિયમનું પ્રવેશ
આર્ટ મ્યુઝીયમની ફી ૨૫$/વ્યક્તિ છે અને એને જોવા ૩-૫ કલાક જોઈએ, અહીના પ્રખ્યાત ચિત્રકારોના ચિત્રો, મોડર્ન આર્ટ, શિલ્પો, કાપડ કારીગરી બધું અલગ અલગ વિભાગમાં સચવાયેલું છે.
બીજી અલગ વાત એ જોઈ કે શિકાગોમાં ઘણા બધા રસ્તાના નામ અસાધારણ વ્યક્તિઓના માનમાં પાડવામાં આવે છે. જેમ કે શિકાગો આર્ટ મ્યુઝીયમ જે રસ્તા પર છે એ રસ્તાનું નામ “સ્વામી વિવેકાનંદ વે” છે 🙂
૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ અહી આવેલા એમના સન્માનમાં આ નામ રાખવામાં આવેલું છે. બહુજ ગર્વ થતો હતો એમનું નામ વાંચીને 🙂

આર્ટ મ્યુઝીયમમાં પણ અલગ અલગ દેશ અને ખંડોના શિલ્પો અને ચિત્રો હતા! આપણા ભારતના બુદ્ધ, નટરાજ, ગણપતિ, દુર્ગા ની મૂર્તિઓ હતી. અમુક ૧૯૨૦ની સાલમાં કરેલા અતિ વિશાળ ચિત્રો જોઇને અક્કલ કામ કરતી બંધ થઇ ગઈ હતી! ઘણું વિશાળ આ આર્ટ મ્યુઝીયમ ફરવાની વધારે મજા ત્યારે આવે જયારે તમે દરેક કળા વિષે, કલાકાર વિષે કૈક જાણતા હોવ. અમે એ બાબતે ઘણા પછાત હતા પણ અમારી યથાશક્તિ અમે એને માણવાનો અને માન આપવાનો પ્રયત્ન કર્યો 🙂

 1. 1930 માં ગ્રાન્ટ વુડ દ્વારા બનાવેલું અમેરિકન ગોથિક 2. વાન ગોગનું સેલ્ફ પોટ્રેટ, 3. 1903 માં બનાવેલું પાબ્લો પિકાસોનું ધ ઓલ્ડ ગિટારિસ્ટ
35chicago
આ કેટલું મોટું ચિત્ર! (સ્કાય અબાઉટ ક્લાઉડ – 1965માં બનાવેલું)

મ્યુઝિયમમાં પેપરવેંટ નો એક વિભાગ હતી! કેટલી ઝીણી કારીગરી કરી છે! અને નટરાજનું મૂર્તિ

આ હતું મીનીએચર વિભાગ। ત્યાં અલગ અલગ રૂમો બનાવેલા એકદમ નાના! જોઈ શકો છો અનુજ ઉભો છે એટલા જ રૂમ હતા! એકદમ નાના વાસણો, ફર્નિચર, છાપું! મને સૌથી વધારે આ જોવાની મજા પડેલી!

૫ વાગે મ્યુઝીયમ બંધ થાય એટલે અમે નીકળ્યા. ત્યાની મિશિગન સ્ટ્રીટ એ સૌથી પ્રખ્યાત છે, ત્યાં ફર્યા,ત્યાંથી મેગ્નીફીસંટ માઈલ કરીને એક રસ્તો છે જેના પર શિકાગોમાં આગ લાગી હતી ત્યારે જે ૨ ઈમારતો બચી ગઈ હતી એ આવેલી છે, ઘણી પ્રખ્યાત બ્રાંડની દુકાનો ત્યાં આવેલી છે, સાંજ પડે ત્યાં એકદમ રોશની વચ્ચે એ જગ્યાની ચહલ પહલ માણવાની મજા પડે એમ છે 🙂

આ એ ચર્ચ જે બચી ગયું હતું અને મિશિગન સ્ટ્રીટ ઉપર આવતા ગ્રાન્ટ પાર્કના ફુવારા પાસેનો ફોટો
ત્યાં ફર્યા અને કેલીફોર્નીયાના પ્રખ્યાત આઈસક્રીમ ઘીરારડેલીમાં આઈસ્ક્રીમ ખાધો અને પાછા મિશિગન નદીની બાજુના રીવરવોક પર ચાલ્યા! શુક્રવારની સાંજે લોકો મિત્રો સાથે જમતા હતા, દારૂ પીતા હતા – બધા ખુશ ખુશ હતા 🙂

આ રાત્રે દેખાતું શિકાગો
પછી અમે અમારી હોટલ પર મોડા આવી અને સુઈ ગયા 🙂

બીજા દિવસે સવારે અમે તૈયાર થઇ નાસ્તો પતાવીને બસમાં રુકરી બિલ્ડીંગ ગયા.
રુકરી બિલ્ડીંગ વિષે: આ બિલ્ડીંગ એ જુના શિકાગોનું સૌથી ઊંચું (૧૧ માળ) નું છે અને જેમાં અંદર જઈને જોઈ શકાય છે, આ બિલ્ડીંગ બનાવવા માટે લોખંડ, તાંબુ, આરસ, કાચ, અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

18chicago
રૂકરી બિલ્ડીંગ અંદર થી

એ જોઇને અમે વિલીઝ ટાવર ગયા.
વિલીઝ ટાવર વિષે: આ વિલીઝ ટાવર 110 માળ ધરાવે છે અને જયારે 1973 બન્યું ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી! આ ઈમારતના ૧૦૩માં માળે skywalk કરીને એક કાચનો રૂમ બનાવેલો છે જ્યાં જઈને તમે આખું શિકાગો ઉપરથી જોઈ શકો! અમારા નસીબ એટલા સારા ન હતા એટલે સવારથી જ ત્યાં વાદળો હતા એટલે કઈ દેખાવું શક્ય ન હતું!

આ વિલિસ ટાવર જે અડધું વાદળોમાં છુપાયેલુ છે.
એટલે અમે ત્યાંથી જ્હોન હેનકોક બિલ્ડીંગ ગયા. અને એ બિલ્ડીંગમાં પણ તમે ૯૪માં માળથી શિકાગો જોઈ શકો! અને મજાની વાત એ છે કે આ બિલ્ડીંગના ૯૪માં માળે એક જગ્યા એવી બનાવી છે જ્યાં કાચને નીચેની તરફ ઝુકાવીને તમે શિકાગોને ત્રાંસા થઈને જોઈ શકો! અમે મુજવણમાં હતા કે વિલીઝ ટાવર પર જવું કે 360 શિકાગો પર tilt કરવું. પણ વાદળને કારણે વિલીઝ ટાવર તો બંધ હતું! અને અમારી પાસે સમય પણ વધારે હતો નહિ એટલે અમે ૯૪માં માળથી શિકાગો જોયું અને tilt પણ થયા!

94 માળથી દેખાતો નઝારો અને ટિલ્ટ 🙂

3chicago
આ જ્હોન હેનકોક બિલ્ડીંગ જેમાં ઉપર ધ્યાનથી જુઓ તો 7 દરવાજા ટિલ્ટ થતાં દેખાશે

ત્યાંથી અમે ફરીથી સીકાગોના પ્રખ્યાત પીઝા ખાવા ગયા અને જમ્યા! અત્યાર સુધીના અમેરિકામાં ખાધેલા સૌથી બેસ્ટ વૈજ પીઝા હતા! મજા પડી ગઈ!

આ રહ્યા એ પીઝા!
શિકાગોમાં થોડા થોડા અંતરે કુતરાના પૂતળાએ અમારું ધ્યાન ખેંચ્યું। પછી જાણવા મળ્યું કે અહીંની પોલીસ પાસે જે કુતરા હોય એને કે9 ઓફિસર કહેવાય, અને એને એટલું જ મહત્વ આપવામાં આવે જેટલું એક પોલીસ ને! તો પોલીસ ત્યાંના નાગરિકોની મિત્ર છે એ દર્શાવવા એમને આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ કુતરાના પૂતળા મુક્યા હતા.

આ એક પૂતળા સાથેનો ફોટો અને મિશિગન એવેન્યુ બ્રિજ ઉપર ઉભેલા અમે
ત્યાં જ વાગી ગયા ૧ અને ૨ વાગે અમારે ટ્રેન પકડવાની હતી. અમારી બેગો હોટલ પર હતી અને રેલ્વે સ્ટેશન ત્યાંથી બીજી દિશામાં! એટલે અમે બરાબર ભાગ્યા, ટેક્સી કરી હોટલ પહોચ્યા, બેગ લઈને સ્ટેશન પહોચ્યા. બરાબર ૨૦ મિનીટ પહેલા પહોચી ગયા અને ત્યાં જઈને અમારી ટ્રેન વિષે પૂછ્યું અને ટ્રેન સુધી પહોચી ગયા!
આમ થોડા સમયમાં પણ શિકાગોને સારી રીતે માણ્યું 🙂 અને પછી અમે જેના માટે અહી આવેલા એ સફર શરુ કરવા તૈયાર થયા !! 🙂
(એક વાત ખરી, કે ૧૯૦૦ ની સાલમાં બનેલી આ બધી ઈમારતો જોઇને આશ્ચર્ય તો થયું જ પણ આપણા દેશના રાજાઓ માટે માન ઓર વધી ગયું કે જેમને ૧૪-૧૫ મી સદીમાં વીજળીની પણ શોધ ન હતી થઇ ત્યારે આવા અદ્ભુત કિલ્લાઓ બાંધ્યા છે 🙂 )

California Zephyr Journey

બપોરે ૨ વાગે શિકાગોના યુનિયન સ્ટેશન નામનાં રેલ્વે સ્ટેશન પરથી અમારી ટ્રેન ઉપડી. જ્યારે શરૂ થઈ ત્યારે સૌથી વધારે દર્શન અમને મકાઈનાં ખેતરોનાં થયા. આ બાવન કલાકની ટ્રેનયાત્રાએ અમને અમેરિકના 7 રાજ્યો અને અલગ અલગ નેશનલ પાર્કનાં દર્શન કરાવ્યા.

