ટહુકો સાથેનો પ્રેમ

ગુજરાતી સાહિત્ય અને સુગમ સંગીતમાં મને પહેલેથી ખુબ રસ. નડિયાદ રહેતી અને સુગમ સંગીતના કોઈ કાર્યક્રમ થવાનો છે એવી ખબર પડતી ત્યાં અચૂક જતી. અમેરિકામાં આવ્યા પછી એ ખુબ યાદ આવતું. અચાનક 1 વર્ષ પછી (ફેબ્રુઆરીમાં) મને ખબર પડી કે પહેલી વાર કવિયત્રી પન્ના નાયક આવી રહ્યા છે અને કાર્યક્રમ રાખેલ છે. હું ત્યાં પહોંચી ગઈ. કાર્યક્રમ જૈન મંદિરના હોલમાં હતો, સરસ સ્ટેજની ગોઠવણ કરી હતી, ખુબ વિશાળ હોલ હતો. હું કોઈને ત્યાં ઓળખતી ન હતી, એટલે ચુપચાપ છેલ્લી ખુરશી ઉપર જઈને બેઠી. પન્ના નાયક સાથે બીજા મહાનુભાવ સ્ટેજ ઉપર હતાં અને પછી સુગમ સંગીતનો કાર્યક્રમ થયો એનું સંચાલન પીળી બાંધણી પહેરેલા બહેન કરી રહ્યા હતાં અને તાના-રીરી કહી શકાય એવા 2 બહેનોએ ખુબ સુંદર ગીતો ગાયાં.
ખુબ આનંદ થયો અને છેલ્લે એ પીળી સાડીવાળા બહેન જે સંચાલન કરી રહ્યા હતા એમણે એમની સંસ્થા વિષે વાત કરી અને એમને મદદ જોઈતી હતી ગુજરાતી ગીતોને ટાઈપ કરવાં માટે!
હવે મજાની વાત એ થઇ કે એ જે સંસ્થા વિષે બોલ્યા એ હતી tahuko.com !!!!
અરે આ એજ tahuko.com ની વાત કરી રહ્યાં છે જેના ઉપર હું 13-14 વર્ષની હતી ત્યારથી ગીતો સાંભળતી! મારાં માનવામાં જ ન આવ્યું કે હું એ જયશ્રી ભક્તાને જોઈ રહી છું જેમણે મને ગુજરાતી સુગમ સંગીત સાથે જોડી હતી!

મેં ફટાફટ એમનું ઈમેલ આઈડી નોંધી લીધું, પછી તો કાર્યક્રમ પત્યો અને પછી બે એરિયાના અલગ અલગ વ્યક્તિઓ જે ગુજરાતી સાહિત્ય માટે કામ કરી રહ્યા છે એમણે વાતો કરી. મને ખુબ આનંદ થયો કે અહીં આટલી સરસ સાહિત્યિક પ્રવૃતિઓ થઇ રહી છે.

હું ઘરે આવી અને જયશ્રીબહેનને ઇ-મેઇલ કર્યો, એમનો સરસ જવાબ આવ્યો અને પછી હું tahuko.com માટે એમને અમુક ગીતો લખીને મોકલતી થઇ. પછી તો અમારી મિત્રતા વધી અને tahuko ના સુગમ સંગીતના કાર્યક્રમોનું સંચાલન એજ વિશાળ સ્ટેજ ઉપર બેસીને કર્યું જ્યાં પહેલી વાર જયશ્રીબહેનને જોયા હતા!  અને અત્યારે tahuko.com માં કન્ટ્રીબ્યુટર છું અને અઠવાડિયાની નિયમિત પોસ્ટ હું કરું છું!

મેં કદી ધાર્યું ન હતું કે મને મારી ભાષા માટે આટલું સુંદર કામ કરવા મળશે. અને જે tahuko.com પરથી સુગમ સંગીત સાંભળીને હું મોટી થઇ ત્યાં હું પણ નિમિત્ત બનીશ કોઈક ને સંભળાવવા માટે. કદાચ મારો માતૃભાષાપ્રેમ અને એ પ્રેમને ઓળખનાર જયશ્રીબહેનને હું આનો શ્રેય આપીશ.

અને ‘ૐ શાંતિ ૐ’ ફિલ્મમાં ડાયલોગ છેને કે “આપ જિસકો પુરે દિલ સે ચાહો તો પુરી કાયનાત આપકો ઉસ ચીઝ સે મિલાનેમે લગ જાતી હે” બસ એવું જ કંઈક થયું મારી અને tahuko સાથે 🙂

Leave a comment