હવે થોડી વાત કરું ટ્રેન વિષે: 1983માં શરૂ થયેલી કેલિફોર્નિયા ઝેફાયર પેસેન્જર ટ્રેન એ  શિકાગોથી શરૂ થઈને  સાન ફ્રાન્સિસ્કો (એમેરીવિલે) સુધી પ્રવાસ કરે છે અને ઓમાહા, ડેનવર, સોલ્ટ લેક સિટી અને રેનો જેવા મોટા સ્ટેશન અને અન્ય નાના સ્ટેશનો થઈને 33 સ્ટેશન પરથી પસાર થાય છે. ટ્રેન 2438 માઇલ (3924 કિ.મી.) સફર કરે છે અને  રોકી પર્વતોમાં ઉપલા કોલોરાડો નદીની ખીણ અને સીએરા નેવાડાના દૃશ્યો સાથેનો રસ્તો તેના સૌથી સુંદર દ્રશ્ય તરીકેનો દાવો કરે છે.નાણાકીય વર્ષ 2016 દરમિયાન, કેલિફોર્નિયા ઝેફાયર 417,322 યાત્રીઓને લઈને ગયા, જે વર્ષ 2015 થી 11.2% વધુ છે. વર્ષ 2016 માં ટ્રેનની કુલ આવક $ 51,950,998 હતી.
આ ૨ માળની છે અને ટ્રેનમાં 3 સ્લીપર કોચ, 2 ફર્સ્ટ ક્લાસ કોચ, 3 ચેર કાર કોચ, 2 જનરલ કોચ, 1 કોચ સામાન માટે, 1 કોચ ઓબ્જર્વેશન રૂમ, 1 કોચ ડાયનરનો. સરેરાશ રોજના 400 લોકો આ ટ્રેનમાં સફર કરે છે અને ઉનાળાના ૩ મહિનામાં સરેરાશ ૮૦૦ લોકો સફર કરે છે. દરેક કોચ માટે એક આસીસ્ટન્ટ/કન્ડકટર હોય જે તમારો બેડ બનાવી આપે, પાણી આપી જાય અને બીજી અન્ય મદદ કરે.

અમે અમારી ૨ ટીકીટ સ્લીપર કોચ(Superliner Roomette)માં લીધી હતી જેમાં ૨ જણા બેસી શકે એવી રીતે સામસામે ૨ સીટ હોય અને રાત્રે સુતા બંને સીટ નીચે પાડી દઈએ એટલે એક બેડ બની જાય અને બીજો બેડ ઉપરની સીટ પાડવાથી બની જાય. અને એક દરવાજો અને પડદો પણ હોય જેનાથી નાનો રૂમ બની જાય. અંદર નાની કચરાપેટી, અરીસો,લાઈટ, પ્લગ, ઓશિકા, બ્લેન્કેટ હોય. અમારાં કન્ડકટરનું નામ એમોરી હતું અને એ શિકાગોનો હતો જે સવારે રૂમ સાફ કરી જાય, રાત્રે બેડ બનાવી જાય, નાના મોટા સ્ટેશન અને ટ્રેનને લગતી માહિતીનું પ્રસારણ કરતો રહે.

ટ્રેન (3)
આ અમારો નાનકડો રૂમ

આવી રીતે સામસામે રૂમ હોય અને બધા રૂમને બારણું અને પડદો, રાત્રે જયારે સીટ બેડ બને ત્યારે.

નાનકડું બાથરૂમ જેમાં શાવર પેનલ હોય અને નાનકડા ટુવાલ,સાબુ, શેમ્પુ મુકેલા હોય અને ટુવાલ વાપરીને બહાર બાસ્કેટમાં મૂકી દેવાના હોય. અને બીજા ફોટામાં ટોયલેટ અને બેઝીન. વિમાનમાં હોય એવું એકદમ નાનું.

ટ્રેન (5)
આ ડાયનર – જ્યાં નાસ્તો, બપોરનું અને રાતનું જમવાનું મળે

ટ્રેનમાં ૩ વખતનું જમવાનું મફતમાં મળે. રોજ સવારે ૬ થી ૯ નાસ્તો મળે. બપોરે અને રાત્રે જમવા માટે તમારે રીઝર્વેશન કરાવવું પડે. એના માટે ડાયનરના મેનેજર કલાક પહેલા તમારા રૂમમાં આવે અને તમારું ચોક્કસ સમયનું રીઝર્વેશન કરી એક નાની ચિઠ્ઠી આપી જાય. પછી માઈક ઉપર બોલે કે હવે ૧૧:૩૦ના રીઝાર્વેશનવાળા લોકો જમવા આવો એટલે આપણે જમવા જવાનું.
દરેક ટેબલ પર ૪ જણા જમવા બેસે અને દરેક વખતે અલગ અલગ વ્યક્તિ જોડે બેસવા મળે અને જમવાનું ૧ કલાક ચાલે. ડાયનરના લોકો બહુજ ધીમું કામ કરે પણ કાચની બારી હોય એટલે બહારના દ્રશ્યો પણ જોઈ શકો અને રોજ અલગ અલગ લોકો જોડે વાતો કરવા મળે.
જમવામાં વેજીટેરીયનમાં બર્ગર અને પાસ્તા જ મળે(વેજીટેરીઅન માટે) 🙂
2 ડબ્બા ચાલીને જાઓ એટલે કેફે આવે(જ્યાં કોફી, દૂધ, નાસ્તો મળે), અને ત્રીજો ડબ્બો ઓબ્ઝર્વેશન ડેક કહેવાય જેની દીવાલો બધી કાચની બનેલી હોય જ્યાં બેસીને કુદરતી દ્રશ્યો તમે માણી શકો.

Burney Falls & Mount Shasta

અમારી ટ્રીપના પહેલા દિવસે સવારે અમે ૯ વાગે નીકળ્યા અને ઘરેથી ૩૦૦ માઈલ(૫૦૦ કિમી) દુર ઉત્તર તરફ ડ્રાઈવ કરીને અમે ૧ વાગ્યાની આસપાસ બર્ની ફોલ્સ પહોચ્યા.

બર્ની ફોલ્સ વિષે: આ ફોલ શાસ્તા વિસ્તારમાં બર્ની ક્રિક પર આવેલો છે જે મેકઆર્થર-બર્ની સ્ટેટ પાર્કનો ભાગ છે. આ ફોલનું પાણી ઉપર અને ભૂગર્ભના ઝરણા પરથી આવે છે જે ૧૨૯ ફૂટ ઉચો અને ૨૫૦ ફૂટ પહોળો છે. જે  સૂકા ઉનાળાના મહિનાઓ દરમિયાન પણ દરરોજ લગભગ 379 મિલિયન લિટરનો પ્રવાહ દર પૂરો પાડે છે. બર્ન ક્રીક પિટ નદીની એક સહાયક નદી છે , જે ઉત્તરમાં લેક બ્રિટોન જળાશય પર તેના મોં સાથે છે .
રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ દ્વારા આ ધોધને “વિશ્વનું આઠમું વન્ડર” કહેવામાં આવે છે, અને ડિસેમ્બર 1954 માં તેમને નેશનલ નેચરલ લેન્ડમાર્ક જાહેર કરવામાં આવ્યો હતો.

burneyFalls (4)
આ છે બર્ની ફોલ્સ

ત્યાં ગાડી પાર્ક કરીને ૧.૫ માઈલની નાનકડી હાઈક કરીને ધોધને એકદમ નજીકથી જોઈ શકો છો.

 

હાઈક નો રસ્તો અને ધોધની પાસે અનુજ

burneyFalls (2)
અમારી પાછળ ધોધ

આટલા પહોળા ધોધને નજીકથી જોવાનો આ અમારો પહેલો અનુભવ હતો જે ખરેખર યાદગાર રહેશે. 🙂
બર્ની ધોધને નિહાળ્યા પછી અમે ત્યાંથી લગભગ ૫૦ માઈલ જેટલું ડ્રાઈવ કરીને સીસકિયું લેક (lake siskiyou) પાસે પહોચ્યા. અમે સાંજના ૪:૩૦ આસપાસ પહોચ્યા હતા. આ લેક પાસેથી શાસ્તા પર્વતનો ખુબ સુંદર નઝારો જોવા મળે છે. અહી પ્રવેશ માટે ફી ચૂકવી પછી સરોવરમાં કયાકીંગ કરવાનું નક્કી કર્યું.
કયાકીંગ એટલે નાનકડી નાવ જેમાં ૧ કે ૨ જણ બેસીને હલેસા મારીને પાણી ઉપર ફરી શકાય! અમે લગભગ ૧.૫ કલાક કયાકીંગ કર્યું અને શાસ્તા પર્વતને અલગ અલગ બાજુથી જોયો 🙂
મોટે ભાગે અહી બધા સરોવર કિનારે નાના તંબુ બાંધીને કયાકીંગ, બોટિંગ કરવાના કેમ્પસ જેવું હોય જેમાં તમે ભાડે કયાક કે બોટ લઇ શકો, તમને લાઈફ જેકેટ પણ આપવામાં આવે પણ હા કોઈ શીખવાડવા વાળું ત્યાં ન હોય, તમારે જાત મહેનત જીન્દાબાદ કરવી પડે 🙂
લેક સિસ્કીયોઉ વિષે: લેક સિસ્કીયો , ઉત્તરીય કેલિફોર્નિયામાં સેક્રામેન્ટો રિવર પર બોક્સ કેન્યોન ડેમ દ્વારા રચિત એક જળાશય છે જે સ્થાનિક મનોરંજનની જગ્યા છે, તેમજ વોટરશેડ સંરક્ષણ અને પૂર નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. પણ આ સરોવરથી શાસ્તા પર્વત ખુબ સુંદર દેખાય છે એટલે અહી કાયમ પ્રવાસીઓનો ઘસારો રહે છે.

mount shasta (1)
સરોવર વચ્ચે 
mount shasta (3)
વિશાળ સરોવર નું ભૂરું પાણી, ચારેબાજુ લીલા પાઈનના વૃક્ષો અને સામે બરફથી ઢંકાયેલો શાસ્તા પર્વત 🙂
mount shasta (2)
રસ્તા પરથી દેખાતો પર્વત 

સાંજે ત્યાંથી કલાક જેટલું ડ્રાઈવ કરીને કલેમથ ફોલ્સ નામના ગામની હોટલમાં પહોચ્યા. અમેરિકામાં ૪થી જુલાઈએ અમુક જગ્યાએ ફટાકડા ફોડવાની પરવાનગી મળે એટલે લોકો આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ એમ રસ્તા પર કે પાર્કમાં ફોડે. અમે એ ગામમાં ચાલવા નીકળ્યા અને ફટાકડા જોયા અને મોડી રાત્રે પાછા ફર્યા 🙂

 

Lake Louise

રવિવારે સવારે (31 ડીસેમ્બર,૨૦૧૭) અમે હોટલ પરથી નીકળ્યા. સવા કલાકમાં બેન્ફ પહોચી ગયા.

IMG_5775.jpg
સવારે બેન્ફ જતા રસ્તો – અમારી પાછળ સૂર્યોદય થયેલો એટલે સામે પહાડો પર કેસરી રંગ પથરાયો હતો 🙂
IMG_20171231_092720.jpg
રસ્તામાં એટલો પવન હતો કે રોડ ઉપર ધૂળની માફક સ્નો ઉડતો હતો !

વિડીયો માટે અહી ક્લિક કરો –> Way to banff 

અમે સૌથી પહેલા સ્નોટીપ્સ (snowtips) કરીને જગ્યા છે જ્યાંથી અમે ક્લીત્સ (cleats) અને અનુજના સ્નોબુટ લીધા. આ cleatsના કારણે બરફમાં લપસ્યા વગર ચાલી શકાય. અહી બુટ અને ક્લીટસ નું ભાડું $૫ હતું. આમ જોવા જઈએ તો ઘણું સસ્તું કહેવાય. શનિવારે અમારા હાથ બહુજ ઠર્યા હતા એટલે અમે હાથ ગરમ રહે એવું કૈક લેવાનું નક્કી કર્યું. દુકાનમાં પૂછ્યું તો ખબર પડી કે હાથને ગરમ રાખે એવી નાની થેલી મળે જેમાં કેમિકલ હોય જે ૮ કલાક સુધી એ થેલી ને ગરમ રાખે જે હાથમોજામાં નાખી રાખવાની જેથી હાથ ગરમ રહ્યા કરે. અમે એ ખરીદી અને ૨ દિવસ વાપરી. જેનાથી ખુબ જ સારું રહ્યું હતું.
અમે બેન્ફ ટાઉનથી ૧૦ મિનીટ દુર Johnston Canyon (જોનસ્ટન કેન્યન) ગયા જ્યાંથી ૧.૫ કિમીની હાઈક કરીને અપર અને લોવર વોટરફોલ (Upper and Lower Waterfall)ની હાઈક કરી.

પગમાં બાંધેલા સ્નો ક્લીટસ

MVIMG_20171231_133647.jpg
જોનસ્ટન કેન્યનનું પ્રવેશ સ્થાન

હાઈક દરમિયાન પાડેલ ફોટા – અનુજની પાછળ થીજેલી નદી અને બીજા દ્રશ્યમાં હું – શ્વાસના ભેજને કારણે ૧ જ મિનીટમાં સ્કાર્ફ, ટોપી અને પાંપણ પર બરફ જામી જાય.!

ડાબી બાજુ લોવર ફોલ અને જમણી બાજુ અપર – જીવનમાં પહેલી વાર જામેલા વોટરફોલ જોયા !
લોવરફોલની હાઈક પતી પછી મારા પગ એટલા જામી ગયા હતા અને મને એટલું દુખતું હતું કે હું આગળ કલાક ચાલીને અપર ફોલ સુધી જવાનું હતું ત્યાં જઈ ન શકી. અનુજ એકલો જ ત્યાં ગયો હતો. હું પાછી ફરી અને અહી બાથરૂમમાં હાથ સુક્વવાનું મશીન હોય ત્યાં પગ અને હાથ બરાબર ગરમ કરતી રહી!

MVIMG_20171231_103833.jpg
રસ્તામાં વ્યુપોઈન્ટ પાસે

હાઈક પતાવીને અમે પીઝા ખાધા અને ત્યાંથી અમે ૨ સરોવર જોવા માટે ગયા.
પહેલા જોનસન (Johnson lake) સરોવર જોયું જે ૩.૫ કિમી પરિઘ ધરાવતું નાનકડું સરોવર છે. અને ત્યાંથી મીનેવાંકા(Minnewanka lake) સરોવર ગયા જે ૨૧ કિમી લાંબુ અને ૧૪૨ મી ઊંડું સરોવર છે. બંને સરોવર એકદમ થીજી ગયેલા અને બંને સરોવર ઉપર ચાલી શકાય! અમે ત્યાં ચાલ્યા – પહેલી વાર જીવનમાં સરોવર ઉપર ચાલ્યા! હાહા
અને ત્યાં ઘણા બધા લોકો હોકી રમતા હતા અને સ્કેટિંગ કરતા હતા!

MVIMG_20171231_163607.jpg
Johnsan lake
IMG_5816.jpg
Minnewanka lake ઉપર

અમે આ સરોવર ઉપર એકબાજુ સુર્યાસ્ત થતો જોયો અને બીજી તરફ ચૌદસનો ચાંદો ઉગતા 🙂
MVIMG_20171231_163921.jpg

IMG_5794.jpg
રસ્તામાં જોવા મળેલા એલ્ક (elk)
IMG_20171231_162532.jpg
થીજી ગયેલા અમે 😀

ત્યાંથી પછી અમે canadian rocky hot springs(હોટ સ્પ્રિંગ) માં ગયા. આમાં પણ મજાની વાત એ છે કે જમીનમાંથી 36°C તાપમાન ધરાવતું ગરમ પાણી કુદરતી રીતે નીકળ્યા જ કરે છે પણ એમાં બેક્ટેરિયા અને અન્ય કેમિકલ નીકળે એટલે અહીના લોકો એ પાણીને ચોખ્ખું કરે એમાં ક્લોરીન ઉમેરે અને પછી એ પાણીને કુત્રિમ સ્વીમીંગ પુલમાં ભરે જેમાં તમે નાહી શકો! અમને આ વાત સાંભળીને જ મજા આવી ગઈ! અમે ત્યાં ગયા. લાંબી લાઈન હતી અને ભાવ $૭. ત્યાં જ ટુવાલ અને નાહવાના કપડા પણ ભાડે મળી જાય $૨ માં જ! ત્યાં લોકરમાં સામાન મૂકી અને -36°C ના તાપમાનમાં કુદરતી 36°C તાપમાન વાળા પાણીમાં નહાયા. ગળા સુધીનું શરીર પાણીમાં હોય અને મોઢું બહાર એટલે વાળ ઠરીને બરફ થઇ જાય! ચારેબાજુ સ્નો અને પહાડો અને વચ્ચે આ ગરમ પાણીનું પુલ!

Image result for canadian rockies hot springs
આ ફોટો ઈન્ટરનેટથી લીધો છે કે ખ્યાલ આવે કેવું હોય!

પાછા નાહીને  -36°C માં હોટલ તરફ પાછા ફર્યા.
સોમવારે (૧/૧/૨૦૧૮) અમે સવારે Lake Louise(લુઇઝ સરોવર) જવા નીકળ્યા. Lake Louise કેલગરીથી 180 કિમી દુર આવેલો છે એટલે ૨ કલાક થાય અને બેન્ફ નેશનલ પાર્ક થઈને ત્યાં જવું પડે.

canadad3 (10).jpg
Lake Louise ની શરૂઆત

અમે ૧૧ વાગ્યાની આસપાસ ત્યાં પહોચ્યા અને વિઝીટર સેન્ટર પરથી બધી માહિતી લઈને ત્યાં બાજુની દુકાનથી સ્નોબુટ અને સ્નોશુઈંગનો સામાન લઈને નીકળી પડ્યા. સ્નોશુઈંગ(snow shoeing) એટલે મોટી પ્લેટ હોય જેને પગમાં પહેરીને ચાલીએ તો ગમે તેટલો સ્નો પડ્યો હોય તો પણ સરળતાથી પગ ઉપડી શકે અને ચાલી શકાય. બુટની ઉપર એને બાંધવાના હોય.
Lake Louise વિષે: રાણી વિક્ટોરિયાની ચોથી પુત્રી પ્રિન્સેસ લુઇસ કેરોલિન આલ્બર્ટા કે જે જ્હોન કેમ્પબેલની પત્ની હતી, જે 1878 થી 1883 સુધી કેનેડાની ગવર્નર જનરલ હતી- તેના નામ પરથી આ સરોવરનું નામ Lake Louise રાખવામાં આવ્યું છે. આ સરોવર ૨ કિમી લાંબુ, 0.૫ કિમી પહોળું અને ૭૦ મીટર ઊંડું છે. જે ઉનાળામાં ભૂરા રંગના પાણીથી અને શિયાળામાં બરફથી છવાયેલું હોય છે. આ સરોવરની સામે બીજી ફેરમોન્ટ હોટલ આવેલી છે. અમે આ સરોવર માં લગભગ ૩ કલાક એક છેડેથી બીજા છેડા સુધી ચાલ્યા.

canadad3 (14).jpg
ત્યાં ધોડાગાડીમાં બેસીને તમે સરોવરના કિનારે કિનારે ફરી શકાય એવી વ્યવસ્થા છે. રુંવાટી વાળા ઘોડા!
canadad3 (5).jpg
આ સરોવરની આગળ શરૂઆતમાં બરફથી બનાવેલું મોડેલ

અહી 18 થી 28 જાન્યુઆરી- સ્નો ફેસ્ટીવલ થાય છે જેમાં દુર દુર થી કલાકારો આવી અને બરફના અલગ અલગ પુતળા બનાવે છે.

canadad3 (1).jpg
આ રહ્યો lake 🙂 બધા સ્કેટિંગ, સ્નોશુઈંગ, ક્રોસ કન્ટ્રી સકીઈંગ કરી રહ્યા છે.

થીજેલા અમે અને સ્નોશુઈંગના શુઝ
વિડીયો માટે અહી ક્લિક કરો —> Snowshoeing Lake Louise

lake માં અડધે

બીજા છેડે પહોચીને

canadad3 (18).jpg
છેલ્લે પાછા નીકળતા

ત્યાં અમને કોઈને ફોટો પાડી આપશો? એ કહેવું બહુ અઘરું લાગતું કેમ કે એ વ્યક્તિએ હાથ મોજામાંથી હાથ કાઢીને ફોટો પાડવો પડે અને એ પછીની વેદના અમને ખબર હતી 😀 એટલે અમારા બંનેના સાથે હોય એવા એક -બે જ ફોટા હશે 🙂
ત્યાંથી અમે ગરમ ચોકલેટ પીધી અને બેન્ફ પહોચ્યા અને ત્યાં બધી દુકાનોમાં ફર્યા. ભારતીય હોટલમાં જમ્યા. અને પાછા હોટલ પર આવવા નીકળ્યા.

canadad3 (19).jpg
આ એકદમ અલગ અને નવો અનુભવ હતો 🙂 ઉનાળામાં આ પાર્કની સુંદરતા કૈક અલગ જ હોય છે પણ શિયાળા જેવી વિશેષ તો નહિ જ હોય!

 

 

 

 

 

 

Banff National Park

અનુજ આવ્યો ગુરુવારે(2017-12-28) રાત્રે અને અમે ૨૯મીએ કલગરીમાં ફર્યા. સવારે તૈયાર થઇ નાસ્તો કરીને આખા દિવસનો બસ પાસ લઈને નીકળી પડ્યા ફરવા. બો રીવર પરનો બીજો એક બ્રીજ જોવા માટે ગયા જેનું નામ છે પીસ બ્રીજ(peace bridge). ખુબ જ ઠંડી હતી અને એક મિનીટમાં હાથ ઠરી જાય એવી! (-26°C).

પીસ બ્રીજ અને થીજેલી નદી
ત્યાંથી ડાઉનટાઉન ફર્યા અને પછી ચીનુક મોલ ફરવા ગયા. દુકાનો જોઈ, ફર્યા અને મારા બરફમાં ઠંડા ના થાય એવા બુટ લીધા અને ટોપી.

ચીનુક મોલમાં ક્રિસમસનો શણગાર
Canadad3  (1).jpg
હા, કેનેડામાં દરેક ૫ કિમીના અંતરમાં ટીમ હોરટનની દુકાન જોવા મળેજ. અહી કોફી, હોટ ચોકોલેટ, ડોનટ, મફીન, કુકી અને બેગલ મળે. ૧૦-૧૨ પ્રકારના ડોનટ હોય, કુકી હોય અને ભાવમાં પણ બહુ મોંઘુ નહિ. $૧.૫ની કોફી કે ચોકલેટ અને $૧.૫ ની અંદર ડોનટ. અમે પણ ટીમ હોરટનમાં જઈએ અને અલગ અલગ ડોનટ ચાખીએ. ડોનટમાં ઈંડા ન હોય એટલે ખાઈ શકાય.
રાત્રે રૂમ ઉપર પાછા ફર્યા અને બીજા દિવસે ફરવા જવાનો પ્લાન બનાવ્યો.

કલગરીથી એક કલાક દૂર બેન્ફ નેશનલ પાર્ક આવેલો છે જે કેનેડાનો પહેલો નેશનલ પાર્ક ગણાય છે. અને ખુબ જ પ્રખ્યાત પણ છે એટલે અમે બરફમાં ચાલી શકે એવી 4X4 મોટી ગાડી ભાડે કરી અને રોજ સવારે તૈયાર થઈને પાર્ક જઈએ અને રાત્રે પાછા ફરીએ – એમ ૩ દિવસ ફર્યા.

બેન્ફ નેશનલ પાર્ક વિષે: ૧૮૮૫ની સાલમાં સ્થપાયેલો સૌથી જુનો અને 6,641 ચો. કિમીમાં ફેલાયેલો છે. કેનેડાની રેલ્વેના ડાયરેક્ટરના નામ બેન્ફશાયર (banffshire) પરથી આ પાર્કનું નામ પાડવામાં આવ્યું છે. આ પાર્કમાં ૨૫૬૪ ચો.કિમીની પર્વતની હારમાળા આવેલી છે જેને રોકી માઉન્ટેનસ (rocky mountains) કહે છે. આ પાર્કમાં ઘણા નાના-મોટા સરોવરો, હિમનદીઓ, ગીચ શંકુ જંગલો આવેલા છે. પાર્કમાં રીંછ, વરુ, શિયાળ, એલ્ક, જંગલી ઘેટા, મુઝ પ્રાણીઓ વસે છે જે શિયાળામાં ખુબ ઓછા જોવા મળે છે. મોટે ભાગે રીંછ હાયબરનેટ (નિષ્ક્રિય) થઇ જાય છે. શિયાળામાં લોકો  cross-country skiing, ski jumping, curling, snowshoe, and skijoring કરવા માટે ખાસ આ પાર્કમાં આવે છે.

પાર્કમાં દાખલ થવા માટે વ્યક્તિ દીઠ $૯ ભાવ છે. પણ ૨૦૧૭માં કેનેડાને આઝાદી મળ્યાના ૧૫૦ વર્ષ પુરા થયા હતા એટલે આખા કેનેડાના કોઈ પણ પાર્કમાં મફત પ્રવેશ આપવામાં આવતો હતો. એટલે અમે ૩૦-૩૧ ડીસેમ્બર મફતમાં ફર્યા અને ૧ જાન્યુઆરીએ ટીકીટ લીધી હતી. ત્યાં ટીકીટ લઈએ ત્યારે જ પાર્કનો નકશો આપ્યો હતો. અમે સૌથી પહેલા વિઝીટર સેન્ટર પર ગયા અને ત્યાં જઈને ૩ દિવસમાં અને આ વાતાવરણમાં ક્યાં ફરી શકાય એ વિષે માહિતી મેળવી. અમે ૩ દિવસ ફર્યા ત્યારે તાપમાન -42°C હતું. જીવનમાં પહેલી  વાર આટલી બધી ઠંડી અનુભવી હતી. અમે ૩ ટીશર્ટ, ૨ સ્વેટર અને જેકેટ, થર્મલ, પેન્ટ, ૩ મોજા, સ્નોના બુટ, ૨ હાથ મોજા,ટોપી અને સ્કાર્ફ પહેરતા હતા તો પણ ૧૦ સેકંડ માટે પણ હાથ ખિસ્સામાંથી બહાર કાઢીએ અને મોજા પહેરેલા હોય તો પણ ઠરી જાય અને સખ્ખત દુખે. અમે કોઈ જગ્યાએ પહોચીએ, મોબાઈલ બહાર કાઢીએ, તરત જ ફોટા પાડીએ અને પછી ૧૦ જ સેકંડમાં મોબાઈલ બંધ કરીને મૂકી દઈએ, એ પણ ના જોઈએ કે ફોટો આવ્યો કે નહિ! હાહાહા. નાક ઉપર સ્કાર્ફ બાંધેલો હોય એટલે શ્વાસમાં જે ભેજ હોય એને કારણે પાંપણ પર અને સ્કાર્ફ અને ટોપી ઉપર બફર જામી જાય! કલ્પનામાં ન આવે એટલી ઠંડી!

કેનેડાને ૧૫૦ વર્ષ પુરા થયા હતા એનો ૧ વર્ષનો મફત પાસ અને પાર્કનું પ્રવેશસ્થાન

પાર્ક તરફ જવાનો રસ્તો – હાયવે (ટ્રાન્સ-કેનેડા હાયવે – ૧ ) અને બેન્ફમાં પહોચીને વિઝીટર સેન્ટર
મોટે ભાગે અમે જ્યાં ફર્યા છે બધા નેશનલ પાર્કમાં વિઝીટર સેન્ટર અને એક બે ખાવાની જગ્યાઓ સિવાય કઈ ના મળે પણ અહી બેન્ફમાં તો એક નાનકડું ગામ જેવું છે જ્યાં બધીજ દુકાનો, હોટલો આવેલી છે અને જે સવારના ૮ થી રાતના ૧૧ સુધી ખુલ્લું રહે. અહી સવારે ૯ વાગે સૂર્યોદય થાય અને ૫ વાગે સુર્યાસ્ત.
અમે સૌથી પહેલા કેવ અને બેઝીન(cave and basin-National historic Site) જોવા ગયા.
આટલી ઠંડી અને બરફની વચ્ચે એક નાનકડી ગુફા આવેલી છે જેમાં ગરમ પાણીના કુંડ છે. ૧૮૮૩માં ૩ રેલવેના કર્મચારીઓ આ તરફ આવ્યા અને ગુફા શોધીને આ પાણીના કુંડ વિષે બધાને માહિતગાર કર્યા. કહેવાય છે કે આદિવાસી લોકો અહી રહેતા હતા. આ કુંડમાં પાણીનું તાપમાન 37°C રહે છે અને ઘણા બેક્ટેરિયા વસે છે અને તોય એમાં ગોકળગાય(Snail) રહે છે.

બહારથી

ગુફાની અંદર ગરમ પાણી ના કુંડ

canada d૩ (18)
ગુફાની બહાર પાણીનો કુંડ

ત્યાં નાનકડો પ્રદશન રૂમ બનાવેલો જોયો જેમાં સ્નોમાં રમાતી રમતો વિષે, કેનેડાને ૧૫૦ વર્ષ થયા એનું નાનકડું મુવી જોયું જેમાં કેનેડાની ખાસિયતો દર્શાવી હતી. એક નવી રમત વિષે મને ખબર પડી અને ત્યાં બહાર અમે રમ્યા પણ! જેનું નામ છે કર્લીંગ (curling). જેમાં બરફમાં એક ગોળ બેઠા ઘાટનો દડો લપસાવવાનો અને નક્કી કરેલી જગ્યાએ પહોચાડવાનો.વજનમાં ખુબ જ ભારે.

૧૮૮૫ની સાલ રમાતી ત્યારનો ફોટો અને અનુજ રમી રહ્યો છે એનો

ત્યાં બેન્ફમાં અમને ભારતીય હોટલ મળી. જ્યાં અમે બપોરે જમ્યા. (Indian curry house). પછી ત્યાંથી અમે ફેરમોન્ટ હોટલ (Fairmont) ગયા. એકદમ વૈભવી હોટેલ કે જે 19 મી સદી દરમિયાન બનાવવામાં આવી હતી અને ૧૮૮૮માં સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાઇ. આ હોટલને સ્કોટ્ટીશ વસાહતી શૈલીમાં બનાવવામાં આવી છે. એકદમ પરીકથામાં જોઈ હોય એવી જ! એ હોટલના ૩ માળ સામાન્ય લોકો માટે ખુલ્લા રાખવામાં આવેલા હતા. એ ૩ માળ ઉપર અલગ દુકાનો, પેન્ટિંગના પ્રદશન, ક્રિસમસનું ડેકોરેશન, રમતો રમવાના સાધનો બધું હતું.

canada d૩ (11).jpg
આ ફેરમોન્ટ હોટલ
canada d૩ (7).jpg
હોટલમાં બનાવવામાં આવેલું જીંજર બ્રેડ હાઉસ (હા આ બધું બિસ્કીટ અને ચોકલેટમાંથી બનાવેલું છે )
canada d૩ (6).jpg
હોટલની ત્રીજા માળની ગેલેરીમાંથી વ્યુ

રાત્રે આ સુંદર વ્યુ માણીને અમે હોટલ પર પાછા ફર્યા.

 

 

કેનેડા – કેલગરી

આજે સોમવારે સવારે મારી યુ.એસ કોન્સ્યુલેટમાં અપોઈનમેન્ટ હતી ૯:૩૦ વાગે. હું વહેલી તૈયાર થઇ ૭ વાગે હોટેલનો મફત નાસ્તો કરી અને નીકળી. સવારે બારણું ખોલ્યું ત્યારે સરસ બરફની ચાદર પથરાયેલી હતી જોઇને ખુશ થઇ ગઈ 🙂 કોન્સ્યુલેટ નજીક ગાડી પાર્ક કરી અને ચાલતી પહોચી. પહેલા સિક્યોરીટી ચેક થયો પછી ઉપર લઇ જાય અને ફિંગર પ્રિન્ટ લેવાય અને પછી ઈન્ટરવ્યું. એક ભાઈએ લીધો મારો ઈન્ટરવ્યું, બધુજ પૂછ્યું ક્યાં ભણું છું, ક્યારથી?, કોણ ફી ભરે છે? બધું પણ એને સંતોષ ના થયો અને મારો પાસપોર્ટ આપીને કીધું કે તારી એપ્લીકેશન રીજેક્ટ કરીએ છીએ અને મને ફાળ પડી! મે એને સમજાવ્યું કે મારે જાન્યુઆરીમાં કોઈ પણ સંજોગોમાં કોલેજ જવું પડશે. હું અહી ના રહી શકું, મહા મહેનતે એણે પાસપોર્ટ રાખ્યો એની પાસે અને મને કહ્યું કે અમુક બીજા ડોક્યુમેન્ટ ઇમેલ કરી આપ. સીધી જ ઘરે આવી અને કોલેજ ફોન કર્યા અને બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા. મે મારી પાસે હતા એમ ભેગા કરી ને મોકલી દીધા. મને હવે ખુબ ટેન્શન એ વાતનું થાય છે કે પહેલા તો વિઝા સ્ટેમ્પ કરશે કે કેમ? અને કરશે તો પાસપોર્ટ આપશે ક્યારે? બપોરે દુખી થઇ ગઈ હતી થોડું રડી. અનુજ અને મિતિ જોડે વાત કરી સારું લાગ્યું અને પછી બહાર ગઈ ફરવા.
કલગરી ડાઉનટાઉનમાં ફરવા ગઈ. કલગરી ટાવર બહુ પ્રખ્યાત છે ત્યાં ગઈ.

ટીકીટ હતી 16$! છેક ઉપરના માળે જઈને કાચની બારીઓથી બહાર આખું કલગરી જોઈ શકાય! કૅલ્ગરી ટાવર એ 190.8-મીટર (626 ft) ઊંચું અને ૧૯૬૭માં બનેલ પ્રખ્યાત ટાવર છે મે ઓડિયો ટુર લીધી હતી એટલે કઈ બિલ્ડીંગ ક્યાં છે અને કેમ છે એ બધું સાંભળ્યું. ત્યાં એક ભાગમાં કાચનું ફલોરિંગ છે જ્યાંથી એકદમ નીચેનું દેખાય. ડરી જવાય એવું!

ઉપરથી વ્યુ 🙂 આ સામે કાળા રંગનું જે સૌથી ઊંચું બિલ્ડીંગ દેખાય એનું નામ છે bow tower (બો ટાવર). કલગરીની માંથી ૨ નદીઓ પસાર થાય છે એક bow(બો) અને બીજી elbow(એલ્બો) river. અને આ બો નદી પરથી આ ટાવરનું નામ પડ્યું છે. આ ટાવરમાં અલગ અલગ ઓફીસ આવેલી છે. કેનેડા ઓઈલ અને ગેસ ઉત્પાદનમાં ઘણું પ્રખ્યાત છે (અમેરિકાને સૌથી વધારે ઓઈલ પૂરું પાડનાર દેશ કુવેત, ઈરાન કે ઈરાક નથી પણ કેનેડા છે )

કાચ ઉપર 🙂
મજા આવી ટાવર જોવાની પછી ત્યાંથી ઉતરીને આજુ બાજુ ફરી, ચાઈનાટાઉનમાં ફરી, આઈસ રીંગ હતી જ્યાં બધા આઈસ સ્કેટિંગ કરતા હતા ત્યાં બેસીને બધાને જોયા થોડી વાર 🙂

ધ બો ટાવર નીચેથી અને નજીકથી

ચાઈના ટાઉન

આઈસ સ્કેટિંગ અને રાત્રે કલગરી ટાવર
અને પછી ૬ વાગે નીકળી અને હોટેલમાં દૂધ ગરમ કરી આવી અને થેપલા ને દૂધ જમી 🙂
બીજા દિવસે ભયંકર સ્નો પડ્યો (૨૫ સેમી) એટલે ગાડી તો કાઢવી શક્યજ ન હતી. મે મારા જીવનમાં આવો સ્નો પહેલી વખત જોયો. સવારે ૩-૪ કલાક તો ખાલી સ્નોમાં રોડ ઉપર ફરી અને સ્નો માણ્યો. ઠંડી બહુ લાગી જાય એટલે નજીકના સ્ટોરમાં ગુસી જાઉં અને ગરમ થઇ જાઉં 😀 મારા વિઝાના મામલામાં અત્યંત ટેન્સનમાં રહ્યી. મનમાં સતત એક જ વસ્તુ ચાલ્યા કરે કારણ કે મને ઓફિસરે કહ્યું હતું કે મહિના અને વર્ષો લાગી શકે! મારું ભણવાનું શું થશે? હું ઘરે ક્યારે જઈશ? મારો પાસપોર્ટ પણ એમની પાસે તો હું કેનેડા છોડી જ નહિ શકું? સ્નોના કારણે બધા રસ્તા બ્લોક એટલે હું ક્યાય જઈ ના શકું અને મે કદી ગાડી સ્નોમાં ચલાવેલી નહિ એટલે મને વધારે ડર લાગે એટલે મારે ગાડી તો ચલાવવી ન હતી. રૂમ ઉપર આવીને મુવી જોયા. મમ્મી, પપ્પા, અનુજ, મિત્ર ધરા, મિતિ, વિનયભાઈ બધા જોડે વાતો કરું ને હિંમત ભેગી કરું અને રાત્રે મોવી જોતા સુઈ જાઉં.
અચાનક મમ્મી જોડે વાત કરતી હતી ને મમ્મી એ કીધું કે આ તમારા ફેસબુકમાંથી ખબર ના પડે કે તમારું ઓળખીતું કોઈ કલગરીમાં રહે છે કે નહિ? મે શોધ્યું તો મારી જૂની મિત્ર મળી! અમે MBICTમાં સાથે નોકરી કરતા, હું લેકચરર અને એ લેબ આસીસ્ટંટ, નામ ખુશ્બુ. મે એને મેસેજ કર્યો અને એનો તરત જવાબ આવ્યો અમારી ફોન પર વાત થઇ અને બુધવારે મળવાનું નક્કી કર્યું. સ્નો એટલો જ પડેલો એટલે હું ૨ બસ બદલીને સનરીજ મોલ ગઈ. અમે બંને બપોરે ૨ વાગે મળ્યા. શોપિંગ તો મારે કશુજ કરવાનું ન હતું. (એક તો આપણાને શોખ ઓછો અને કૈક ખરીદું તો લઇ કેમની જાઉં? ) ખુશ્બુએ મને મોલની દરેક દુકાન બતાવી, અમે અમેરિકામાં આવો સ્ટોર છે આવું મળે અને કેનેડામાં આવો! એવી વાતો કરી. કોઈ દેશને ઓળખવો હોય તો મોલ પણ ઘણું બધું સમજાવી જાય એ ખરું. અમેરિકામાં જે છે એ બધા જ સ્ટોર મોટાભાગે અહી છે જ. અમુક સાવ અલગ છે. જેમ કે અમેરિકામાં દવાઓ માટે ની મોટી દુકાનો – વોલગ્રીન અને સી.વી.એસ ફાર્મસી જયારે અહિયાં સ્ટોપર્સ ફાર્મસી. અમેરિકા કરતા કેનેડામાં બધી વસ્તુઓ સહેજ મોંઘી મળે એ મે અનુભવ્યું.
અમે ૨-૩ કલાક મોલમાં ફર્યા પછી એના ઘરે ટ્રેનમાં ગયા. એનું ૧ બેડરૂમનું સરસ અપાર્ટમેન્ટ હતું ત્રીજે માળ. ખુશ્બુએ સરસ શાક, પુલાવ, પરોઠા, રાઇતું જમાડી. બહુજ આનંદ થયો ખુશ્બુ અને એના પતિને મળીને. એ લોકો મને રાત્રે છેક મારી હોટેલ સુધી ઉતારી ગયા.
અહીનું પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુબ ગમ્યું. દર ૧૦ મીનીટે બસ કે ટ્રેન હોય જ. બહુ બધા લોકો બસ- ટ્રેનમાં ફરતા હોય. ગમે તેટલો સ્નો હોય પણ બસ અને ટ્રેન ચાલતી જ હોય. કોઈ પણ બસમાં એક વાર બેસો એટલે ૩.૨૫$ ભાડું હોય પછી તમે બીજા સ્ટોપે ઉતારી જાઓ કે છેલ્લા. મોટે ભાગે બધા પાસે મહિના નો પાસ હોય અને ડ્રાયવરને ચડતી વખતે બતાવે. મારી પાસે પાસ ના હોય એટલે ડ્રાયવર પાસે એક દાનપેટી જેવું હોય એમાં છુટા ૩.૨૫$ મુકવાના અને ટીકીટ ફાડી આપે. (તમારી પાસે ૧૦$ નોટ હોય તો એ બધી આપવી પડે, પાછા છુટ્ટા કોઈ ના આપે :D) એટલે બસમાં જવું હોય તો છુટ્ટા સાથે રાખવા. બસમાં ૨ દરવાજા હોય, બસ જેવી ઉભી રહે એટલે નીચી થાય અને બંને દરવાજા ઓટોમેટીકલી ખુલે, પહેલા બધા અંદર ઉભા રહેલા લોકો નીકળે પછી બહારના આગળના દરવાજાથી જ અંદર આવે, પાસ કે ટીકીટ બતાવી અંદર બેસે. બસ બધે ના ઉભી રહે, પ્રવાસી બસસ્ટોપે દેખાય તો ઉભી રહે અથવા અંદરથી કોઈને ઉતરવું હોય તો સ્ટોપ રીક્વેસ્ટ કરે (બસમાં દરેક સીટ અને દરવાજે લાલ બટન હોય એ દબાવો એટલે આવાના સ્ટોપે બસ ઉભી રહે).

ગુરુવાર – આજે ફાયનલ મને વિઝાનું સ્ટેટસ ખબર પડવાની હતી! બહુ સમય પછી ગભરામણ અને ટેન્શનનો અનુભવ કર્યો. સવારે પણ સફાળી જાગી ગઈ હતી. તૈયાર થઇ બપોરે સ્નોમાં ફરી આવી. આજે વિઝાનું સ્ટેટસ બદલાશે અને મળી જશે તો કેનેડાની પ્રખ્યાત કોફીની દુકાન ‘ટીમ હોર્તોન’ (tim hortons) માંથી હોટ ચોકોલેટ પીશ એ નક્કી કરી આવી. પછી હું બપોરેનું જમીને નીકળી બસમાં લાયબ્રેરી જવા અને ફરવા. રસ્તામાં મને ઇમેલ આવ્યો કે US visa ઓફીસથી તમારો પાસપોર્ટ પોસ્ટ થઇ ગયો છે. મને કઈ સમજાયું નહિ એટલે હું ઉતરીને સીધી યુ.એસ. એમ્બસી ગઈ. અને ત્યાં સિક્યોરીટી ગાર્ડને મળી અને પૂછ્યું. એમને અને બીજા ત્યાના ઓફિસરે કહ્યું કે વિઝા મળી જાય પછી તમારો પાસપોર્ટ અમે તમે નક્કી કરેલી જગ્યા એ મોકલી આપીએ અને તમારે કાલે ત્યાંથી લઇ લેવાનો. મે ૨ વખત કન્ફર્મ કર્યું અને એટલી ખુશ થઇ કે રડી પડી અને સિક્યોરીટી ગાર્ડને પૂછ્યું ‘  Can I hug you? (હું તમને ભેટી શકું?) એમને કીધું ચોક્કસથી અને એમને ભેટી પડી 🙂 મમ્મી પપ્પાને ઉઠાડ્યા ૨ વાગે અને સમાચાર આપ્યા. કદાચ હું જેટલી ચિંતા કરતી હોઈશ મારા વિઝાની એનાથી ૧૦ ઘણી મમ્મી પપ્પા એ કરી છે. મને રોજ ફોન કરે અને કહે ‘ તું તો અમારી બહાદુર દીકરી છે, મજા કર તને વિઝા મળી જ જશે, ગુરુવારે બપોરે ૨ વાગે તને સમાચાર મળી જશે ‘ અને એમજ થયું.! આ તે કેવો ચમત્કાર!
રોડ પર સરસ સ્નો શરુ થયો, સ્કાર્ફ અને ટોપી બધું કાઢીને બહાર નીકળી, રડી, ખુશ થઇ 🙂 સાલી એક જ મિનીટમાં દુનિયા સ્વર્ગ લાગવા માંડી 🙂 😀 ત્યાંથી લાયબ્રેરી ગઈ. કલગરીની સૌથી મોટી ‘કલગરી સેન્ટ્રલ લાયબ્રેરી’! 🙂
કલગરીની આ સૌથી મોટી અને મુખ્ય લાયબ્રેરી ૭ માળની. અને આ લાયબ્રેરીનું હજુ મોટું બિલ્ડીંગ બીજી જગ્યાએ બની રહ્યું છે. દરેક માળ ઉપર અલગ અલગ વિભાગ હોય. બાળવિભાગ, કિશોર (youth), કોમ્પ્યુટર રાખેલ હોય, નાનું થીએટર પણ હતું અંદર, અલગ કાર્યક્રમ કરવાના રૂમ, અને ઘણું બધું. ત્યાં અંદર જતાની સાથે જ એક સાચા લ્હાયબંબો (ફાયર ટ્રક) રાખી હતી જેમાં અંદર જઈને જોઈ શકાય કે કેવી રીતે કામ કરે છે અને આખી ટ્રક ઉપર ફક્ત ફાયર ટ્રકના અલગ અલગ પુસ્તકો!

Canadad2 (1).jpg
આ ફાયર ટ્રક
Canadad2 (2).jpg
નવી લાયબ્રેરીનું મોડેલ લેગો (LEGO) થી

લાયબ્રેરીના અન્ય ભાષા વિભાગમાં મરાઠી પુસ્તક અને બાળવિભાગ
લાયબ્રેરીમાં સાંજ સુધી રહી.  ફરી, વાચ્યું અને પછી ત્યાંથી બસમાં જયપુર બ્રીજ જોવા ગઈ! બ્રીજના નામ પાછળનું કારણ કલગરી શહેરે અલગ અલગ ૬ દેશોમાંથી એક શહેરને સિસ્ટર સિટી બનાવ્યા છે. પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સિસ્ટર શહેરો બનાવવામાં આવ્યા છે જેમાં ભારતમાંથી જયપુરની પસંદગી થઇ છે. એટલે એના મનમાં આ બ્રીજનું નામ જયપુર બ્રીજ પાડવામાં આવ્યું છે. ક્રિસમસનો સમય હોવાથી બ્રીજને રોશનીથી શણગાર્યો હતો અને બ્રીજ નીચેથી કલગરીની બો નદી પસાર થતી હતી જે થીજી ગઈ હતી!

જયપુર બ્રીજ પર ઉભેલી હું અને નીચે બો નદી

કલગરીમાં આર્ટ સેન્ટર નવું બને છે એટલે એનું બાંધકામ કેવી રીતે થઇ રહ્યું છે એ દેખાય નહિ એ રીતે એ જેવું બનશે એનું મોટું પોસ્ટર લગાવેલું છે! અને રાત્રે કલગરી ટાવર.
બધું પતાવીને ગઈ રૂમ ઉપર અને મુવી જોઇને સુઈ ગઈ. સવારે ખુશીમાં ૫:૩૦ એ ઉઠી ગઈ અને ઝીંદગીના મિલેગી દોબારા મુવી જોયું! તૈયાર થઇ નાસ્તો કરી અને નીકળી પાસપોર્ટ લેવા માટે. પોસ્ટઓફીસ પર પહોચી, પાસપોર્ટ લીધો અને જોયું તો અંદર સ્ટેમ્પ જ નહિ! મને ફાળ પડી અને ભાગી એમ્બસી અને ઓફિસર જોડે વાત કરી અને એમને કહ્યું કે હજુ વિઝા મળ્યા નથી. મળશે એટલે પાસપોર્ટ મંગાવશે! બહુજ દુખી થઇ ગઈ અને કઈ સમજાય જ નહિ શું કરું. લાયબ્રેરી પહોચી મારા બધા ડોક્યુમેન્ટ મોકલ્યા અનુજને. અનુજે વકીલ જોડે વાત કરી પણ એક જ જવાબ હતો કે બસ રાહ જોવાની વિઝા મળે એની. મગજ બંધ થઇ ગયું હતું એટલે અનુજે કીધું કે ગાડી લઈને નીકળ બસ ફરવા. ને હું નીકળી પડી બેન્ફ નેશનલ પાર્ક તરફ. ૩-૪ કલાકે પાછી આવી પછી એરપોર્ટ પર ગાડી મૂકી, બીજા દિવસની મારી ફ્લાઈટ અનુજે કેન્સલ કરાવી અને મારી મિત્ર ખુશ્બુના ઘરે રહેવા ગઈ. ખબર નહિ પણ -૨૦ C ની ઠંડીમાં એકલા ૪ દિવસની જાહેર રજામાં કોઈજ ઈચ્છા ન હતી એકલા રહેવાની અને એ પણ આ વિઝાના ટેન્શનમાં. ખુશ્બુના ઘરે હું અઠવાડિયું રહી. બહુજ સારું લાગ્યું મને એમની સાથે. ખુશ્બુના મિત્રો અને બીજા સબંધીઓને મળી. ખુશ્બુ લોકો જોડે રહીને કેનેડાની લાઈફ સ્ટાઈલ વિષે વધારે સમજ પડી!
અનુજના કેનેડાના વિઝા આવી ગયા અને પછી અનુજ આવ્યો 28મીએ રાત્રે ૧૨ વાગે. અમે હોટલમાં રોકાયા અને શરુ થયું અમારું વેકેશન 🙂

 

 

 

 

 

કેનેડાના પ્રવાસે

મારી અને અનુજની ડીસેમ્બર મહિનાના અંતમાં ફરવા જવાની ઈચ્છા હતી અમે નવેમ્બર મહિનામાં વિચારતા હતા કે ક્યાં જવું. ત્યાં અચાનક મારા F1 વિઝા સ્ટેમ્પિંગ વિશેની વાત થઇ. અમેરિકામાં સ્ટેટસ જાળવી રાખવું બહુ મહેનત માંગી લે એવું છે. ટુકમાં સમજાવું તો હું અહી જયારે આવી ત્યારે H4 વિઝા પર આવી હતી પછી મે ભણવાનું શરુ કર્યું એટલે હું F1 વિઝા પર આવી ગઈ હવે મારા પાસપોર્ટમાં F1 વીઝા નું સ્ટેમ્પિંગ હોવું જરૂરી છે. એટલા માટે કે હું અમેરિકા છોડી તો શકું પણ જયારે પાછુ આવવું હોય તો પાસપોર્ટમાં F1 વીઝા નું સ્ટેમ્પિંગ હોવું જોઈએ. હવે બીજી ગરબડ એ કે મારું ભણવાનું ચાલતું હોય ત્યારે જ મારા પાસપોર્ટમાં F1 વીઝા નું સ્ટેમ્પિંગ થઇ શકે બાકી મને અમેરિકા પાછા આવવા ના દે. કેમ કે મારું ભણવાનું પતી ગયું છે એટલે હવે F1 ની જરૂર નથી. આ બધી માયાજાળ સમજ્યા પછી બધા અનુભવી લોકોને પૂછ્યું અને બધાએ કીધું કે ભણવાનું પતે એ પહેલા સ્ટેમ્પિંગ બહુજ જરૂરી છે નહિ તો અમેરિકા છોડી નહિ શકાય અને છોડીશ તો પાછુ નહિ અવાય. એટલે અમે નક્કી કર્યું કે ચાલો કેનેડા જઈએ. અઠવાડિયું ફરીએ અને સ્ટેમ્પિંગ કરાવી આવીએ.
હવે વારો આવ્યો કેનેડાના વિઝીટર વિઝા લેવાનો. અમે નવેમ્બર ૭ એ ઓનલાઈન વિઝાનું અપ્લાય કર્યું અને સાથે સાથે કેનેડામાં અમેરિકન એમ્બસીમાં મારા F1 વિઝાના સ્ટેમ્પિંગની અપોઇન્મેન્ટ લીધી, ૧૮ ડીસેમ્બરની. (એ સિવાય એક પણ મળે એમ હતી નહિ). અને ૨૭ નવેમ્બરે અમને વિઝા મળ્યાનું કન્ફર્મેશન આવી ગયું. હવે રહ્યું કામ પાસપોર્ટ માં કેનેડાના વિઝીટર વિઝાનું સ્ટેમ્પિંગ કરાવવાનું, અનુજ ૨૭ મીએ ભારત જવા નીકળ્યો એટલે એનો પાસપોર્ટ એ લઈને ગયો અને મે ૨૮ મીએ મારો પાસપોર્ટ કેનેડાના વિઝીટર વિઝાના સ્ટેમ્પિંગ માટે મોકલ્યો.  મારી પરીક્ષા પછી ૮ મી ડીસેમ્બરે અને ૧૧ મીએ મારો પાસપોર્ટ આવી ગયો! હવે અનુજ આવાનો હતો ૧૮મીએ ભારતથી પાછો અને મારી કેનેડામાં F1 વિઝાના સ્ટેમ્પિંગની અપોઇન્મેન્ટ હતી ૧૮મીએ. હવે અનુજ આવીને પાસપોર્ટ મોકલે તો પણ આવતા ૧૫ દિવસ થાય એટલે એ આવી શકે મારી સાથે એની શક્યતા નહીવત થઇ. એટલે ૧૨મીએ મે મારી પ્લેન ની ટીકીટ, હોટેલ, ભાડે ગાડી બધું ઓનલાઈન બુક કરાવી દીધું. અને આ રીતે મારે એકલા કેનેડા ફરવા જવાનું નક્કી થયું!
(અનુજ વર્ષમાં ૧-૨ વખત કંપનીના કામે અલગ અલગ દેશો ફરે તો મને કાયમ ઈચ્છા થતી કે હું પણ એકલી નવો દેશ ફરું, ખબર ન હતી કે આ ઈચ્છા આટલી જલ્દી પૂરી થશે.)
પછી તો કોલેજના ધક્કાને વિઝાના કાગળિયા ભેગા કર્યા, ૭ દિવસ રવિવારથી શનિવાર સુધી જવાનો સામાન (ખાલી એક નાની બેગ અને લેપટોપ બેગ – Minimalism ;)) પેક કર્યો અને રવિવારે સવારે ૮ વાગ્યાની ફ્લાઈટમાં હું નીકળી.
પહેલા સાન હોઝેથી લોસ એન્જેલસ અને ત્યાંથી કેનેડા કલગરી (calagary) પહોચી. ત્યાના સાંજના ૫ વાગે. પછી એરપોર્ટ પરથી જ ગાડી લીધી અને રસ્તામાં જમીને પહોચી ગઈ હોટેલ!
એકલા ફરવા જવાનો મારો આ પહેલો અનુભવ અને એ પણ નવા દેશમાં!
જેવું નક્કી થયું કે મારે એકલા જવાનું થશે ત્યારે એક અલગ જ ગભરામણ અવશ્ય થયેલી, ખબર નહિ કેમ? કદાચ પહેલી વાર હતું એટલે, ડર લાગતો હતો કે ક્યાંક ફસાઈ ના જાઉં ત્યાજ ? કે અનુજ વગર ફરવા જવાની ઈચ્છા ન હતી ? ખબર નથી પણ શરૂઆતમાં ડર લાગેલો 🙂
પછી જેમ ટીકીટ કરાવી એટલે ગુગલ કરવા માંડ્યું કે શું જોવું ક્યાં ફરવું? અને એ બધું જોઇને ખુશ થઇ ગઈ 🙂 કેનેડાની વાહન ચાલવવાના નિયમો, અલગ યુનિટ સીસ્ટમ, અલગ ટાઇમ ઝોન, અલગ વાતાવરણ (ડીસેમ્બર એટલે નકરો સ્નો!), અલગ ચલણ, અલગ પ્લગ હોલ્ડર, અલગ દુકાનો, અલગ રસ્તા અને કોઈજ ઓળખીતું નહિ 🙂
નવો દેશ ફરવા જઈએ ત્યારે ઘણી મહેનત કરવી પડે ને વાંચવું પડે, આમ કરવાથી ત્યાં તકલીફ ઓછી પડે એમ હંમેશા અમે માનીએ એટલે બધું અગાઉથી વાંચીને જઈએ. હા અમેરિકાથી જ કેનેડા ડોલર લઈને આવી હતી. અલગ દેશમાં એકલા ફરવું એ ચોક્કસથી નિર્ભય બનાવે તમને એમાં કોઈ શક નથી. તમે બહુ વધારે પડતા જવાબદાર થઇ જાઓ કેમ કે તમારે જ બધું કરવાનું છે જાત્તે 🙂
સવારે ફ્લાઈટમાં બેઠી, મારી પાસે ખાલી એક કેરીઓન બેગ અને લેપટોપ બેગ જ હતી એટલે બધો સામાન જોડે જ. ‘ન હન્યતે’ અને કીન્ડલમાં બીજા પુસ્તકો લઈને આવી છું. થોડી વાર સુઈ ગઈ, ‘ન હન્યતે’ પુસ્તક વાંચ્યુ. ખાધું, બારીની બહાર વાદળો, બફરથી ઢંકાયેલા પહાડો, નાના ખેતરો, સુર્યાસ્ત જોયો 🙂 હવે હું બહુ બધા લોકો સાથે સરળતાથી વાતો કરી શકું છું. પહેલા બહુ ખચકાતી કે આ લોકો સાથે વાત શું કરવી? કરશું તો ગમશે કે કેમ? હવે તો દિલ ખોલીને વાતો કરી શકું છું. બસ આમ ગપ્પા માર્યા લોકો જોડે.૩ કલાક લોસ એન્જેલસમાં હોલ્ડ હતો ત્યારે પહેલી વાર મે એરપોર્ટ પરથી સ્પ્રિંગ રોલ ખરીદીને ખાધા 🙂
ફરી ૩ કલાકની ફ્લાઈટ લઈને આવી. કેનેડા ઉતરી. જે થોડા અવલોકનો અને તફાવતો જોયા એ નોંધુ. કેનેડા એ ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે જે બીજા નંબરનો શેત્રફળ ધરાવે છે. 16 મી સદીમાં ફ્રેંચ અને બ્રિટીશ લોકોએ શાશન કર્યું છે અને તેથી અહી અંગ્રેજી અને ફ્રેંચ એ મુખ્ય ભાષાઓ છે. બધે બોર્ડ પર અંગ્રેજી અને ફ્રેંચમાં લખેલું દેખાય. અહીની ગાડી ચલાવવાની પદ્ધતિ અમેરિકા જેવી જ છે, જમણી બાજુએ પણ યુનિટ સીસ્ટમ મેટ્રિક પદ્ધતિથી છે જે અમેરિકાથી વિપરીત છે. રોડ ઉપર ૧૧૦ km ની ગતિ મર્યાદામાં આજે મે ચલાવ્યું 😀 (હા અમેરિકાનું ડ્રાઈવીંગ લાયસન્સ અહી ચાલે 😉 )
અહી તારીખ લાખવાની રીત અલગ છે પહેલા વર્ષ, પછી મહિનો પછી તારીખ. ૨૦૧૭/૧૨/૧૭. એ બધું હું વાંચીને આવી હતી અને એરપોર્ટ આવીને જ પેલા ફોર્મ ભરતા કામ લાગ્યું 😀 અહી ડીસેમ્બર મહિનો એટલે બરફ. આજે અહી તાપમાન 0ºC છે અને પરમદિવસે ૧૫ સેમી બરફ પણ પડવાનો છે. એટલે સ્નો ટાયરવાડી ગાડી લીધી છે મે કે જેથી સ્નોમાં સરળતાથી ચલાવી શકાય.

એરપોર્ટ પર વાંચી રહેલા લોકો 🙂 હું કેનેડા પહોચી એની સેલ્ફી 😀

પ્લેનમાંથી કેલગરી, બરફથી ઢંકાયેલા પહાડો અને સુર્યાસ્ત
અહી અમેરિકાની જેમ જ તમે ઉતરો અને એરપોર્ટથી જ ગાડી ભાડે કરેલી મળી જાય એ લઈને હું હોટલ પર આવી. ગુગલ મેપ ની કૃપાથી 🙂 અમે ટીમોબાઈલ ની સર્વિસ વાપરીએ છીએ જેમાં ઇન્ટરનેશનલ રોમિંગ ડેટા મફત છે એટલે વાંધો ના આવે પણ મે અગાઉથી બધા જરૂરી ડોક્યુમેન્ટ અને મેપ ડાઉનલોડ કરી રાખેલો છે જેથી સર્વિસ ન હોય તો પણ બધે જઈ શકાય.

હોટલનો રૂમ અને એરપોર્ટ પરનું મોટી ક્રિસમસ ટ્રી
હોટલ પર આવી સામાન મુક્યો અને હોટલમાં ફ્રીઝ, હેર ડ્રાયર, કોફી મશીન, ઈસ્ત્રી, ટીવી, મફત ઇન્ટરનેટ હતું અને સવારે ૬:૩૦ થી ૯:૩૦ માં મફતમાં સવાર નો નાસ્તો પણ! હું બધો સામાન મૂકી અને નજીકના ગ્રોસરી શોપમાં જઈને દૂધ, ફળ અને બીજો મારા રોજ રાતના જમવાનો સામાન લઇ આવી. ( જોકે ઘરેથી થેપલા, સુખડી, મમરા, ને બીજો કેટલોય નાસ્તો તો લાવી જ છું 😉 હાહા )
હવે સુઇશ અને કાલથી ચાલુ થશે પ્રવાસ. !